AMCના સ્મશાનગૃહમાં અંતિમ વિધિ હવે ટાયરોના સહારે? ભ્રષ્ટાચારે માઝા મૂકી

અમદાવાદઃ અમદાવાદમાં ભ્રષ્ટાચાર હવે હદ પાર કરી રહ્યો છે. રોડ અને રસ્તામાં ભ્રષ્ટાચાર જોવા મળે છે, પરંતુ હવે સ્મશાન ગૃહમાં પણ ભ્રષ્ટાચાર થયો હોવાના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયાં છે. કોઇ પણ માણસનું જીવન જેટલા પણ દુઃખ, સંઘર્ષ કે ખરાબ પરિસ્થિતિ ભરેલુ રહ્યુ હોય, પણ તેના મોત પછી તેની અંતિમ વિધિ જો સારી રીતે થાય તો તેની આત્માને મુક્તિ મળી શકે તેવુ કહેવામાં આવે છે. પરંતુ અમદાવાદમાં AMCના સ્મશાન ગૃહમાં અંતિમ વિધિ દરમિયાન એક પરિવારને કડવો અનુભવ થયો હતો. જાણો શું છે સમગ્ર મામલો…
વિપક્ષ દ્વારા AMC ઓફીસ ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું
વિગતે વાત કરવામાં આવે તો, અમદાવાદના ઓઢવામાં આવેલા સ્મશાન ગૃહમાં એક પરિવાર પોતાના સ્વજનની અંતિમ વિધિ પણ શાંતિપૂર્વક ન કરી શક્યો. કઠણાઈ એવી કે પરિવારને મૃતકના પાર્થિવ દેહના અંતિમ સંસ્કાર કરવા માટે ટાયરો અને ગોદડાનો સહારો લેવો પડ્યો હતો. આ મામલે વિપક્ષ દ્વારા અમદાવાદમાં AMC ઓફીસ ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. એટલું જ નહીં પરંતુ આ મામલે પ્રતિભા જૈનને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું હતું.
આ પણ વાંચો : AMCના આઇકોનિક રોડ્સ પ્રોજેક્ટને ગ્રહણ: ₹405 કરોડના કામમાંથી એક વર્ષમાં માત્ર 15 ટકા જ થયું કામ
આ મામલે મુંબઈ સમાચારનો ખાસ અહેવાલ
AMCના સ્મશાન ગૃહ તરફથી અંતિમ વિધિ માટે ભીના લાકડા આપવામાં આવ્યા હતાં. જેથી અંતિમ સંસ્કાર કરવામાં મુશ્કેલી ઊભી થઈ રહી હતી. જેથી મૃતકના સ્વજનોએ સ્મશાન ગૃહમાં હાજર વ્યક્તિ પાસે સૂકા લાકડા માંગ્યા હતા. પરંતુ સૂકા લાકડા આપવામાં ન આવતા આખરે મૃતકના સ્વજનોએ ટાયરો અને ગોદડા નાખી અંતિમવિધિ કરવી પડી હતી. કરોડોનો ખર્ચ કરવા છતાં આ પ્રકારની સ્થિતિ ઊભી થતા અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. આ મામલે AMC ઓફીસ ખાતે કોંગ્રેસ દ્વારા ભાજપ વિરોધી નારા લગાવીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ત્યારે આ મામલે વિપક્ષ નેતા શહેઝાદ ખાન પઠાણે સત્તાપક્ષ પર ધારદાર વાક્ પ્રહારો પણ કર્યાં હતાં.
આ પણ વાંચો : ગુજરાતમાં દેવદિવાળીના દિવસે જામશે મેળાનો માહોલઃ ચાર જગ્યાએ ભરાતા ભાતીગળ મેળાની જાણો ખાસિયતો
ઓઢવ વિસ્તારના સ્મશાન ગૃહમાં મોતનો ભ્રષ્ટાચાર!
વિપક્ષ નેતા શહેઝાદ ખાને કહ્યું કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ગુજરાતની સૌથી મોટી મહાનગરપાલિકા છે. જેનું વાર્ષિક બજેટ 15 હજાર કરોડ કરતા પણ વધુનું હોય છે. ત્યાં એક શર્મનાક ઘટના સામે આવી છે. એક તરફ સડક, ગટર અને બ્રિજના મામલે AMCમાં ભાજપના રાજમાં અધિકારીઓ ભ્રષ્ટાચાર તો કરે જ છે. પરંતુ તેના કરતાં પણ વધુ શર્મનાક કે ઘટના ઓઢવમાંથી સામે આવી છે. ઓઢવ વિસ્તારના સ્મશાન ગૃહમાં એક પરિવાર મૃતકની અંતિમવિધિ માટે જાય છે. જ્યાં અંતિમવિધિ માટે સ્મશાન ગૃહમાં લાકડા પણ હોતા નથી. ચાર કલાક રાહ જોયા બાદ પરિવારે અંતિમવિધિ કરવા માટે ટાયરનો ઉપયોગ કરવો પડ્યો હતો.



