અમદાવાદ

અમદાવાદ AMCની ફૂડ વિભાગની મોટી કાર્યવાહી: ૩૦૦૦ કિલો સડેલા કાજુ જપ્ત, અનેક એકમો સીલ

અમદાવાદ: શહેરના નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા ખાદ્ય પદાર્થોના વેપારીઓ સામે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) લાલ આંખ કરી છે. ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં હાથ ધરવામાં આવેલી આ વિશેષ ઝુંબેશમાં શહેરના વિવિધ વિસ્તારોમાં ઘણા એકમોનું ચેકિંગ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન કઠવાડા GIDC માંથી ભારે માત્રામાં અખાદ્ય કાજુનો જથ્થો મળી આવતા તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. મ્યુનિસિપલ કમિશનરની સૂચના મુજબ ફૂડ વિભાગે ઠેર-ઠેર દરોડા પાડીને નમૂનાઓ એકત્રિત કર્યા છે.

આ દરોડા દરમિયાન સૌથી મોટી કાર્યવાહી કઠવાડા GIDC માં આવેલી ‘અભિનંદન ટ્રેડિંગ’ પર કરવામાં આવી હતી. અહીં બીજા રાજ્યોમાંથી આવતા હલકી ગુણવત્તાના કાજુને પ્રોસેસ કરીને બજારમાં વેચવાનું કૌભાંડ ચાલી રહ્યું હતું. તપાસ દરમિયાન આશ્ચર્યજનક રીતે ૩૦૦૦ કિલો (૩ ટન) કાજુના ટુકડા અને પાવડરમાં મોટી સંખ્યામાં જીવાતો જોવા મળી હતી. આ એકમ લાયસન્સ વગર ધમધમતું હોવાથી તંત્રએ તેને તાત્કાલિક અસરથી સીલ કરી દીધું છે અને માલિક ચિરાગભાઈ ઠક્કર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

માત્ર કાજુ જ નહીં, પરંતુ શહેરના વિવિધ વિસ્તારોમાંથી લેવામાં આવેલા અન્ય ખાદ્ય પદાર્થોના નમૂના પણ લેબોરેટરી ટેસ્ટમાં સબ-સ્ટાન્ડર્ડ જાહેર થયા છે. વેજલપુરના કચ્છી ઘાણી તેલ, થલતેજના પેકેજ્ડ ડ્રિંકિંગ વોટર (Oxyka), વસ્ત્રાપુરના પાણીપુરીના પાણી અને ચાંદખેડાના ખમણના નમૂનાઓ ગુણવત્તાના માપદંડમાં નિષ્ફળ રહ્યા છે. સુરક્ષાના ભંગ બદલ ‘ઓક્સિકા’ પાણી બનાવતી એસ.એસ. બેવરેજીસને 50,000 રૂપિયાનો વહીવટી દંડ ફટકારવામાં આવ્યો છે, જે અન્ય વેપારીઓ માટે લાલબત્તી સમાન છે.

દૂધની બનાવટોમાં પણ મોટાપાયે ભેળસેળ સામે આવી છે. બાપુનગરના ‘લક્ષ્મીબાનું રસોડું’ માંથી લેવામાં આવેલા પનીરનો નમૂનો ગાઝિયાબાદની લેબોરેટરીમાં ‘અસુરક્ષિત’ જાહેર થયો છે. આંકડાકીય માહિતી મુજબ, 6 દિવસમાં ફૂડ વિભાગે 332 એકમોની તપાસ કરી, 165 નમૂના લીધા અને 130 એકમોને નોટિસ ફટકારી છે. આ દરમિયાન 255 કિલો/લિટર અખાદ્ય ખોરાકનો નાશ કરવામાં આવ્યો છે અને કુલ 2.52 લાખ રૂપિયાનો વહીવટી ચાર્જ વસૂલવામાં આવ્યો છે. આગામી દિવસોમાં પણ હોટલો અને સ્વીટ માર્ટ્સમાં આ તપાસ ચાલુ રહેશે.

આપણ વાંચો:  AMCનો રૂ.68 કરોડનો સોદો ‘અશાંત ધારા’માં અટવાયો! સરકારી હરાજી છતાં કલેક્ટરની મંજૂરી ફરજિયાત!

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button