અમદાવાદના સુખરામનગરમાં બ્લોકનો ભાગ પડતા અફરાતફરી: 39 લોકોનું દિલધડક રેસ્ક્યુ

અમદાવાદ: શહેરના પૂર્વ વિસ્તારમાં જર્જરિત આવાસ યોજનાના ક્વાર્ટર્સ ફરી એકવાર જોખમી સાબિત થયા છે. શહેરના અમરાઈવાડી વિસ્તારમાં આવેલા સુખરામનગર સ્લમ ક્વાર્ટર્સમાં અચાનક ગેલેરીનો ભાગ ધરાશાયી થતા સ્થાનિકોમાં ફાળ પડી હતી. આ દુર્ઘટનાને પગલે લોકોના જીવ અધ્ધર થઈ ગયા હતા, જોકે સદનસીબે મોટી જાનહાનિ ટળી છે. તંત્ર દ્વારા વારંવાર નોટિસ આપવામાં આવતી હોવા છતાં, આવા જર્જરિત મકાનોમાં વસવાટ કરતા લોકો માટે આ ઘટના લાલબત્તી સમાન છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, અમરાઈવાડીના સુખરામનગર પાસે આવેલા સંત વિનોબાભાવે નગર સ્લમ ક્વાર્ટર્સના બ્લોક નંબર 12ની ગેલેરી અચાનક કડાકાભેર તૂટી પડી હતી. ગેલેરી તૂટી પડતા ઉપરના માળે રહેતા લોકો માટે નીચે ઉતરવાનો માર્ગ બંધ થઈ ગયો હતો, જેના કારણે અંદાજે 20 થી 25 લોકો ઘરોમાં જ ફસાઈ ગયા હતા. દુર્ઘટનાની જાણ થતા જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરી હતી.
દુર્ઘટનાની ગંભીરતા જોતા ગોમતીપુર ફાયર સ્ટેશનની ટીમ બેથી વધુ ગાડીઓ સાથે ઘટનાસ્થળે પહોંચી હતી. ડિવિઝનલ ફાયર ઓફિસર આર. જી. ગોસ્વામીના માર્ગદર્શન હેઠળ રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. ફાયરની ટીમે સીડીઓ અને અન્ય સાધનોની મદદથી ઘરમાં ફસાયેલા કુલ 39 લોકોને સુરક્ષિત રીતે નીચે ઉતાર્યા હતા. આ સમગ્ર ઘટનામાં એક વૃદ્ધાને સામાન્ય ઈજા થઈ હતી, જેમને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર, આ સ્લમ ક્વાર્ટર્સ વર્ષો જૂના અને અત્યંત જર્જરિત હાલતમાં છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા અગાઉ પણ આ ક્વાર્ટર્સ ખાલી કરવા માટે નોટિસો આપવામાં આવી હતી, પરંતુ વૈકલ્પિક વ્યવસ્થાના અભાવે લોકો જીવના જોખમે અહીં રહેવા મજબૂર છે. આ અગાઉ પણ અહીં ગેલેરી પડવાની ઘટનાઓ બની ચૂકી છે, જે બતાવે છે કે આ ઈમારતો હવે રહેવા લાયક રહી નથી.
અકસ્માત બાદ અમરાઈવાડી પોલીસ અને કોર્પોરેશનનો એસ્ટેટ વિભાગ પણ સ્થળ પર દોડી આવ્યો હતો. ફાયર બ્રિગેડે સફળતાપૂર્વક રેસ્ક્યુ કામગીરી પૂર્ણ કર્યા બાદ હવે જોખમી ભાગોને દૂર કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. તંત્ર દ્વારા આ બ્લોકના રહીશોને સુરક્ષિત સ્થળે ખસી જવા ફરી એકવાર સૂચના આપવામાં આવી છે જેથી ભવિષ્યમાં કોઈ મોટી હોનારત ન સર્જાય.



