અમદાવાદ સાબરમતી સેન્ટ્રલ જેલના કેદીઓ બોર્ડની પરીક્ષા આપશે, 24 કેદીઓએ ફોર્મ ભર્યા

અમદાવાદઃ ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષા આગામી ફેબ્રુઆરી માસના છેલ્લા સપ્તાહમાં યોજાવાની છે. અમદાવાદમાં અંદાજે 1 લાખ 80 હજારથી વધુ વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપશે. જેની સાથે સાથે અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલના 24 કેદીઓ પણ બોર્ડની પરીક્ષા આપવાના છે. જે માટે સાબરમતી જેલમાં તંત્ર દ્વારા પરીક્ષા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. જેલમાં પરીક્ષાને લઈને પરીક્ષા નિરીક્ષક અને સુપરવાઇઝરની ટીમો પણ તૈનાત રાખવામાં આવશે.
સાબરમતી સેન્ટ્રલ જેલમાં પરીક્ષા સેન્ટર ઊભું કરવામાં આવશે
નોંધનીય છે કે, રાજ્યની જેલોમાં બંધ કેદીઓ પણ બોર્ડની પરીક્ષા આપતા હોય છે. જે માટે વિભાગ દ્વારા અમદાવાદ, રાજકોટ, સુરત અને બરોડાની જેલમાં પરીક્ષા સેન્ટર ઊભા કરવામાં આવે છે. જે અંતર્ગત અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાં પણ આ વર્ષે પરીક્ષા સેન્ટર ઊભું કરવામાં આવશે. આ વર્ષે સેન્ટ્રલ જેલમાંથી 24 કેદીઓએ ગુજરાત બોર્ડની પરીક્ષા આપવાની ઇચ્છા વ્યક્ત કરી છે. જેમાં ધોરણ 10માં 15 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષા માટે 9 કેદીઓએ ફોર્મ ભર્યા છે. જે માટે જેલમાં પરીક્ષા સેન્ટરની વ્યવસ્થા તો કરાશે જ સાથે પરીક્ષાના દિવસે પરીક્ષા નિરીક્ષક અને સુપરવાઇઝરની ટીમ પણ જેલમાં તૈનાત રહેશે.
આ પણ વાંચો : આખરે શિક્ષણ વિભાગે ભૂલ સ્વીકારી, ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાની તારીખમાં કરાયો ફેરફાર…
રાજકોટ, સુરત અને વડોદરામાં પણ કેદીઓ પરીક્ષા આપશે
મહત્વનું છે કે જેલમાં પણ બંદીવાન કેદીઓ શાંતિ અને સુમેળ ભર્યા વાતાવરણમાં પરીક્ષા આપી શકે અને તેઓને પરીક્ષા અને જે તે વિષયનું જ્ઞાન મળી શકે તે માટે તંત્ર દ્વારા શિક્ષકોના તાલીમ વર્ગોનું પણ આયોજન કરવામાં આવે છે અને સાથે સાથે જે તે વિષયની પરીક્ષા હોય તેના પુસ્તકો પણ કેદીઓને આપવામાં આવે છે. આ વર્ષે પણ અમદાવાદની સેન્ટ્રલ જેલ ઉપરાંત રાજકોટ, સુરત અને વડોદરામાં પણ કેદીઓ પરીક્ષા આપશે. જે માટે જે તે જિલ્લામાં જેલમાં પરીક્ષા સેન્ટર બનાવવામાં આવશે.



