અમદાવાદનો ‘સૂર્યકિરણ’ એર શો છેલ્લી ઘડીએ રદ: શહેરીજનોમાં નિરાશા

અમદાવાદઃ શહેરના રિવરફ્રન્ટ પર યોજાનારો એર શો છેલ્લી ઘડીએ અમુક કારણોસર રદ્દ કરવામાં આવ્યો હતો. 31મી ઓક્ટોબરે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં જ એર શો યોજાશે. વાયુ સેના દ્વારા 26મી ઓક્ટોબરે અમદાવાદમાં એર શોનું આયોજન કરવામાં આવ્યું હતું. બે દિવસ પહેલા મહેસાણામાં સફળતાપૂર્વક એર શો યોજાયો હતો.
આ એર શોના રોમાંચને મોટી સંખ્યામાં લોકોએ માણ્યો હતો. પણ અમદાવાદમાં યોજાનારો એર શો છેલ્લી ઘડીએ રદ કરી દેવામાં આવ્યો હતો, જેને લઈ શહેરીજનો નિરાશ થયા હતા.
આપણ વાંચો: Republic Day : જામનગરમાં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે બે દિવસ સૂર્યકિરણ એરોબેટિક ટીમ એર શો કરશે
મહેસાણાના એરોડ્રામ ખાતે બે દિવસ પહેલા શહેરમાં સૌપ્રથમવાર સૂર્યકિરણ એરોબેટિક એર શો યોજાયો હતો. એર શોમાં 9 હોક એમકે 132 વિમાનને 5 મીટરથી ઓછા અંતરે ઊડ્યાં હતાં. આ એર શોમાં વિમાન સીધી દિશામાં આગળ વધતાં 360 ડિગ્રી ફરી સીધું થાય, બે વિમાનો એકબીજાને સામસામેથી ખૂબ નજીકથી પસાર થયાં હતાં તેમજ દર્શકોની નજીકની ઊંચાઈ પર વિમાન ઝડપથી પસાર થતાં લોકોનાં દિલ જીતી લીધાં હતાં.
ઉલ્લેખનીય છે કે, સૂર્યકિરણ ટીમ એરોબેટિક્સ દ્વારા આકાશમાં તિરંગાના રંગોની પટ્ટીઓ બનાવે છે. આ એર શોનું આયોજન માત્ર મનોરંજન માટે જ નહીં, પરંતુ દેશના યુવાનોને ભારતીય સશસ્ત્ર દળો પ્રત્યે આકર્ષવા અને રાષ્ટ્રભક્તિની ભાવના પ્રજ્વલિત કરવાના હેતુથી કરવામાં આવે છે.
આ ટીમ હવામાં લૂપ્સ, રોલ્સ, હેડ-ઓન ક્રોસ, ડીએનએ મનુવર અને અન્ય દિલધડક સ્ટંટ (કરતબો) કરે છે. પ્રદર્શન દરમિયાન વિમાનો વચ્ચેનું અંતર 5 મીટરથી પણ ઓછું હોય છે. આ ઉપરાંત આ ટીમને ભારતીય વાયુસેનાના સદભાવના દૂત તરીકે પણ ઓળખવામાં આવે છે, જે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતીય વાયુસેનાની ક્ષમતા અને વ્યાવસાયિકતાનું પ્રદર્શન કરે છે.



