અમદાવાદ

નિયમભંગ કરનાર સામે અમદાવાદ પોલીસની મોટી કાર્યવાહી, SG હાઇવે પર 300થી વધુ વાહનચાલકોને ફટકારાયો દંડ…

અમદાવાદ: દરેક મહાનગરોમાં ટ્રાફિક એક મોટી સમસ્યા છે. આ સમસ્યાના નિવારણ માટે શહેરની પોલીસ અવારનવાર વિવિધ પ્રકારની કામગીરી કરતી હોય છે. આજે અમદાવાદ શહેરના વ્યસ્ત એસ.જી. હાઈવે પર અકસ્માતોનું પ્રમાણ ઘટાડવા અને ટ્રાફિકજામની કાયમી સમસ્યાના નિવારણ માટે ટ્રાફિક પોલીસ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા એક વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ પકવાન ચાર રસ્તાથી લઈને વૈષ્ણોદેવી સર્કલ સુધીના સર્વિસ રોડ અને હાઈવેના પટ્ટા પર યોજવામાં આવી હતી. જેમાં 20 જેટલી જાણીતી હોટલોને નોટિસ આપવામાં આવી છે તથા વાહનચાલકોને દંડ ફટકારાયો છે.

300થી વધુ વાહનચાલકોને ફટકારાયો દંડ

ટ્રાફિક પોલીસે નિયમભંગ કરનારાઓ સામે કડક વલણ અપનાવ્યું હતું. સર્વિસ રોડ પર અડચણરૂપ રીતે પાર્ક કરેલા વાહનોને ટોઈંગ કરવાની કામગીરી કરવામાં આવી હતી. હાઈવે પર જીવના જોખમે રોંગ સાઈડમાં આવતા વાહનચાલકોને અટકાવી તેમની પાસેથી દંડ વસૂલવામાં આવ્યો હતો. આ ઝુંબેશ દરમિયાન પોલીસે કુલ 300થી વધુ વાહનચાલકોને દંડ ફટકાર્યો હતો. પોતાના ગ્રાહકોના વાહનો રોડ પર પાર્ક કરાવતી અંદાજે 20 જેટલી જાણીતી હોટલોને નોટિસ આપી કાયદેસરની કાર્યવાહી શરૂ કરાઈ છે. એએમસીની ટીમ સાથે મળીને સર્વિસ રોડ પર કબ્જો જમાવીને બેઠેલા લારી-ગલ્લાના દબાણો દૂર કરવામાં આવ્યા હતા.

નિયમભંગ કરનાર સાથે સ્થળ પર વસૂલાશે દંડ

એસજી-1 ટ્રાફિક પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર. વી. વિંછીએ આ કાર્યવાહી અંગે વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે, “એસ.જી. હાઈવેને ટ્રાફિકજામ મુક્ત બનાવવા માટે આ ઝુંબેશ આગામી દિવસોમાં પણ સતત ચાલુ રહેશે. ખાસ કરીને પીક અવર્સ દરમિયાન વાહનચાલકોને હાલાકી ન પડે તે માટે વધારાનો પોલીસ કાફલો તહેનાત કરવામાં આવ્યો છે. નિયમભંગ કરનાર સામે સ્થળ પર જ દંડ અને જરૂર પડ્યે વાહન જપ્ત કરવાની કાર્યવાહી કરવામાં આવશે”. આ કામગીરીથી હાઈવે પર વાહનોની અવરજવર વધુ સુગમ બનશે તેવી આશા રાખવામાં આવી રહી છે.

ટ્રાફિક સિગ્નલ પર મહિલા અને પોલીસ વચ્ચે રકઝક

ઉલ્લેખનીય છે કે, આ કાર્યવાહી વચ્ચે બીજી તરફ અમદાવાદ શહેરમાં અંજલી ચાર રસ્તા પાસે એક મહિલાએ ટ્રાફિકના નિયમોનો ભંગ કર્યો હતો. જેથી ઘટનાસ્થળે હાજર પોલીસ કર્મીએ મહિલાની પૂછપરછ કરી હતી. આ દરમિયાન મહિલા અને પોલીસ કર્મી વચ્ચે રકઝક થઈ હતી. જેમાં મહિલાએ અભદ્ર ભાષાનો પ્રયોગ શરૂ કર્યો હતો. પરિણામે ઉશ્કેરાયેલા પોલીસ કર્મીએ મહિલાને લાફો મારી દીધો હતો.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button