શક્તિપીઠ અંબાજીમાં મકરસંક્રાંતિની ભવ્ય ઉજવણી: પતંગોથી ઝળહળી ઉઠ્યું માતાજીનું ધામ

અંબાજી: ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ અંબાજીમાં આજે મકરસંક્રાંતિના પર્વ નિમિત્તે ભક્તિ અને ઉત્સાહનો ત્રિવેણી સંગમ જોવા મળ્યો હતો. મા અંબાના દર્શનાર્થે વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓનું કીડીયારું ઉભરાયું હતું. ઉત્તરાયણ નિમિત્તે મંદિરના ગર્ભગૃહથી લઈને પરિસર સુધી કરવામાં આવેલી વિશેષ સજાવટ ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બની હતી. શ્રદ્ધાળુઓએ માતાજીના ચરણોમાં શીશ ઝુકાવી મકરસંક્રાંતિના પવિત્ર દિવસે ધન્યતા અનુભવી હતી.
મકરસંક્રાંતિના પર્વને અનુરૂપ આજે અંબાજી મંદિરને રંગબેરંગી પતંગોથી સજાવવામાં આવ્યું હતું. આકાશમાં જે રીતે પતંગોની રંગત જામે છે, તેવી જ રીતે મંદિરના પરિસરમાં પણ ચારેતરફ પતંગોના શણગાર જોવા મળ્યા હતા. શ્રદ્ધાળુઓ દ્વારા અર્પણ કરવામાં આવેલી આ પતંગોથી માતાજીના ધામને એ રીતે શણગારાયું હતું કે આવનાર દરેક ભક્ત મંત્રમુગ્ધ થઈ ગયા હતા. પતંગોના આ અનોખા શણગારે પરંપરાગત વાતાવરણમાં એક નવો જ પ્રાણ ફૂંક્યો હતો.
સામાન્ય દિવસોની સરખામણીએ આજે ઉત્તરાયણ હોવાથી મંદિરમાં ભક્તોની સંખ્યામાં મોટો વધારો જોવા મળ્યો હતો. બનાસકાંઠા સહિત સમગ્ર ગુજરાતમાંથી શ્રદ્ધાળુઓ પોતાના પરિવાર અને મિત્રો સાથે મા અંબાના આશીર્વાદ લેવા પહોંચ્યા હતા. ભક્તોને દર્શન કરવામાં કોઈ તકલીફ ન પડે તે માટે મંદિર ટ્રસ્ટ દ્વારા વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી હતી. તમામ શ્રદ્ધાળુઓએ શિસ્તબદ્ધ રીતે લાઈનમાં ઉભા રહીને શાંતિપૂર્ણ માહોલમાં માતાજીના દર્શનનો લાભ લીધો હતો.
અંબાજી મંદિરમાં તહેવારો મુજબ શણગાર કરવાની પરંપરા વર્ષો જૂની છે, પરંતુ પતંગો દ્વારા કરવામાં આવેલી આ સજાવટ ભક્તોમાં વિશેષ ઉત્સાહ જગાડનારી સાબિત થઈ હતી. મંદિરમાં આવતા પ્રવાસીઓ આ નયનરમ્ય દ્રશ્યોને પોતાના કેમેરામાં કેદ કરતા જોવા મળ્યા હતા. ઉત્તરાયણનો આ પર્વ અંબાજીમાં માત્ર પતંગબાજીનો નહીં, પણ શ્રદ્ધા અને ભક્તિના પર્વ તરીકે મનાવવામાં આવ્યો હતો, જેની યાદો લઈને ભક્તો પરત ફર્યા હતા.



