અમદાવાદ

અમદાવાદમાં દોડશે 1600 બસો, AI સોફ્ટવેર અને ડબલ ડેકર બસોની ભેટ

અમદાવાદ: AMTS એ શહેરની રફ્તારને નવી ગતિ આપવા માટે નાણાકીય વર્ષનું સુધારેલું બજેટ રજૂ કર્યું છે. ટ્રાન્સપોર્ટ મેનેજર દ્વારા રજૂ કરાયેલા રૂ. 991 કરોડના બજેટમાં સત્તાધીશોએ રૂ. 20 કરોડના વધારાના સુધારા સૂચવીને કુલ રૂ. 1011 કરોડનું બજેટ મંજૂર કર્યું છે. આ બજેટ માત્ર આંકડાકીય નથી, પરંતુ તેમાં આધુનિક ટેકનોલોજી અને મુસાફરોની સુવિધાને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે.

આગામી સમયમાં અમદાવાદના રસ્તાઓ પર AMTSની કુલ 1600થી વધુ બસો દોડતી જોવા મળશે. બજેટની ખાસિયત એ છે કે, 15મા નાણાંપંચની ગ્રાન્ટમાંથી અંદાજે રૂ. 9 કરોડના ખર્ચે વધુ 4 નવી ઈલેક્ટ્રિક એસી ડબલ ડેકર બસો ખરીદવામાં આવશે. આ ઉપરાંત, શહેરના દરેક ઝોનમાં પર્યાવરણને અનુકૂળ એવા ‘ટ્રી બસ શેલ્ટર’ બનાવવાનું પણ નક્કી કરાયું છે, જે મુસાફરોને ગરમીથી રાહત આપશે.

ટેકનોલોજીના યુગમાં AMTS હવે હાઈટેક બનવા જઈ રહ્યું છે. મુસાફરોની માંગ અને બસના શિડ્યુલને સચોટ બનાવવા માટે રૂ. 3 કરોડના ખર્ચે AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) આધારિત ડાયનામિક શિડ્યુલિંગ સોફ્ટવેર વિકસાવવામાં આવશે. આટલું જ નહીં, પ્રદૂષણ સામે રક્ષણ આપવા માટે પ્રથમ તબક્કે 70 એસી બસોમાં ઇન-કેબિન એર પ્યોરિફિકેશન સિસ્ટમ બેસાડવામાં આવશે, જેથી મુસાફરો શુદ્ધ હવામાં મુસાફરી કરી શકશે.

બજેટમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર પણ ભાર મૂકવામાં આવ્યો છે. જમાલપુર ડેપો ખાતે આવેલું 50 વર્ષ જૂનું જર્જરિત સ્ટોર બિલ્ડિંગ તોડીને રૂ. 3 કરોડના ખર્ચે નવું આધુનિક બિલ્ડિંગ બનાવવામાં આવશે. સ્ટાફની કાર્યક્ષમતા વધારવા માટે રૂ. 20 લાખના ખર્ચે ખાસ ટ્રેનિંગ પ્રોગ્રામનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ ખર્ચ માટે ગ્રાન્ટની સાથે સાથે AMTSની આંતરિક બચતનો પણ ઉપયોગ કરવામાં આવશે.

1 એપ્રિલ 1947ના રોજ માત્ર 112 બસોથી શરૂ થયેલી AMTSની સફર આજે 505 ચોરસ કિમીના વિસ્તારમાં ફેલાઈ ચૂકી છે. આજે શહેરના મધ્ય ભાગો ઉપરાંત સાણંદ, કલોલ, બાવળા અને દહેગામ જેવા ગ્રામ્ય વિસ્તારો સુધી AMTSની સેવા પહોંચી છે. નવા બજેટના અમલીકરણ સાથે અમદાવાદની પબ્લિક ટ્રાન્સપોર્ટ સિસ્ટમ વધુ મજબૂત અને મુસાફરો માટે અનુકૂળ બનશે તેવી આશા છે.

આપણ વાંચો:  ગુજરાતના એકમાત્ર વાઘને શિકારમાં શું છે પસંદ? સ્કેટ એનાલિસિસમાં સામે આવી ચોંકાવનારી વિગત

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button