પુષ્ય નક્ષત્ર પહેલા ધૂમ ખરીદી: અમદાવાદમાં ચાંદીનો સ્ટોક ખૂટ્યો, સોનામાં 100% એડવાન્સની માંગ

અમદાવાદ: દિવાળીના તહેવારને આડે હવે થોડા દિવસો જ બાકી રહ્યા છે, શહેરોની બજારોમાં રોનક વધી ગઈ છે. સોના અને ચાંદીની ખરીદી માટે શુભ માનવામાં આવતા પુષ્ય નક્ષત્રની આવતીકાલથી શરૂઆત થવા જઈ રહી છે, પરંતુ અમદાવાદમાં ગ્રાહકો અગાઉથી જ સોના અને ચાંદીની ધૂમ ખરીદી કરી રહ્યા છે. અહેવાલ મુજબ બજારમાં ચાંદીનો સ્ટોક ઓછો પડી રહ્યો છે, જ્યારે સોના વધતા ભાવને ધ્યાનમાં રાખીને શહેરના જવેલર્સે બિઝનેસ પ્રેક્ટિસમાં ફેરફાર કરવાની ફરજ પડી છે.
નોંધનીય છે કે સોના અને ચાંદીના ભાવ કુદકેને ભૂસકે વધી રહ્યા છે. 10 ગ્રામ સોનાનો ભાવ રૂ. 1.27 લાખ અને એક કિલો ચાંદીનો ભાવ રૂ. 1.67 લાખ સુધી પહોંચ્યા છે. અહેવાલ મુજબ સોનાના ઘરેણાંના ઓર્ડર માટે હવે વેપારીઓ 100% એડવાન્સ માંગી રહ્યા છે, નહીં તો ઘરેણાની ડિલિવરીના દિવસે ચાલી રહેલા દરે ગ્રાહકો પાસેથી ચાર્જ વસૂલ કરી રહ્યા છે.
ઝવેરીઓ 100% એડવાન્સનો આગ્રહ:
શહેરના વેપારીઓના જણાવ્યા મુજબ જોખમ ટાળવા માટે ગ્રાહકો પાસેથી એડવાન્સ લેવામાં આવી રહ્યુ છે. ભાવમાં થતા અચાનક ફેરફારોથી થતા નુકશાનથી બચી શકાય છે. ગ્રાહકો સામાન્ય રીતે બુકિંગ કરતી વખતે 5-10% ચૂકવતા હોય છે અને બાકીની રકમ ડિલિવરી વખતે ચૂકવતા હોય છે. હવે, જવેલર્સ 100% એડવાન્સનો આગ્રહ રાખી રહ્યા છે.
સામાન્ય રીતે ગ્રાહકો ઓછા ભાવે જ્વેલર્સ પાસે ઘરેણાં બુક કરાવતા હોય છે, પરંતુ જ્યારે ડિલિવરી આપવાનીહોય ત્યારે ભાવ વધી ગયા હોય છે. ગ્રાહકો જૂની કિંમતે ઘરેણાં મળવાની અપેક્ષા રાખતા હોય છે, જેના કારણે ઘણીવાર વિવાદ ઉભો થયા છે. હવે વેપારીઓ ફક્ત 100% એડવાન્સ ચૂકવનારા ગ્રાહકોને જ આગાઉથી નક્કી કરી કરેલા દરે ઘરેણાની ડિલીવરી આપી રહ્યા છે.
ચાંદીનો સ્ટોક ખૂટ્યો:
ચાંદીના ભાવ પ્રતિ કિલોગ્રામ રૂ.1.67 થઇ ગયા છે, એવામાં વેપારીઓના જણાવ્યા મુજબ શહેરમાં ચાંદીનો સ્ટોક લગભગ ખલાસ થઇ ગયો છે, ગ્રાહો વધારાના રૂ.3,000 ચુકવવા તૈયાર છે, પણ બજારમાં ચાંદીનો સ્ટોક જ નથી.
આવતી કાલથી પુષ્ય નક્ષત્રની શરૂઆત થઇ રહી છે જેને કારણે ખરીદીમાં વધારો થવાની શક્યતા છે, આ દરમિયાન ચાંદીની અછતને કારણે વેપારીઓની ચિંતા વધી છે. વેપારીઓ નથી ઈચ્છતા કે ગ્રાહકો ખાલી હાથે પાછા જાય.
ઘણા જવેલર્સ ગ્રાહકોને સોના-ચાંદીના ભાવ સોશિયલ મીડિયા સતત જણાવતા રહે છે. ભાવમાં અચાનક વધારાને કારણે માંગમાં ઘટાડો થવાની ધારણા છે.
આપણ વાંચો: દિવાળીમાં ક્રેડિટકાર્ડ પર મળતી ઓફર્સથી અંજાશો નહીં, ડિસ્કાઉન્ટના નામે છેતરાતા પહેલા આ વાંચો