શ્રાવણ માસ માટે AMTS શરૂ કરશે ધાર્મિક પ્રવાસ બસ યોજના, જાણો સ્થળ, સમય અને ભાડું

અમદાવાદ: દેશભરમાં પવિત્ર શ્રાવણ માસનો શુભારંભ થઈ ચૂક્યો છે. ત્યારે ગુજરાતમાં ગણતરીના દિવસોમાં શ્રાવણ મહિનો શરૂ થવા જઈ રહ્યો છે. આ મહિના દરમિયાન ધાર્મિક સ્થળોએ ભક્તોનું ઘોડાપુર ઉમટી પડે છે. શ્રાવણ મહિનામાં અમદાવાદના નાગરિકો મંદિરોના દર્શન સરળતાથી કરી શકે તે માટે AMTS દ્વારા ધાર્મિક પ્રવાસ યોજના શરૂ કરવામાં આવશે. આ બસો વિવિધ રૂટ પર દોડશે, જેનાથી શ્રદ્ધાળુઓ સરળતા મંદિરોનો પ્રવાસ કરી શકે.
શ્રાવણ મહિનાના આરંભથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા રોજ 80 બસો ધાર્મિક પ્રવાસ માટે ફાળવવામાં આવશે. આ બસો લાલ દરવાજા, સારંગપુર, વાડજ અને મણિનગર બસ ટર્મિનસ ખાતેથી બુક કરી શકાશે. દરેક બસમાં 30થી 40 લોકો મુસાફરી કરી શકશે. મ્યુનિસિપલ હદમાં રહેતા લોકોએ બસ દીઠ 3,000 રૂપિયા અને AUDA હદમાં રહેતા લોકોએ 5,000 રૂપિયા ચૂકવવાના રહેશે.
બસો સવારે 8:15 વાગ્યે ઉપડશે અને સાંજે 4:45 વાગ્યે પરત ફરશે, જે નાગરિકોને તેમના ઘરેથી લઈ જશે અને પરત મૂકશે. ગત વર્ષે શ્રાવણ મહિનામાં 1,000થી વધુ બસો દોડાવવામાં આવી હતી. પ્રોપર્ટી ટેક્સ બિલ અને ચૂકવેલ રકમની રસીદ બુકિંગ વખતે રજૂ કરવી પડશે. અડાલજના ત્રિમંદિરને ટ્રાફિક અને પાર્કિંગ સમસ્યાને કારણે આ યાત્રામાં સામેલ કરાયું નથી.
શ્રાવણ માસ નિમિત્તે લોકો એકસાથે ગ્રુપમાં દર્શન કરવા માટે જતા હોય છે, જેથી AMTS દ્વારા ધાર્મિક બસ પ્રવાસ યોજના મૂકવામાં આવી છે. જેમાં પૂર્વ અને પશ્ચિમે બંને વિસ્તારમાં આવેલા વિવિધ મંદિરો નક્કી કરવામાં આવ્યા છે. નાગરિકો નક્કી કરેલા મંદિરોમાંથી પણ પોતાના પસંદગીના મંદિરોમાં દર્શન માટે જઈ શકશે. ઉલ્લેખનીય છે કે યાત્રા માટે AMC દ્વારા જલારામ મંદિર (પાલડી), હરેકૃષ્ણ મંદિર (ભાડજ), વૈષ્ણોદેવી મંદિર, કોટેશ્વર મહાદેવ (મોટેરા), વિશ્વ ઉમિયાધામ (જાસપુર), કેમ્પ હનુમાન (નરોડા), સિદ્ધિ વિનાયક (મહેમદાવાદ), સોમનાથ મહાદેવ (ગ્યાસપુર), ઈસ્કોન મંદિર, ભીડભંજન હનુમાન (બાપુનગર) જેવા મંદિરોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો…ગરીબો માટે પરવડે તેવા ધાર્મિક પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે પીપીપી મોડેલનો પ્રસ્તાવ