AMC U-turn: અમદાવાદના 16 જૂના બ્રિજ પર હાલ હાઈટ બેરિયર નહીં લાગે, કોર્પોરેશને નિર્ણય પાછો ખેંચ્યો…

અમદાવાદઃ શહેરમાં કુલ 16 જૂના બ્રિજ હતા જેને લઈને AMC અગાઉ મહત્વની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં AMC દ્વારા એવી જાહેરાત કરવામાં આવી હતી કે આ તમામ બ્રિજ પર ભારે વાહનો માટે પ્રતિબંધ મૂકવામાં આવશે. આ ઉપરાંત બ્રિજ પર હાઈટ બેરિયરનો પણ નિર્ણય કરવામાં આવ્યો હતો. જોકે હવે AMC દ્વારા એવી જાહેરાત કરવામાં આવી છે કે કોઈપણ બ્રિજ પર હાલ હાઈટ બેરિયર લગાવવામાં નહીં આવે.
ઉલ્લેખનીય છે કે બ્રિજને ઓવરલોડેડ અને ભારે વાહનોથી થતા નુકસાનથી બચાવવા અને શહેરમાં ભારે વાહનોના અનિયંત્રિત પ્રવેશને અટકાવવા માટે મહાત્મા ગાંધી બ્રિજ સહિત કુલ 16 બ્રિજ પર હાઈટ બેરિયર્સ લગાવવાનો નિર્ણય લેવાયો હતો.
જો કે હવે તમામ 16 બ્રિજ પર ભારે વાહનો પર પ્રતિબંધનો નિર્ણય મોકુફ રાખવામાં આવ્યો છે. એક્સપર્ટ દ્વારા આ મામલે પહેલા ઓપિનિયન લેવામાં આવશે અને બાદમાં આ મુદ્દે મહત્વનો નિર્ણય લેવામાં આવશે. મનપા દ્વારા હાઈટ બેરિયર લગાવવાના આ નિર્ણયને મોકૂફ રાખવામાં આવ્યો છે.
અગાઉ મનપા દ્વારા પહેલા જાહેરાત કરવામાં આવી હતી કે આ 16 ઓવરબ્રિજ પર ભારે વાહનો પર પ્રતિબંધ મૂકવામાં આવશે. 26 વર્ષ કે તેનાથી જૂના જે પણ બ્રિજ છે ત્યાં હાઈટ બેરિયર મૂકવામાં આવશે. જેના માટે મનપા દ્વારા ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવશે અને 3 કરોડનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું.
અમદાવાદ મનપા દ્વારા શહેરનો નહેરુ બ્રિજ, પરીક્ષિત બ્રિજ, બાબા સાહેબ આંબેડકર બ્રિજ અને કેડિલા બ્રિજ સહિતના કુલ 16 બ્રિજ પર હાઈટ બેરિયર લગાવવાની વાત કરવામાં આવી હતી. જોકે હવે હાલ પૂરતો એએમસી દ્વારા આ નિર્ણય મોકૂફ રાખવામાં આવ્યો છે. જેમાં હવે એક્સપર્ટના ઓપિનિયન બાદ યોગ્ય નિર્ણય લેવામાં આવશે.



