શેરબજારમાં રોકાણના નામે અમદાવાદના યુવક સાથે છેતરપિંડી, સાયબર ઠગો 17.90 લાખ ખંખેરી ગયા…

અમદાવાદ: મોટી કમાણીની લાલચ આપી સાયબર ગઠિયાઓ લોકો સાથે છેતરપિંડી આચરી રહ્યા છે. સાયબર ગઠિયાઓ અમદાવાદમાં એક યુવાનને શેર બજારમાં રોકાણ કરાવવાના બહાને 17.90 લાખ રૂપિયા પડાવ્યા હોવાનું જાણવા મળ્યું છે. કેસની વાત કરવામાં આવે તો, ગઠિયાઓએ યુવકને એપ્લિકેશન ડાઉનલોડ કરાવી શરૂઆતમાં 1 લાખનું રોકાણ કરાવ્યું અને 25 હજાર ઉપાડવા દીધા હતા, જે બાદ યુવકને વિશ્વાસ આવતા ટુકડે ટુકડે 17.90 લાખનું રોકાણ કર્યું હતું.
પ્રમિતે લિંક ડાઉનલોડ કરી એટલે તેની સાથે ફ્રોડ થયું
જોકે યુવકને રોકાણ કે નફાની રકમ પરત આપવામાં આવી ન હતી જેથી યુવકે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી. અમદાવાદ શહેરના વસ્ત્રાલમાં રહેતો પ્રમિત દરજી નામનો યુવક વડોદરાની ખાનગી કંપનીમાં નોકરી કરે છે. પ્રમિતને અજાણ્યા નંબર પરથી વોટ્સએપમાં મેસેજ આવ્યો હતો જેમાં શેર બજારમાં રોકાણ કરવાનો ઉલ્લેખ કર્યો હતો. પ્રમિત લિંક દ્વાર ગ્રુપમાં એડ થયો હતો. ગ્રુપમાં શેર બજાર અને સ્ટોકની લગતી માહિતી આપવામાં આવતી હતી. પ્રમિતને ગ્રુપના મેનેજરે ઓળખ આપીને સલાહ સૂચન આપવાની ચાલુ કરી હતી. જેના કારણે તેની સાથે છેતરપિંડી થઈ હતી.
આ ઠગાઈ મામલે યુવકે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી
ગ્રુપના મેનેજરે પ્રમિતને એપ્લિકેશન ડાઉનલોડ કરવાની લિંક મોકલી હતી. પ્રમિતે લિંક ડાઉનલોડ કર્યા બાદ પોતાની વિગતો એડ કરી હતી. પ્રમિતે એપ્લીકેશનમાં 1 લાખનું રોકાણ કર્યું હતું, જેની સામે નફા સહિતની રકમ બતાવતા હતા જેથી પ્રમિતે 25 હજાર ઉપડ્યા હતા. પ્રમિતને વિશ્વાસ આવતા ટૂકડા ટુકડે 17.90 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હતું જેની સામે પ્રમિતને નફો કે રોકાણની રકમ પરત મળી ન હતી, જેથી સાયબર ક્રાઈમમાં અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરી દીધી છે.



