અમદાવાદ

અમદાવાદની હવામાં પ્રદૂષણ યથાવત્, જાણો તમારા વિસ્તારનો AQI કેટલો છે

અમદાવાદ: શિયાળાની શરૂઆત સાથે દેશના વિવિધ રાજ્યમાં હવાની ગુણવત્તા સતત ચિંતાજનક સ્તરે કથળી રહી છે. ત્યારે ગુજરાતના અમદાવાદ શહેરમાં મોટાભાગના વિસ્તારોમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) ‘ખરાબ’ (Poor) થી લઈને ‘બિનઆરોગ્યપ્રદ’ (Unhealthy) ની કેટેગરીમાં પહોંચી ગયો છે, જે શિયાળાની શરૂઆત સાથે સ્વાસ્થ્ય માટે ગંભીર પડકારો ઊભા કરી રહ્યો છે. કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (CPCB)ના તાજેતરના આંકડાઓ મુજબ, 3 ડિસેમ્બર એટલે કે આજે શહેરનો AQI સરેરાશ 180થી 211 ની આસપાસ નોંધાયો છે, જે ‘ખરાબ’ અને ‘બિનઆરોગ્યપ્રદ’ સ્તરની વચ્ચે છે.

તાજેતરના આંકડા દર્શાવે છે કે શહેરના અમુક વિસ્તારોમાં પ્રદૂષણનો આંકડો ઘણો ઊંચો ગયો છે. સોલા વિસ્તારમાં AQI 203 આસપાસ પહોંચી ગયો, જે અત્યંત ચિંતાનો વિષય છે અને ‘બિનઆરોગ્યપ્રદ’ કેટેગરીમાં ગણાય છે. આ સિવાય અન્ય વિસ્તારોમાં પણ હવાની ગુણવત્તા નબળી નોંધાઈ રહી છે. જેમાં બોડકદેવ, ગ્યાસપુર વિસ્તારમાં 191 AQI નોંધાયો. જ્યારે વટવા અને સાયન્સ સિટી વિસ્તારમાં 188 અને 184 AQI નોંધાયો, જે પુઅર કેટગરી આવે છે. આ ઉપરાંત બોપરમાં 183; વસ્ત્રાપુર, ઘુમા, સેટેલાઇટમાં 178 અને ઇસ્કોનમાં 174 AQI નોંધાયો હતો.

આ ખરાબ હવામાન બાળકો, વૃદ્ધો, શ્વાસની બીમારીવાળા માટે જોખમી સાબિત થઈ શકે છે, અને સામાન્ય નાગરિકોને પણ લાંબા સમય સુધી બહાર રહેવાથી ગળામાં બળતરા અથવા શ્વાસ લેવામાં તકલીફ પડવાની સમસ્યા ઊભી કરી શકે છે.

પ્રદૂષણના આ ગંભીર વધારા વચ્ચે એક વધુ ચિંતાજનક બાબત સામે આવી છે. શહેરીજનોને હવાના સ્તર વિશે તાત્કાલિક જાણકારી આપવા માટે કરોડોના ખર્ચે લગાવવામાં આવેલા મહત્વપૂર્ણ પ્રદૂષણ દર્શાવતા ડિસ્પ્લે બોર્ડ (AQI Display Boards) મોટાભાગના વિસ્તારોમાં બંધ હાલતમાં જોવા મળ્યા છે. આ બોર્ડ માત્ર શોભાના ગાંઠિયા સમાન બની ગયા છે. પ્રદૂષણ નિયંત્રણ માટે કરોડોનો ખર્ચ કરતી સરકારી સંસ્થાઓની આ બેદરકારી સામે ગંભીર સવાલો ઉભા થઈ રહ્યા છે કે, જ્યારે લોકોને સૌથી વધુ માહિતીની જરૂર છે, ત્યારે માહિતી આપતું તંત્ર જ કેમ નિષ્ક્રિય છે?

નિષ્ણાતોના મતે, પ્રદૂષણના આ ઊંચા સ્તરો ઔદ્યોગિક પ્રદૂષણ, વાહનોનો ધુમાડો, બાંધકામ પ્રવૃત્તિઓ અને ઠંડીની અસરનું પરિણામ છે. આ સ્થિતિને જોતા, અમદાવાદના નાગરિકોને અપીલ કરવામાં આવે છે કે તેઓ બિનજરૂરી બહારની પ્રવૃત્તિઓ ટાળે, ખાસ કરીને સવારના સમયે, અને માસ્કનો ઉપયોગ કરે. સરકારી સંસ્થાઓએ પણ તાત્કાલિક ધોરણે પ્રદૂષણ નિયંત્રણના પગલાં લેવા અને નાગરિકોને સચોટ માહિતી મળે તે સુનિશ્ચિત કરવું જોઈએ.

આપણ વાંચો:  ‘લાલો’ના પ્રમોશનમાં અકસ્માત જાણો કોની સામે રાજકોટ પોલીસે નોંધ્યો ગુનો ?

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button