
અમદાવાદ: ગુજરાતનો લોકપ્રિય તહેવાર ઉત્તરાયણ આજે રાજ્યભરમાં અનેરા ઉત્સાહ સાથે ઉજવવામાં આવી રહ્યો છે. સવારથી જ આકાશ રંગબેરંગી પતંગોથી છવાઈ ગયું છે અને ‘કાપો છે’ના અવાજ ગલીઓ ગુંજી રહ્યા છે. સામાન્ય નાગરિકોની સાથે રાજ્યના મુખ્યમંત્રી અને કેન્દ્રીય મંત્રીઓએ પણ પોતપોતાના મતવિસ્તારમાં જઈને જનતા સાથે આ પર્વની મજા માણી હતી. પરંપરાગત રીતે ઉજવાતા આ તહેવારમાં ભક્તિ, દાન અને આનંદનો ત્રિવેણી સંગમ જોવા મળી રહ્યો છે.
અમિત શાહનું પૂજન અને પરિવાર સાથે પતંગબાજી
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે સવારે અમદાવાદમાં પરિવાર સાથે ઉત્તરાયણની ઉજવણી કરી હતી. તેમણે વહેલી સવારે સુપ્રસિદ્ધ જગન્નાથ મંદિરે જઈને પૂજા-અર્ચના કરી હતી અને મંદિર પરિસરમાં ગૌમાતાનું પૂજન કરી ઘાસચારો ખવડાવ્યો હતો. ત્યારબાદ નારણપુરા વિસ્તારમાં પોતાના પરિવારના સભ્યો, પત્ની સોનલબેન અને પુત્ર જય શાહ સાથે ધાબા પર પતંગ ચગાવી હતી. પતંગબાજી બાદ તેમણે ગુજરાતી પરંપરા મુજબ બોર અને જામફળની જયાફત માણી ઉત્તરાયણનો અસલી આનંદ લીધો હતો.
અમદાવાદની પોળોમાં મુખ્યમંત્રીએ કરી પતંગબાજી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ અમદાવાદના દરિયાપુર વિસ્તારની પોળોમાં જઈને પતંગ ચગાવી હતી. તેમની સાથે સાંસદ દિનેશ મકવાણા અને ધારાસભ્ય કૌશિક જૈન પણ જોડાયા હતા. જ્યારે મુખ્યમંત્રીએ પતંગની ડોર ખેંચી પેચ લડાવ્યા ત્યારે લોકોએ ભારે ચિચિયારીઓ પાડી તેમને પ્રોત્સાહિત કર્યા હતા. મુખ્યમંત્રીએ આ તકે રાજ્યના તમામ નાગરિકોને મકરસંક્રાંતિની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી. બીજી તરફ સુરતમાં પણ પૂર્વ કેન્દ્રીય મંત્રી દર્શના જરદોશ અને ધારાસભ્ય ઝંખના પટેલે સાથે મળીને પતંગ ઉડાવી તહેવારની ઉજવણી કરી હતી.
પોળોમાં બદલાતો માહોલ અને પરંપરાગત વાનગીઓ
જો કે, અમદાવાદની હેરિટેજ પોળોમાં આ વર્ષે માહોલ થોડો મિશ્ર જોવા મળી રહ્યો છે. સવારના સમયે પતંગબાજીની ગતિ ધીમી હતી, પરંતુ ડીજેના તાલે યુવાધન ઝૂમી રહ્યું છે. ઉત્તરાયણ એટલે માત્ર પતંગ જ નહીં, પણ તલ-સાંકળી, મમરાના લાડુ અને શેરડીનો સ્વાદ પણ ખરો. ગુજરાતમાં આ દિવસે ‘ઊંધિયું-જલેબી’ ખાવાનો અનોખો ક્રેઝ હોય છે, ઊંધિયું જલેબીની દુકાનો પર વહેલી સવારથી જ લાંબી કતારો જોવા મળી હતી. આ વર્ષે લોકોમાં પતંગ સાથે પર્યાવરણ અને પક્ષીઓની સુરક્ષા પ્રત્યે પણ જાગૃતિ જોવા મળી રહી છે.
આ પણ વાંચો…કેરળમાં વિધાનસભાની ચૂંટણીઓ પૂર્વે રાજકારણ ગરમાયુ, અમિત શાહે વિજયન સરકાર પ્રહાર કર્યા



