અમદાવાદ

અમદાવાદમાં મેકડોનાલ્ડ, KFC કેમ કરાયા સીલ?

અમદાવાદ: સ્વચ્છ સર્વેક્ષણ 2024-25માં 10 લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોની કેટેગરીમાં અમદાવાદને દેશના સૌથી સ્વચ્છ શહેર તરીકેનો એવોર્ડ મળ્યો છે. પોતાની આ ઉપલબ્ધિને કાયમ રાખવા જાળવી રાખવા માટે અમદાવાદ મહાનગરપાલિકા સતત પ્રયત્ન કરી રહી છે. શહેરને સ્વચ્છ રાખવાના અભિયાનમાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ ગંદકી ફેલાવતા એકમો સામે લાલ આંખ કરીને કાર્યવાહી કરતો આવ્યો છે. તાજેતરમાં શહેરના વિવિધ વિવિધ ઝોનમાં ગંદકી ફેલાવતા કુલ 12 કોમર્શિયલ એકમોને સીલ મારવામાં આવ્યા છે.

મેકડોનાલ્ડ, KFC થયું સીલ

અમદાવાદ મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા પશ્ચિમ ઝોનની સોલિડ વેસ્ટ ટીમે સાબરમતી વોર્ડના મોટેરા વિસ્તારમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં જાહેર રસ્તા પર કચરો ફેંકી ગંદકી ફેલાવતા 6 એકમોને સીલ કરીને રૂ. 2.53 લાખનો વહીવટી ચાર્જ વસૂલાયો હતો. ખાસ વાત એ છે કે, સીલ કરાયેલા આ 6 એકમોમાં મેકડોનાલ્ડ અને KFCનો સમાવેશ પણ થાય છે.

નિયમો દરેક માટે સમાન

મેકડોનાલ્ડ અને KFC ઉપરાંત મોટેરામાં ફેશન ફેક્ટરી, વેક ફિટ, બીબા ફેશન, એડ્રાઇન ટોનીને પણ સીલ કરવામાં આવ્યા છે. આ સિવાય ઉત્તર-પશ્ચિમ ઝોનમાં 120 એકમોની તપાસ કરવામાં આવી હતી, જે પૈકી કુલ 106 એકમોને નોટિસ આપવામાં આવી છે. કાર્યવાહીના અંતે થલતેઝ વોર્ડમાં ક્રિષ્ના પાન પાર્લર તથા બોડકદેવ વોર્ડમાં પ્રકાશ પાન પાર્લરને પણ સીલ કરવામાં આવ્યા છે. બંને એકમો પાસેથી કુલ રૂ. 51,000નો દંડ વસૂલવામાં આવ્યો છે. ઉત્તર ઝોનમાં પણ 264 એકમોને નોટિસ આપવામાં આવી છે, જ્યારે 4 એકમોને સીલ કરીને રૂ. 82,000નો દંડ વસૂલવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા 234 એકમોના ચેકિંગ દરમિયાન 144 એકમોને નોટિસ ફટકારી રૂ. 2.75 લાખનો દંડ વસૂલવામાં આવ્યો છે. મ્યુનિસિપલ આવાસ યોજનાનું કામ કરતી એજન્સીને પણ ગંદકી કરવા બદલ રૂ. 2 લાખનો દંડ ફટકારીને તંત્રએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે નિયમો દરેક માટે સમાન છે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button