અમદાવાદના સોલામાં ‘સિંદૂર’ વૃક્ષની કાપણીના વિરોધમાં સ્થાનિકોએ યોજી ‘શોકસભા’

દુર્લભ વૃક્ષને કાપી નાખતા પર્યાવરણ પ્રેમીઓમાં રોષ, કાયદેસરની કાર્યવાહીની માંગ
અમદાવાદ: શહેરમાં આવેલ સાયન્સ સિટી રોડ પર એક સોસાયટીમાં સિંદૂરના વૃક્ષની કાપણી માટે શોકસભા યોજાઈ હતી. આ ઘટના વૃક્ષોનું નિકંદન કરતા લોકો માટે સબક સમાન છે. અનેક જગ્યાએ મોટી માત્રામાં ખુલ્લેઆમ કોઈ પણ પ્રકારના નિયમો વિના વૃક્ષો કપાવામાં આવતા હોય છે. આવું આ સોસાયટીમાં પણ બન્યું હતું. જેનો સ્થાનિકોએ વિરોધ કર્યો હતો. જ્યાં પણ વૃક્ષોનું નિકંદન કરવામાં આવે છે તે ખૂબ જ દુઃખદ ઘટના છે. તેનો વિરોધ થયો જ જોઈએ. અત્યારે જ્યારે વૃક્ષો વાવવાની જરૂર છે તેવામાં કેટલાક લોકો વૃક્ષો કાપી રહ્યાં છે. જેથી આ સોસાયટીના લોકોએ વિરોધ કર્યો અને શોકસભા યોજી હતી.
‘સિંદૂર’ના વૃક્ષને કાપી નાખતા સ્થાનિકોમાં નારાજગી
સાયન્સ સિટી રોડ, સોલામાં આવેલી એક સોસાયટીમાં 6 નવેમ્બરે સોસાયટીના જ એક સભ્ય દ્વારા સોસાયટીની મરજી વિરુદ્ધ સિંદૂરનું અતિ દુર્લભ વૃક્ષને કાપી નાખ્યું હતું. મહત્વની વાત એ છે કે, ગ્લોબલ વોર્મિંગ, કાળઝાળ ગરમી, અનિશ્ચિત સમયે આવતો વરસાદ આટલી બધી કુદરતી આફતો આવતી હોવા છતાં પણ લોકો મોટી સંખ્યામાં વૃક્ષો કાપી રહ્યાં છે. આવા અત્યંત નિંદનીય કાર્યથી વ્યથિત થયેલા પર્યાવરણ પ્રેમીઓ તથા સોસાયટીના સભ્યોએ વૃક્ષ માટે બેસણાનું આયોજન કર્યું હતું.
સિંદૂરના વૃક્ષ માટે યોજાઈ શોકસભા
સિંદૂરના વૃક્ષના આકસ્મિક નિધન પ્રસંગે આ સોસાયટીમાં આજે સવારે આજે સવારે નવથી 10 વાગ્યા સુધીમાં બેસણું રાખવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં પર્યાવરણ પ્રેમીઓ જોડાયા હતા, એટલું જ નહીં, પરંતુ સ્થાનિકો અને પ્રકૃતિ પ્રેમીઓએ આ વૃક્ષના સ્મરણમાં વૃક્ષારોપણ કરવાનો સંકલ્પ લીધો હતો. આ પ્રસંગે સભ્યો દ્વારા આવા અયોગ્ય રીતે થયેલા વૃક્ષ નાશના કિસ્સાઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગણી પણ કરવામાં આવી હતી. ‘વૃક્ષો આપણું પર્યાવરણ સંતુલિત રાખે છે અને જીવનદાયી છે’ તેવો સંદેશ સૌએ આપ્યો હતો.



