અમદાવાદ

Ahmedabad સિરિયલ બ્લાસ્ટ કેસમાં કન્ફર્મેશન અરજી પર હાઇકોર્ટમાં ગુરૂવારથી રેગ્યુલર સુનાવણી

અમદાવાદઃ અમદાવાદમાં(Ahmedabad)વર્ષ 2008 થયેલા સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસમાં ફાંસીની સજા પામેલા આરોપીઓની ફાંસીની સજાના અમલ માટે સરકારે હાઇકોર્ટમાં કન્ફર્મેશન અરજી દાખલ કરી છે. જેની ઉપર ગુરુવારથી હાઇકોર્ટમાં હવે રેગ્યુલર સુનાવણી યોજાશે. જ્યારે જામીન અરજીઓ ઉપર આગામી સમયમાં ચુકાદો આપવામાં આવશે.

આપણ વાંચો: Ahmedabad ના સાબરમતી પાર્સલ બોમ્બ બ્લાસ્ટ કેસમાં મુખ્ય આરોપી સહિત બેની ધરપકડ

ફાંસીની સજા પામેલા અપરાધીઓને કન્ફર્મેશન કેસ ઉપર સુનાવણી

સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસમાં આરોપી રફીયુદીન કાપડિયા, અહમદાબાવા વગેરેની જામીન અરજીઓ ઉપર સુનાવણી પૂર્ણ થઈ ચૂકી છે. છેલ્લે અરજદારો તરફે રજૂઆત કરાઈ હતી કે આરોપીઓ વર્ષ 2008થી જેલમાં છે. તેઓ જયારે જેલમાં ગયા ત્યારે તેમના બાળકો નાના હતા જે હવે પુખ્ત થવા આવ્યા એટલે તેમને જામીન આપવા જોઈએ.

જો કે સરકારી વકીલે સામે દલીલ કરી હતી કે આ બોમ્બ બ્લાસ્ટમાં જે લોકોએ પોતાના કમાઉ દીકરા ગુમાવ્યા છે તેમના માતા-પિતાનો શું વાંક? કેટલાય બાળકોએ વાલીઓ ગુમાવ્યા છે. ત્યારે આવા અપરાધીઓ ઉપર દયા દાખવી શકાય નહીં. આ સાથે જ હવે ગુરુવારથી ફાંસીની સજા પામેલા અપરાધીઓને કન્ફર્મેશન કેસ ઉપર રેગ્યુલર સુનાવણી શરૂ થશે.

અમદાવાદમાં વર્ષ 2008માં થયેલા સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસમાં અમદાવાદ સેશન્સ કોર્ટ ખાતે કુલ 78 આરોપીઓ સામે ટ્રાયલ ચાલી હતી. વર્ષ 2009માં દાખલ થયેલા આ કેસનો ચુકાદો 13 વર્ષ બાદ 18 ફેબ્રુઆરી, 2022ના રોજ આવ્યો હતો. જેમાં કોર્ટે 49 આરોપીઓને દોષિત ઠેરવતા 38 આરોપીઓને ફાંસીની સજા અને 11 આરોપીઓને આજીવન કારાવાસની સજા ફટકારી હતી. જ્યારે 29 આરોપીઓને નિર્દોષ છોડ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં વર્ષ 2008માં 22 જેટલી જગ્યાએ બોમ્બ બ્લાસ્ટ થયા હતા. જેમાં 56 લોકોના મોત થયા હતા અને 246 લોકો ઘાયલ થયા હતા. આ આરોપીઓ અમદાવાદ, વડોદરા, મધ્યપ્રદેશ, કેરળ, કર્ણાટક, સુરત, ભુજ, ઉત્તરપ્રદેશ, આંધ્રપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને ઝારખંડના રહેવાસી હતા.

આપણ વાંચો: Bombay Bomb Blast : મુંબઈ બોમ્બ બ્લાસ્ટ કેસના આરોપીની કોલ્હાપુર જેલમાં હત્યા

7 હજાર પેજનો ચુકાદો આપવામાં આવ્યો હતો

જેમની ઉપર આઈપીસીની હત્યા અને ગેરકાનૂની પ્રવૃતિઓ સહિતની કલમો, એક્સપ્લોઝીવ સબસ્ટેન્સ એક્ટની કલમો, ડેમેજ ટુ પબ્લિક પ્રોપર્ટી એક્ટની કલમો આઈટી એક્ટની કલમો અને આર્મ્સ એક્ટની કલમો અંતર્ગત કેસ નોંધાયો હતો. આ કેસમાં 35 એફઆઈઆર નોંધવામાં આવી હતી અને 548 ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. કુલ 6 હજાર પુરાવા, 1163 સાક્ષીઓ તપાસીને 7 હજાર પેજનો ચુકાદો આપવામાં આવ્યો હતો. જેની પેપર બુક કુલ 7.88 લાખ પેજની છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button