10 માળ ઊંચી પાણીની ટાંકી પર જેસીબી કેવી રીતે પહોંચ્યું? અમદાવાદીઓમાં સર્જાયું કૂતુહલ

અમદાવાદ: બિલાડી અને વાંદરા ઘરની અગાસી પર જોવા મળે તો કોઈને નવાઈ થતી નથી. પરંતુ જો ઘણીવાર પગથિયાં વગરના ઘરની અગાસી પર શ્વાન જોવા મળે તો જોનાર નવાઈ પામે છે, કે આ શ્વાન આટલે ઉપર કેવી રીતે પહોંચ્યો? અમદાવાદીઓના મનમાં પણ આવો જ સવાલ ઊભો થયો છે. પરંતુ આ સવાલ શ્વાનને જોઈને નહીં, પરંતુ પાણીની ટાંકી પર ચડેલા જેસીબીને જોઈને થયો છે. કારણ કે, પાણીની ટાંકી પર ચડેલા જેસીબીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
ટાંકીનું ડિમોલેશન કરી રહ્યું છે જેસીબી
જેસીબી પાણીની ટાંકી પર કેવી રીતે અને શા માટે ચડ્યું હશે એવો સવાલ વાયરલ વીડિયોમાં જોનાર દરેક વ્યક્તિને થઈ રહ્યો છે. આ વાયરલ વીડિયો વિશે વિગતે વાત કરીએ તો આ વીડિયો અમદાવાદના સારંગપુર વિસ્તારમાં આવેલી 75 વર્ષ જૂની પાણીની ટાંકીનો છે. સારંગપુર સર્કલ ખાતેની આ પાણીની ટાંકી સારંગપુર તથા ખાડિયા વિસ્તારને પીવાનું પાણી પૂરૂ પાડતી હતી. પરંતુ હવે અમદાવાદ મહાનગરપાલિકાએ આ ટાંકીને તોડી પાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. શરૂઆતમાં મજૂરો દ્વારા આ ટાંકીનો ઉપરનો ભાગ તોડવાની શરૂઆત કરવામાં આવી હતી. ઉપરનો ભાગ તોડવાનું કામ પૂરૂ થતાં બાકીના ભાગને જેસીબી વડે તોડવાનું નક્કી કરવામાં આવ્યું હતું.
ટાંકી પર જેસીબી કેવી રીતે પહોંચ્યું?
આ અંગે અમદાવાદ મહાનગરપાલિકાનાના મધ્ય ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર રમ્ય ભટ્ટે મીડિયાને જણાવ્યું હતું કે, “સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી સર્ટિફિકેટ નેગેટિવ આવવાના કારણે તથા ટાંકીનો કેટલોક ભાગ જર્જરિત હોવાના કારણે તેને તોડી પાડવાનો નિર્ણય લેવાયો છે. પાણીની ટાંકીના ડિમોલેશન માટે સલામતીના તમામ પગલાંને અનુસરીને ક્રેન મારફતે જેસીબીને ઉપર ચડાવવામાં આવ્યું છે. કોઈ જાનહાનિ ન થાય તે માટે ટાંકીની આસપાસ તથા રોજથી 20-20 ફૂટ દૂર બેરિકેડ મારવામાં આવ્યા છે. જો ડિમોલેશન દરમિયાન કોઈ દુર્ઘટના થાય તો તેના માટે કોન્ટ્રાક્ટર દ્વારા 1 કરોડ રૂપિયાનો વીમો પણ લેવામાં આવ્યો છે.”
ઉલ્લેખનીય છે કે, સારંગપુર સર્કલ પાસેથી પસાર થનાર લોકો પાણીની ટાંકી પર ચડેલા જેસીબીને જોઈને અચરજ પામે છે અને બે ઘડી થંભી જાય છે. મળતી માહિતી મુજબ, આ ટાંકી 1500 ટન જેટલું વજન ખમી શકે છે. જેને 8 ટન વજનનું જેસીબી તોડી રહ્યું છે.



