AMCમાં હવે એક જ કમિટી આપશે અનેક કામોને મંજૂરી: સ્ટેન્ડિંગનો નિર્ણય

અમદાવાદ: તમામ સરકારી કામગીરીઓમાં હવે ઈ-ગવર્નન્સનો અમલ થઈ રહ્યો છે. નાગરિકોને અપાતી સેવાઓનું ડિજિટલાઈઝેશન થઈ રહ્યું છે. ત્યારે અમદાવાદ મહાનગરપાલિકાએ ઈ-ગવર્નન્સના અમલને અસરકારક બનાવવા અને નાગરિકોને આપવામાં આવતી સેવાઓનું સંપૂર્ણ ડિજિટલાઈઝેશન કરવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. તાજેતરમાં મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં એક નવી કમિટીની રચનાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
સ્ટેન્ડિંગમાં બે કમિટીને મર્જ કરવાનો નિર્ણય
AMCની રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીમાં મંજૂર થતા લાઈટ ખાતાના તમામ કામો માટે જુદી જુદી મંજૂરી લેવી પડે છે. જેના કારણે ઘણી મુશ્કેલી ઊભી થાય છે. આ મુશ્કેલીઓને તાજેતરમાં મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં રજૂ કરવામાં આવી હતી. તાજેતરમાં યોજાયેલી સ્ટેન્ડિંગ કમિટિની બેઠકમાં આઈટી ગેજેટ્સ, ટેક્નોલોજીકલ સાધનો, ઇલેક્ટ્રિકલ તથા અન્ય મટિરિયલ્સની ખરીદી માટેની પ્રક્રિયામાં સરળતા લાવવા મટિરિયલ્સ કમિટી અને ઈ-ગવર્નન્સ કમિટીને મર્જ કરવાનો નિર્ણય લેવાયો છે. આ નિર્ણયના પગલે ‘ઈ-ગવર્નન્સ, ઇલેક્ટ્રિકલ એન્ડ મટિરિયલ પ્રોક્યોરમેન્ટ કમિટી’ની રચના કરવામાં આવશે.
નવી ટર્મમાં થશે નવી કમિટીનો અમલ
સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ મીડિયાને જણાવ્યું હતું કે, “અત્યાર સુધી વિવિધ સાધનો, મશીનરી, ઇલેક્ટ્રિકલ તથા ટેક્નોલોજી સંબંધિત ખરીદી અલગ-અલગ કમિટીઓમાં મંજૂર થતી હતી. જેથી ટેકનિકલ તથા પ્રશાસકીય મુશ્કેલીઓ ઊભી થતી હતી.
હવે સેન્ટ્રલ સ્ટોર મારફતે થતી તમામ ખરીદી, ઈ-ગવર્નન્સ વિભાગ તથા ઇન્ફોર્મેશન ટેક્નોલોજી (IT) સંબંધિત કામો, સ્ટ્રીટ લાઈટ, રિન્યુએબલ એનર્જી તથા વીજળી શક્તિ સંબંધિત તમામ કામો નવી કમિટીમાં મંજૂર થયા બાદ જ સ્ટેન્ડિંગ કમિટીમાં મોકલવામાં આવશે. ટેક્નોલોજી અને ઇલેક્ટ્રિકલ વિભાગ અલગ થતા હવે રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીમાં ઇલેક્ટ્રિકલ કામો મંજૂર થશે નહીં.”
ઉલ્લેખનીય છે કે, સ્ટેન્ડિંગ કમિટીમાં નવી કમિટિની દરખાસ્તને મંજૂર કરવામાં આવી છે. આ દરખાસ્તને જનરલ બોર્ડ (હાઉસ બોર્ડ)ની મંજૂરી મળ્યા બાદ રાજ્ય સરકાર પાસે મંજરી મેળવવા મોકલવામાં આવશે. રાજ્ય સરકારની મંજૂરી બાદ નવી ટર્મમાં આ કમિટી અમલી બનશે.



