અમદાવાદ ભારતનું ચોથું સૌથી લાંબુ મેટ્રો નેટવર્ક ધરાવતું શહેર બન્યું, ટૂંક સમયમાં આ રૂટ પણ શરુ થશે

અમદાવાદ: ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન(GMRC) અમદાવાદ-ગાંધીનગર મેટ્રોનો ઝડપથી વિસ્તાર કરી રહ્યું છે, જેને કારણે મુસાફરોની સુવિધામાં વધારો થઇ રહ્યો છે. અમદાવાદ-ગાંધીનગર મેટ્રો (Ahmedabad-Gandhinagar Metro) રૂટ પર સાત નવા મેટ્રો સ્ટેશન કાર્યરત કરવામાં આવ્યા છે. મેટ્રો સર્વિસને રાજ્ય સચિવાલય સુધી લંબાવવામાં આવી છે. આ વિસ્તરણ સાથે, અમદાવાદનું મેટ્રો નેટવર્ક 62 કિલોમીટર સુધી પહોંચી ગયું છે, જે દિલ્હી, બેંગલુરુ અને હૈદરાબાદ પછી ભારતમાં ચોથું સૌથી લાંબુ મેટ્રો નેટવર્ક બની ગયંન છે.
ઓલમ્પિક માટે તૈયારીઓ:
નોંધનીય છે કે ભારત સરકારે ઓલિમ્પિક 2036નું આયોજન અમદવાદમાં કરવા માટે ઇન્ટરનેશનલ ઓલમ્પિક કમિટી(IOC) સમક્ષ બીડ દાખલ કરી છે. અમદાવાદની ઓલમ્પિક દાવેદારીને ધ્યાનમાં રાખીને સરકારે માળખાગત સુવિધાઓ વિકસાવી રહી છે. ભવિષ્યમાં બનાવવામાં આવનાર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ સુધી સરળ અને ઝડપી પરિવહન મળી રહે એ માટે તેને મેટ્રો નેટવર્ક સાથે જોડવાની યોજના છે.
ટૂંક સમયમાં આ રૂટ્સ પણ શરુ થશે:
આ વર્ષના અંત સુધીમાં મેટ્રો સર્વિસ મહાત્મા મંદિર સુધી પહોંચશે. મેટ્રોને ગોધાવી અને અમદાવાદ એરપોર્ટ સુધી લંબાવવાના પ્રસ્તાવોને મંજૂરી આપવામાં આવી છે. એક એલિવેટેડ ટ્રેક કોટેશ્વર રોડને તાજ સર્કલ સાથે જોડશે, ત્યારબાદ મેટ્રો મુસાફરોને સીધી એરપોર્ટ ટર્મિનલ સુધી પહોંચાડશે.
એરપોર્ટ પર અંડરગ્રાઉન્ડ મેટ્રો સ્ટેશન હશે, લિફ્ટ અને એસ્કેલેટર દ્વારા મુસાફરો ટર્મિનલ સુધી સીધા પહોંચી શકશે. કોટેશ્વર રોડથી એરપોર્ટ સુધીના ટ્રેકનું કામ ટૂંક સમયમાં શરૂ થવાની અપેક્ષા છે, જેનો અંદાજિત ખર્ચ રૂ. 1,800 કરોડ છે.
દરમિયાન, GIFT સિટીની અંદર મેટ્રોનું કામકાજ શરૂ થઈ ગયું છે, અને GIFT સિટીની અંદર રૂ. 2,000 કરોડના ખર્ચે 10 કિલોમીટરની નવી લાઇન પણ આ વર્ષના અંત સુધીમાં શરૂ થઇ થશે. મેટ્રો ફેઝ-2 પ્રોજેક્ટ 2025 ના અંત સુધીમાં પૂર્ણ થવાની ધારણા છે.
આપણ વાંચો…રવિવારથી અમદાવાદથી ગાંધીનગર સચિવાલય સુધી મેટ્રો દોડશે, સાત નવા સ્ટેશન કાર્યરત થશે