અભ્યાસ સમયે પાંગર્યો પ્રેમ, લગ્નની વાત આવી તો પ્રેમીએ આપ્યો દગો: અમદાવાદની શિક્ષિકાએ નોંધાવી ફરિયાદ

અમદાવાદ: શહેરમાં વિદ્યાપીઠના અભ્યાસ દરમિયાન થયેલા પ્રેમ બાદ યુવકે લગ્નની ના પાડી દેતા અંતે યુવતીએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં પેઈંગ ગેસ્ટ (PG) માં રહીને ખાનગી સ્કૂલમાં પીટી ટીચર તરીકે ફરજ બજાવતી ૨૭ વર્ષીય યુવતીએ પોતાના જ પ્રેમી અને તેના પરિવાર વિરુદ્ધ છેતરપિંડી અને જાનથી મારી નાખવાની ધમકી અંગેની ફરિયાદ નોંધાવી હતી. સેટેલાઈટ પોલીસે યુવતીની ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ઘટનાની વિગતો મુજબ, મૂળ રાજકોટની વતની 27 વર્ષીય યુવતી વર્ષ ૨૦૨૦-૨૧માં સાદરા ગુજરાત વિદ્યાપીઠમાં બી.પી.એડનો અભ્યાસ કરતી હતી, ત્યારે તેનો પરિચય સાબરકાંઠાના તલોદના વતની જયપાલસિંહ મહાવીરસિંહ ઝાલા સાથે થયો હતો. આ પરિચય બાદમાં પ્રેમમાં પરિણમ્યો હતો. યુવતી અભ્યાસ પૂર્ણ કરી અમદાવાદમાં નોકરી અર્થે રહેવા આવી ત્યારે પણ જયપાલસિંહ તેને અવારનવાર મળવા આવતો હતો અને બંનેએ લગ્નનો નિર્ણય પણ લીધો હતો.
આપણ વાચો: લગ્નની ના પાડતાં યુવકે વિધવાના અશ્લીલ ફોટો વાયરલ કર્યાને પછી….
જો કે બંને વચ્ચે તકરારની શરૂઆત ત્યારે થઈ જ્યારે આ સંબંધ અંગે જયપાલસિંહના પરિવારને જાણ કરવામાં આવી. ફરિયાદીના જણાવ્યા અનુસાર, જયપાલના પિતા આ સંબંધ માટે સંમત હતા, પરંતુ તેની માતા, બહેન અને ભાઈ લગ્ન માટે રાજી નહોતા. આ બાબતે ઘણીવાર બોલાચાલી પણ થઈ હતી અને છેલ્લા સાતેક મહિનાથી બંને વચ્ચે મતભેદો ખૂબ જ વધવા લાગ્યા હતા અને જયપાલસિંહે અચાનક લગ્ન કરવાની ના પાડી યુવતીનો સંપર્ક કાપી નાખ્યો હતો.
ત્યારબાદ જ્યારે યુવતીએ તેના મિત્રોના મોબાઈલ દ્વારા જયપાલસિંહનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે જયપાલસિંહ અને તેના પરિવારજનોએ ફોન પર બિભત્સ ગાળો આપી હોવાનો યુવતીએ ફરિયાદમાં આરોપ કર્યો છે.
ફરિયાદમાં આરોપ કરવામાં આવ્યો છે કે આરોપીએ યુવતીને ધમકી આપી હતી કે જો હવે પછી ફોન કરીશ તો તને જાનથી મારી નાખીશ. વળી પ્રેમી શંકાશીલ સ્વભાવનો હોવાથી સતત યુવતીનું લોકેશન માંગતો હતો. સતત માનસિક ત્રાસ અને ધમકીઓથી કંટાળીને અંતે યુવતીએ પોલીસ સ્ટેશનમાં જયપાલસિંહ સહિત તેના પરિવારના સભ્યો વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ નોંધાવી છે.



