અમદાવાદને મળ્યું રાજ્યનું સૌથી મોટું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ: ગૃહ પ્રધાન અમિત શાહે કર્યું લોકાર્પણ

અમદાવાદઃ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અત્યારે ગુજરાતના પ્રવાસે આવેલા છે. આ દરમિયાન કેન્દ્રીય ગૃહ અને સહકારિતા પ્રધાન અમિત શાહે આજે નારણપુરામાં રૂપિયા 824 કરોડના ખર્ચે બનેલા ગુજરાતના સૌથી મોટા અને અત્યાધુનિક 1.18 લાખ ચોરસમીટરના વિસ્તારમાં ફેલાયેલા આંતરરાષ્ટ્રીય સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું ઉદ્ઘાટન કર્યું છે. આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું નામ વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ નારણપુરા રાખવામાં આવ્યું છે.
કાર્યક્રમ દરમિયાન અમિત શાહે કહ્યું કે, કોમનવેલ્થ 2030માં અમદાવાદમાં રમાશે અને ઓલિમ્પિકના પ્રયાસ ચાલી રહ્યા છે. અમિત શાહે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માનતા કહ્યું હતું કે, વર્ષ 1960થી ગ્રીન બેલ્ટ બનેલો હતો.
હું અહીંયા નારણપુરામાં રહ્યો છું. આ જગ્યાનો સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ તરીકે ઉદ્ધાર થયો નહીં. વર્ષ 2019 પછી હું વડા પ્રધાન નરેન્દ્ર મોદી પાસે ગયો અને કહ્યું મારા ઘરથી 400 મીટર દૂર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવું છે. બાદમાં મને વડા પ્રધાને સામેથી બોલાવીને કહ્યું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવો પરંતુ વર્લ્ડ ક્લાસ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવો’.
આપણ વાંચો: ‘મુખ્ય પ્રધાનોના પત્રનો હું તેમની જ ભાષામાં જવાબ આપીશ’: હિન્દી દિવસ પર અમિત શાહનું નિવેદન
દુનિયાનું આધુનિક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ છે
આંતરરાષ્ટ્રીય સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું ઉદ્ઘાટન કરતા કહ્યું કે, આ દુનિયાનું સૌથી આધુનિક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ છે. અહીં બે વર્લ્ડ ક્લાસ પ્રતિયોગિતા યોજાઈ હતી તેના પ્રતિનિધિ મંડળે કહ્યું હતું કે આ સૌથી આધુનિક સ્પોર્ટ્સ કોમ્પલેક્સ છે. મહત્વની વાત એ છે કે, આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં રમતોને સ્લો મોશનમાં જોઈ શકાય તે માટે થિયેટર પણ બનાવવામાં આવ્યું છે. ભારત અને રાજ્ય સરકાર દ્વારા આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવામાં આવ્યું છે. અહીં ફિટ ઇન ઈન્ડિયા ઝોન પણ છે.
કોમનવેલ્થ 2030માં અમદાવાદમાં રમાશે
મોદી સરકારે રમતગમત પાછળ ફાળવેલા બજેટ અંગે માહિતી આપતા અમિત શાહે જણાવ્યું હતું કે વર્ષ 2014માં રમતગમત પાછળ માત્ર 1643 કરોડ ફાળવાયા હતા, તે બજેટ મોદી સરકારે કરીને 5300 કરોડનું કર્યું છે.
મોદી સરકાર રમતગમતને આગળ લઈ જવા કરોડો રૂપિયા ફાળવ્યાં છે. મોદી વડા પ્રધાન બન્યા પછી દેશને 15 મેડલ મળ્યા છે. પોલીસ અને ફાયર ગેમ્સ 2029માં ભારતમાં થવાની છે. કોમનવેલ્થ 2030માં અમદાવાદમાં રમાશે’. વધુમાં અમિત શાહે કહ્યું કે, 2036માં ઓલિમ્પિક માટે ભારત પ્રયાસ કરી રહ્યું છે. હું આ સ્પોર્ટ્સ કોમ્પલેક્સ માટે ગુજરાત વતી ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું’.
આપણ વાંચો: બિહાર વિધાનસભા ચૂંટણી અંગે દિલ્હીમાં ચર્ચાનો દોર શરૂ! અમિત શાહના નિવાસસ્થાને યોજાઈ બેઠક
6 ભાગમાં વહેંચાયેલું છે આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ
નારણપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની વાત કરવામાં આવે તો, આ કોમ્પ્લેક્સ 6 ભાગમાં વહેંચાયેલું છે. આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં એક્વેટિક સ્ટેડિયમ, સેન્ટર ફોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, ઈન્ડોર સ્પોર્ટ્સ એરેના અને કોમ્યુનિટી સ્પોર્ટ્સ સેન્ટર નામના અલગ અલગ 4 બ્લોક બનાવાયા છે.
આંતરરાષ્ટ્રીય કક્ષાનો ડાઈવિંગ પૂલ, સ્વિમિંગ પૂલ, બાસ્કેટબોલ, વોલીબોલ કોર્ટ, બેડમિન્ટન કોર્ટ, રેસલિંગ કોર્ટ, ટેનીસ, ટેબલ ટેનિસ, ઝુડો-કરાટે, કબડ્ડી, કેરમ, ચેસ, સ્નૂકર સહિતની વિવિધ પ્રકારની આંતરરાષ્ટ્રીય રમતો રમી શકાય એવી તમામ વ્યવસ્થાઓ આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં કરવામાં આવી છે.