અમદાવાદના થલતેજમાં ફાયરિંગ: બનેવીએ સાળા પર ગોળીબાર કર્યો, વિસ્તારમાં તંગદિલીનો માહોલ...
અમદાવાદ

અમદાવાદના થલતેજમાં ફાયરિંગ: બનેવીએ સાળા પર ગોળીબાર કર્યો, વિસ્તારમાં તંગદિલીનો માહોલ…

અમદાવાદઃ થલતેજ વિસ્તારમાં આજે ફરી એકવાર ફાયરિંગની ઘટના બની છે. મળતી માહિતી મુજબ મૌલિક ઠક્કર નામના યુવકે પોતાના સાળા સુધીર ઠક્કર પર રિવોલ્વરથી ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું હોવાનું જાણવા મળ્યું છે. જેમાંથી બે ગોળીઓ સીધી સાળા સુધીરને વાગી જતા તેને ગંભીર ઈજાઓ થઈ હતી.

ગંભીર રીતે ઘાયલ થયેલા સુધીરને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. આ સમગ્ર મામલે પોલીસે તપાસ અને કાર્યવાહી હાથ ધરી દીધી છે, જ્યારે ફાયરિંગના બનાવને કારણે સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો હતો.

સુધીરને બે ગોળીઓ વાગતા તે ગંભીર રીતે ઘાયલ

ફાયરિંગ દરમિયાન એક ગોળી સુધીરની ગાડીના કાચ પર અથડાતા કાચ તૂટી ગયો હતો. ઘટનાની વાત કરવામાં આવે તો મૌલિક ઠક્કર પોતાની પત્ની સાથે વારંવાર મારઝૂડ કરતો હતો. જેના કારણે તેની પત્નીએ પોતાના ભાઈ સુધીરને જાણ કરી હતી.

બહેનને લેવા માટે પહોંચેલા સુધીર અને મૌલિક વચ્ચે પહેલા વિવાદ થયો હતો અને પછી મામલો વધારે ઉગ્ર બન્યો હતો. ગુસ્સામાં આવેલા બનેવી મૌલિકે રિવોલ્વર કાઢી સાળા પર ફાયરિંગ કર્યું હતું. ઘટના થતાં જ આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા અને સાળા સુધીરને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. હાલમાં તેના સ્વાસ્થ્ય અંગે કોઈ જાણકારી આપવામાં આવી નથી.

આરોપીઓને ઝડપી લેવા માટે કાર્યવાહી શરૂ કરી

આ મામલે બોડકદેવ પોલીસે મૌલિક ઠક્કર સાથે જીતુ ઠક્કર નામના અન્ય એક યુવક વિરુદ્ધ હત્યાના પ્રયાસ સહિતની વિવિધ ધારાઓ અને આર્મ્સ એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો છે. પોલીસે ઘટનાસ્થળેથી પુરાવા એકત્ર કર્યા છે અને આસપાસના સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓને ઝડપી લેવા માટે કાર્યવાહી શરૂ કરી છે. આ બનાવને પગલે થલતેજ વિસ્તારમાં તંગદિલીનો માહોલ સર્જાયો છે.

આ પણ વાંચો…અમદાવાદમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી, નારોલમાં ધોળા દિવસે પ્રેમીએ પ્રેમિકા પર જાહેરમાં ફાયરિંગ કરતાં ચકચાર

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button