અમદાવાદમાં ડમ્પરનો કહેર: બે મહિલાનાં મોત, જાણો અકસ્માત કઈ રીતે થયો?

અમદાવાદઃ શહેરના 108 સેન્ટરની બાજુમાં રિંગ રોડ તરફ જવાના રસ્તા પર એક્ટિવા લઈને બે મહિલાઓને અકસ્માત થયો છે. અજાણ્યા ડમ્પરચાલકે ટક્કર મારી તેના કારણે આ અકસ્માત સર્જાયો હતો. અકસ્માત થતા જ બંને મહિલાને ગંભીર ઈજાઓ પહોંચી હોવાથી સત્વરે સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતા.
પરંતુ ફરજ પર હાજર ડૉક્ટરે બંને મહિલાઓને મૃત જાહેર કરી હતી. આ બંને મહિલાઓની ઓળખ કરી લેવામાં આવી છે. એક મહિલા વિરલબેન રબારી પોલીસ કર્મચારી છે, જે સાયબર સેલ ગાંધીનગરમાં ફરજ બજાવતા હતા. બીજી મહિલા હિરલબેન રાજગોર જે 108 સેન્ટરના કર્મચારી હતા અકસ્માતના કારણે મોત થયા છે.
ટ્રાફિક પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી
અકસ્માત થતાની જાણ થતા ઘટનાસ્થળ પર હાજર પોલીસ પોલીસની ગાડીમાં જ બંને મહિલાઓને હોસ્પિટલ લઈ ગઈ હતી. જોકે, બંનેને ડૉક્ટરે મૃત જાહેર કરી દીધા હતાં. અકસ્માત સર્જનાર ગાડીની પોલીસ તપાસ શરૂ કરી દીધી છે. જ્યારે આ સમગ્ર મામલે જી ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
એક્ટિવા ઉપર જઈ રહ્યા હતા ત્યારે અકસ્માત
મળી જાણકારી પ્રમાણે બંને મહિલા કર્મચારીઓ પીએમ નરેન્દ્ર મોદીના કાર્યક્રમમાં બંદોબસ્તમાં આવ્યાં હતા. બંદોબસ્ત કરીને મહિલા પોલીસ કર્મચારી અને 108ના કર્મચારી એક એકટીવા ઉપર જઈ રહ્યા હતા. તે દરમિયાન આ અકસ્માત સર્જાયો હતો. પોલીસના જણાવ્યા પ્રમાણે અજાણ્યા ડમ્પર ચાલકની પણ તપાસ ચાલી રહી છે. ડમ્પરચાલકની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
આ પણ વાંચો…અમદાવાદ મુંબઈ હાઈવે પર વડોદરા નજીક સતત ત્રીજા દિવસે ટ્રાફિક જામ સર્જાયો, વાહન ચાલકો પરેશાન