અમદાવાદ

53 કરોડનું થશે પાણીઃ અમદાવાદમાં ત્રણ વર્ષથી બંધ હાટકેશ્વર બ્રિજને તોડવા નવું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદઃ શહેરના હાટકેશ્વર બ્રિજને તોડવા માટે મ્યુનિસિપલ કોર્પેોરેશનના બ્રિજ પ્રોજેક્ટ વિભાગ દ્વારા નવું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું. 9.31 કરોડના ખર્ચે આ બ્રિજને તોડવા માટેનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું. બે વર્ષ પહેલા તત્કાલીન મ્યુનિસિપલ કમિશ્નર દ્વારા બ્રિજને તોડીને નવો બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી.

આ બ્રિજ બનાવવા માટે 42 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો અને 10 કરોડના ખર્ચે તોડાશે. આમ લોકોના ટેક્સના 52 કરોડ રૂપિયા પાણીમાં જશે. આટલા મોટા ખર્ચે બનેલા બ્રિજને થોડા જ વર્ષોમાં તોડી પાડવા પાછળ બીજા કરોડોનો ખર્ચ થવો એ જાહેર નાણાંના મોટા પાયે થતા વ્યય અને તંત્રની બેદરકારી દર્શાવે છે.

આપણ વાંચો: “ઘાટ કરતા ઘડામણ મોંધુ ” Ahmedabad માં 42 કરોડમાં બનાવેલો હાટકેશ્વર બ્રિજ 52 કરોડમાં તોડી પડાશે

બ્રિજ પર પડેલા ગાબડાંના લીધે જોખમી સ્થિતિ સર્જાતાં આ બ્રિજ વાહન વ્યવહાર માટે ત્રણ વર્ષથી બંધ કરવામાં આવ્યો હતો. હાલ આ બ્રિજનો વાહન પાર્કિંગ તરીકે ઉપયોગ થઈ રહ્યો છે.

વર્ષ 2017માં બ્રિજને વાહનવ્યવહાર માટે ખુલ્લો મુકાયો હતો, પરંતુ ચાર વર્ષથી પણ ઓછા સમયમાં, એપ્રિલ, 2021માંમુખ્ય ઓબલીગેટરી સ્પાનમાં પ્રથમવાર ડેક સ્લેબમાં સેટલમેન્ટ (બેસી જવાની)ની સમસ્યા સર્જાઈ હતી. જેને માઈક્રો કોંક્રીટથી રીપેર કરવામાં આવ્યું હતું.

આપણ વાંચો: આખરે અમદાવાદના હાટકેશ્વર બ્રિજને તોડવા એએમસીએ કરી સત્તાવાર જાહેરાત

વર્ષ 2021 અને 2022માં ચાર વખત ઓબલીગેટરી સ્પાનમાં ડેક સેટલમેન્ટ થયું હતું. તેનું સ્થાનિક કન્સલ્ટન્ટની સલાહ મુજબ માઈક્રો કોંક્રીટ અને એડીશનલ સ્ટીલ સાથે રીપેરીંગ પણ કરવામાં આવ્યું હતું. તેમ છતાં 19 ઓગસ્ટ, 2022ના રોજ બીજા બોક્સમાં સેટલમેન્ટ થતા સમગ્ર બ્રિજનું ઈન્સપેકશન કરવામાં આવ્યું હતું.

લોકોની સલામતીને ધ્યાનમાં રાખીને ત્યારથી આ બ્રિજ વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો હતો. પાંચ ફેબ્રુઆરી-2023ના રોજ આઈ.આઈ.ટી. રુડકીના તજજ્ઞા દ્વારા બ્રિજની સાઈટ વિઝીટ કરવામાં આવી હતી.બાદમાં આપવામા આવેલા રિપોર્ટમાં કોંક્રીટની ગુણવત્તા નબળી હોવાનુ કહેવામાં આવ્યુ હતું.

13 એપ્રિલ-2023ના રોજ તજજ્ઞા પેનલે આપેલા રિપોર્ટમાં કહ્યા મુજબ, આઈ આર સી પાંચ મુજબ બ્રિજનું આયુષ્ય 100 વર્ષ નિર્ધારીત કરવામાં આવ્યું હતું, પરંતુ આ બ્રિજ ચાર વર્ષથી પણ ઓછા સમયમાં ડેમેજ થઇ ગયો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button