અમદાવાદસ્પોર્ટસ

અમદાવાદને કોમનવેલ્થની યજમાની મળતાં ચેરમેને હર્ષ સંઘવી સાથે મિલાવ્યા હાથ, ગ્લાસગોના હોલમાં ગુજરાતી ગરબાની ધૂમ

ગ્લાસગો, સ્કોટલેન્ડ: ભારતના વૈશ્વિક કદમાં વધારો કરનારી એક ઐતિહાસિક જાહેરાત થઈ છે. ભારતને સત્તાવાર રીતે કોમનવેલ્થ ગેમ્સ 2030ની યજમાનીના અધિકારો એનાયત કરવામાં આવ્યા છે. સ્કોટલેન્ડના ગ્લાસગો ખાતે યોજાયેલી કોમનવેલ્થ સ્પોર્ટ જનરલ એસેમ્બલીમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આ નિર્ણય ભારત અને કોમનવેલ્થ સ્પોર્ટ મૂવમેન્ટ બંને માટે એક સીમાચિહ્નરૂપ ક્ષણ છે, કારણ કે 2030ની આવૃત્તિ કોમનવેલ્થ ગેમ્સની શતાબ્દી ઉજવશે—જે રમતગમતની શ્રેષ્ઠતા, એકતા અને સહિયારી પ્રગતિના સો વર્ષનું પ્રતીક છે.

ભારતની બિડ: ‘નવા યુગની રમતો’નું વિઝન

અમદાવાદની બિડ ‘નવા યુગ માટે નવા યુગની રમતો’ થીમ પર આધારિત હતી. આ વિઝનથી જનરલ એસેમ્બલી પ્રભાવિત થયા હતા, જે પોષણક્ષમતા, લવચીકતા, સર્વસમાવેશકતા અને લાંબા ગાળાના વારસાના કોમનવેલ્થ સ્પોર્ટના ગેમ્સ રિસેટ સિદ્ધાંતો સાથે સંપૂર્ણ રીતે સુસંગત છે.

આ ઉપરાંત આ બીટ અમદાવાદના ગેમ્સ પ્લાન કોમ્પેક્ટ, આધુનિક અને ખેલાડી-કેન્દ્રિત અભિગમ રજૂ કરે છે. આ ગેમ્સનું મુખ્ય કેન્દ્ર સરદાર વલ્લભભાઈ પટેલ સ્પોર્ટ્સ એન્ક્લેવ (એશિયાના સૌથી મોટા મલ્ટી-સ્પોર્ટ ડેવલપમેન્ટમાંનું એક) રહેશે, જેને ગુજરાત પોલીસ એકેડેમી, કરાઈ અને વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ જેવી અત્યાધુનિક સુવિધાઓનો સહયોગ મળશે.

અદ્યતન ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સસ્ટેનેબિલિટી પર ભાર

અમદાવાદે 2030 પહેલા જ સંપૂર્ણ સજ્જતા સુનિશ્ચિત કરી છે. આયોજનમાં સંકલિત પરિવહન નેટવર્ક, અદ્યતન આવાસ સુવિધાઓ અને ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો સમાવેશ થાય છે. આ ગેમ્સમાં પેરા-સ્પોર્ટ્સનું પણ સમાવેશ કરવામાં આવશે અને તે સુલભતા અને ટકાઉપણુંના માપદંડો સ્થાપિત કરશે. તમામ સ્થળો પુનઃપ્રાપ્ય ઊર્જા સંચાલિત હશે, જેમાં ઓછા ઉત્સર્જનવાળા પરિવહન અને ઝીરો-વેસ્ટ કામગીરી પર ભાર મૂકવામાં આવશે. આ યજમાની ગુજરાતના વિકાસને વેગ આપશે, શહેરી નવીનીકરણને પ્રોત્સાહન આપશે, રોજગારનું સર્જન કરશે, પર્યટનને બૂસ્ટ આપશે અને ગુજરાતને ભારતની સ્પોર્ટિંગ કેપિટલ બનાવશે.

કેન્દ્રીય નેતૃત્વ અને રમતગમત મંત્રીઓના પ્રતિભાવ

આ મહત્વપૂર્ણ બિડને ભારત સરકારની રાષ્ટ્રીય રમતગમત નીતિ 2025, રાષ્ટ્રીય રમતગમત શાસન અધિનિયમ 2025 અને રાષ્ટ્રીય એન્ટી-ડોપિંગ (સુધારા) બિલ 2025 જેવા મુખ્ય રાષ્ટ્રીય સુધારાઓ દ્વારા મજબૂત સમર્થન મળ્યું છે. કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું કે, “અમદાવાદમાં કોમનવેલ્થ ગેમ્સ 2030 ભારતની વિકાસગાથા અને રાષ્ટ્રીય વિકાસના વાહન તરીકે રમતગમત પ્રત્યેની તેની પ્રતિબદ્ધતાની ઉજવણી હશે. આ સીમાચિહ્ન વિકસિત ભારત 2047ના અમારા વિઝનને મજબૂત બનાવે છે.”

આ ઉપરાંત ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, “અમદાવાદ વિશ્વનું આવકારવા માટે તૈયાર છે, જે ભારતની પ્રગતિ, સર્વસમાવેશકતા અને આતિથ્યનું પ્રતિબિંબ હશે.” કોમનવેલ્થ સ્પોર્ટના પ્રમુખ ડો. ડોનાલ્ડ રુકારે જણાવ્યું કે, વિશ્વના સૌથી વધુ વસ્તી ધરાવતા રાષ્ટ્ર તરીકે, ભારત આ શતાબ્દીની ગેમ્સમાં તેના કદ, યુવા શક્તિ, મહત્વાકાંક્ષા અને જબરદસ્ત રમતગમત પ્રત્યેના જુસ્સાને લાવશે.

આપણ વાંચો:  ‘પોલીસને સલામ, પટ્ટાવાળા હરામ, ગુજરાત પાર્ટીના ઈશારે નાચનારાંના પટ્ટા જરૂર ઉતારશે’

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button