અમદાવાદટોપ ન્યૂઝ

અમદાવાદના વાતાવરણમાં પલટો, આબુ જેવો થયો માહોલ

અમદાવાદઃ હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી. જે મુજબ રવિવારે સવારથી જ અમદાવાદના વાતાવરણમાં પલટો આવ્યો છે. સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે કેટલીક જગ્યાએ વરસાદી છાંટા પડ્યા છે. શહેરના બાપુનગર, નિકોલ, ઈન્ડિયાકોલોની, નરોડા, વાડજ, નિર્ણયનગર, દૂધેશ્વર, ઈન્કમટેક્સ, ઉસ્માનપુરા, નિર્ણયનગર વિસ્તારમાં ઝરમર વરસાદ છે. અમદાવાદ ઉપરાંત મહેસાણા, બનાસકાંઠામાં ગાજવીજ સાથે વરસાદ પડી રહ્યો છે. ભારે પવન ફૂંકાવાના કારણે ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. કમોસમી વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.

ગુજરાતના વાતાવરણ કેમ પલટો આવ્યો

અરવલ્લી જિલ્લામાં પણ કમોસમી વરસાદ શરૂ થયો છે. ભારે ગાજવીજ અને પવન સાથે માલપુર, મોડાસા, મેઘરજ, ભિલોડા પંથકમાં વરસાદ પડી રહ્યો છે. વરસાદ થતાં બાજરી, જુવાર અને ઘાસચારાને નુકસાન જવાની ખેડૂતોએ ચિંતા વ્યક્ત કરી છે. આજે કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા , છોટાઉદેપુર, અમરેલી અને ભાવનગરમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. આ તમામ વિસ્તારમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ વરસી શકે છે. રવિવારથી શુક્રવાર એમ આગામી 6 દિવસ ગુજરાતમાં 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ પવન ફૂંકાવવા ઉપરાંત ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે. મહારાષ્ટ્ર ઉપર એક ટ્રફ (ચક્રવાતી પવનોની પટ્ટી) સક્રિય થઈ રહ્યું છે જેના કારણે ગુજરાતના વાતાવરણ પલટો આવ્યો છે.

આગામી બે દિવસ ક્યાં પડશે કમોસમી વરસાદ

સોમ અને અને મંગળવારે રાજ્યના કેટલાક વિસ્તારમાં કરા અને ગાજવીજ સાથે કમોસમી વરસાદની હવામાન વિભાગે શક્યતા વ્યક્ત કરી છે. પ્રતિ કલાક 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઇ શકે છે. પાટણ, મહેસાણા, પંચમહાલ, દાહોદ, અમદાવાદ, આણંદ, ખેડા, ગાંધીનગર, વડોદરા, નર્મદા, ભરૂચ, સુરત, તાપી સહિતના વિસ્તારમાં માવઠાની સંભાવના છે.

7 અને 8 મેએ અહીં વરસશે વરસાદ

આગામી બુધવાર અને ગુરૂવારે એટલે કે 7 અને 8 મેના રોજ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બુધવારે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, નર્મદા, સુરતમાં કમોસમી વરસાદની શક્યતા છે. સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગરમાં પણ માવઠાનું અનુમાન હવામાન વિભાગે વ્યક્ત કર્યું છે.

આગાહી અનુસાર આગામી 9 મે સુધી ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. 9 મે સુધી જુદા-જુદા જિલ્લાઓમાં 30થી 40 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.

આ પણ વાંચો….ગુજરાતમાં ભર ઉનાળે વાતાવરણમાં આવશે પલટો, અમદાવાદ-ગાંધીનગરમાં પડશે વરસાદ…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button