
અમદાવાદ: અમદાવાદ ગ્રામ્યમાં બે મહિના પહેલા 25,000 રોકડ અને 24,000 ના દાગીનાની લૂંટની ઘટના થઈ હતી. આ સમગ્ર કેસમાં પોલીસ ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી હતી. પોલીસને ઘટના સ્થળેથી મોબાઇલ કવર, કપડાં અને ડંડા સહિતની વસ્તુ મળી આવી હતી. ચોરી કરતી ગેંગને ઝડપી પાડવા માટે પોલીસે તપાસ શરૂ કરી હતી. આરોપીઓને પકડવા માટે પોલીસ દ્વારા છટકું ગોઠવવામાં આવ્યું હતું.
સિમ કાર્ડ આધારે રાજસ્થાનના વ્યક્તિનો સંપર્ક કર્યો હતો
પોલીસ દ્વારા છટકું ગોઠવવામાં આવ્યું તેમાં પીઆઇ ટ્રક ડ્રાઇવર બનીને ગયા હતા. પોલીસે કેસમાં 1.5 મહિના સુધી તપાસ કરી જેમાં રામોલ ટોલ પ્લાઝા પાસે ખેતરમાંથી સીમ કાર્ડ મળ્યું હતું. સિમ કાર્ડ આધારે રાજસ્થાનના વ્યક્તિનો સંપર્ક કર્યો હતો. નંબર આધારે મોબાઈલનો ડેટા મેળવ્યો અને દેવડી ગામમાંથી આરોપીઓ પકડાયા હતા. પોલીસે આ કેસમાં દિનેશ વાદી, અજય વાદી, મહેશ વાદીને દેવડી ગામમાંથી ઝડપી પાડ્યા હતાં.
છોકરી બનીને આરોપીઓ લૂંટની ઘટનાને અંજામ આપતા
આરોપીઓના ઘરમાં સર્ચ ઓપરેશન કરતા મોબાઈલ મળી આવ્યો હતો. ત્રણેયની પૂછપરછ કરતા મુખ્ય આરોપી દેવા નટને પણ ઝડપી લેવાયો છે. જેમાં દેવો નટ છોકરી બનીને ટ્રક ડ્રાઇવરને ઈશારા કરતા હતા અને ત્યાર બાદ અન્ય 3 આરોપી ટ્રક ડ્રાઈવરને લૂંટી લેતા હતા. આ ટોળકીએ અત્યાર સુધી 14 લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો. જેમાં બદનામીના ડરથી 12 ભોગ બનનાર લોકોએ ફરિયાદ નોંધાવી નથી. પોલીસે ભૂતકાળમાં ભોગ બનનારનો સંપર્ક કરી આરોપીઓ વિરુદ્ધ વધુ ગુનાઓ નોંધવા માટે તજવીજ હાથ ધરી છે.