
અમદાવાદઃ ગુજરાતમાં ક્રાઈમની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ફરી એકવાર હત્યાની ઘટના બની હોવાનું પ્રકાશમાં આવ્યું છે. અમદાવાદથી એક સનસનાટીભર્યો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. શહેરમાં જાહેરમાં એક હોમગાર્ડ જવાનની છરીના ઘા મારીને હત્યા કરવામાં આવી હતી. નોકરી કરીને પરત ઘરે જઈ રહેલા હોમગાર્ડ કિશનની હત્યા કરી દીધી હતી. શાહપુર વિસ્તારમાં બનેલી હત્યાની ઘટનામાં પોલીસે બે આરોપી બદરુદ્દીન શાહ અને નીલમ પ્રજાપતિની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી દીધી છે.
શાહપુર વિસ્તારમાં નજીવા કારણે આરોપીએ કરી કિશનની હત્યા
ઘટનાની વાત કરવામાં આવે તો હોમગાર્ડમાં નોકરી કરતો કિશન પોતાની નોકરી પૂરી કરીને પાછો ઘરે જઈ રહ્યો હતો. આ દરમિયાન શાહપુર વિસ્તારમાં આરોપી દંપતી બદરુદ્દીન શાહ અને નીલમ પ્રજાપતિ બંને કિશન પાસેથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન બદરુદ્દીને અચાનક કિશન પર છરી વડે હુમલો કર્યો હતો. ઘાયલ કિશનને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. હત્યાની ઘટના બાદ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી તપાસ શરૂ કરી અને ટેકનિકલ વિશ્લેષણ અને સીસીટીવી ફૂટેજની મદદથી બંને આરોપીઓની નરોડા વિસ્તારમાંથી ધરપકડ કરી લીધી હતી.
લાંબો ગુનાહિત ઈતિહાસ ધરાવે છે બંને આરોપીઓ
આ કેસમાં પોલીસે પૂછપરછ કરી ત્યારે એવું જાણવા મળ્યું છે કે, બંને આરોપીઓ લાંબો ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. બદરુદ્દીન અને નીલમ પાંચ વર્ષ પહેલા જેલમાં હતા ત્યારે તેમની વચ્ચે પ્રેમ થયો હતો. જેલમાંથી છૂટ્યાં બાદ લગ્ન કર્યાં અને સાથે રહેવા લાગ્યાં હતાં. જેલમાંથી છૂટ્યા બાદ ફરી ગુનાહિત પ્રવૃતિઓમાં સક્રિય થઈ હતાં. પોલીસે આપેલી વિગતો પ્રમાણે બદરુદ્દીન સામે 14 અને નીલમ સામે 5 પોલીસ કેસ નોંધાયેલા છે.
હત્યાની કલમ હેઠળ ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરાઈ
પોલીસ તપાસમાં એવું પ્રકાશમાં આવ્યું છે કે, આરોપીઓ વાંરવાર પોતાનું નામ અને ઠેકાણું બદલતા રહે છે. તેમની ગુનાહિત પૃષ્ઠભૂમિને ધ્યાનમાં લેતા પોલીસે હત્યા અને અન્ય ગંભીર કલમો હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી શરૂ કરી છે. કિશને માત્ર નીલમ સામે જોયું હતું તેમાં તો ‘તું મારી પત્ની સામે કેમ જુએ છે?’ એવું કહીને બદરુદ્દીને કિશન પર હુમલો કર્યો અને હત્યા કરી દીધી હતી. હવે પોલીસે ગુનો નોંધી બંનેની ધરપકડ કરી અને આગળની કાર્યવાહી હાથ ધરી દીધી છે.