અમદાવાદ

અમદાવાદની હાલત પણ દિલ્હી જેવી થશે? રૂપિયા 957 કરોડનો ખર્ચ્યાં છતાં ગુજરાતમાં હવા શુદ્ધ ના થઈ…

અમદાવાદઃ અમદાવાદ સહિત રાજ્યના મોટા શહેરોમાં દિવસે દિવસે વાયુ પ્રદૂષણ વધી રહ્યું છે. જેના કારણે અસ્થમા સહિત અન્ય રોગોના દર્દીઓમાં વધારો થઈ રહ્યો છે. રૂપિયા 900 કરોડથી વધુનો ખર્ચ કરવામાં આવ્યો તેમ છતાં પણ ગુજરાતમાં હવા શુદ્ધ થઈ શકી નથી. નિષ્ણાતો માની રહ્યાં છે કે, આવી જ સ્થિતિ રહી તો ગુજરાતમાં પણ દિલ્હીવાળી થઈ શકે છે.

અમદાવાદ જેવી મેટ્રો સિટીમાં હવા વધુને વધુ ઝેરી બની રહી છે. પીએમ 2.5 એટલે હવામાં ઉડતા અત્યંત બારીક રજકણો જે શ્વાસ લેતાં જ ફેફસામાં પહોંચી જાય છે. આ ઝેરી રજકણો ટીબી, શ્વસન સહિત હૃદયરોગના દર્દીઓ માટે જોખમી સાબિત થઈ શકે છે.

ઝેરી રજકણો ટીબી, શ્વસન સહિત હૃદયરોગનું જોખમ વધ્યું

અમદાવાદમાં છેલ્લાં કેટલાય દિવસોથી એર ક્વોલિટી ઇન્ડેક્સ 100ના આંકડાને વટાવી રહ્યો છે. પરિણામે હવાની ગુણવત્તા એકદમ નિમ્ન સ્તરે પહોંચી જાય છે. તબીબોની સલાહ છેકે, આવી સ્થિતિમાં લોકોએ ઘરની બહાર ન નીકળવું એ જ હિતાવહ છે. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ હવાની ગુણવત્તા પર પણ નજર રાખે છે.

થોડાક વખત અગાઉ અમદાવાદ શહેરમાં હવાની ગુણવતા જાણી શકાય તે માટે સ્ક્રીન બોર્ડ લગાવાયા હતા પણ હવે તે પણ દેખાતા નથી. શિયાળાની ધીમા પગલે એન્ટ્રી થઈ છે ત્યારે વહેલી સવારે તો એટલુ ધુમ્મસ હોય કે, વાહન ચલાવવું જ નહીં, મોર્નિંગ વોક કરવું મુશ્કેલ થઈ જાય છે.

શા માટે અમદાવાદમાં હવાની ગુણવત્તા બગડી?

ઉદ્યોગો-કારખાના, વાહનોના ઘુમાડાને લીધે હવાની ગુણવત્તા બગડી રહી છે. કેન્દ્ર સરકારે વાયુ પ્રદૂષણ અટકાવવા માટે વર્ષ 2019-20થી માંડીને વર્ષ 2025-26 સુધીમાં કુલ મળીને રૂપિયા 1282 કરોડ ફાળવ્યા હતા. ગુજરાત સરકારે વાયુ પ્રદૂષણને નાથવા માટે અત્યાર સુધી રૂપિયા 957 કરોડનો ખર્ચ કર્યો છે, તેમ છતાં હવા શુદ્ધ થઈ નથી.

સ્થિતિ વધારે ખરાબ થઈ રહી હોવા છતાં પણ વાયુ પ્રદૂષણ માટે સરકારે ઝાઝું ધ્યાન આપ્યું નહીં તેવા આક્ષેપો છે. સામે સરકારે દાવો કર્યો છે કે, નેશનલ ક્લિન એર પ્રોગ્રામ હેઠળ અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ જેવા શહેરોની હવાની ગુણવત્તા સુધરી રહી છે.

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button