અમદાવાદ કમિશનરનો આદેશ: દરેક પીઆઈ માટે રાત્રે 12 વાગ્યા સુધી પોલીસ સ્ટેશનમાં હાજરી ફરજિયાત

અમદાવાદઃ શહેરમાં વધતી ગુનાખોરીથી લોકો ત્રાહિમામ છે, ત્યારે તંત્ર પણ એલર્ટ બન્યું છે. અમદાવાદ શહેર પોલીસ સામે પોલીસ કમિશનર જી.એસ.મલિક દ્વારા કડક આદેશ અપાયો હતો. જેમાં અમદાવાદ શહેરના તમામ પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર (પીઆઈ)એ રાત્રે 12 વાગ્યા સુધી પોતાના પોલીસ મથકની હદમાં હાજર રહેવું પડશે.
આ દરમિયાન પીઆઈએ પોતાનાં વિસ્તારમાં વાહન ચેકિંગ, ફૂટ પેટ્રોલિંગ, ગુનેગારોનું ચેકિંગ સહિતની કામગીરી કરવી પડશે. તે ઉપરાંત પીઆઇથી જેસીપી સુધીના અધિકારીઓએ રોજ 12થી 2 વાગ્યા દરમિયાન અરજદારોને સાંભાળવા પડશે.
આપણ વાંચો: સુરત અને નવસારી ‘ગુનાખોરી’ માટે ‘એપી સેન્ટર’ બન્યા, વિપક્ષ લાલઘૂમ!
12 થી 4 કરવી પડશે આ કામગીરી
અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ.મલિક દ્વારા કરવામાં આવેલા આદેશ અનુસાર, ખાસ પોલીસ કમિશનર/સંયુક્ત પોલીસ કમિશનર/અધિક પોલીસ કમિશનર/નાયબ પોલીસ કમિશનર/મદદનીશ પોલીસ કમિશનરે દરરોજ બપોરે 12થી 4 વાગ્યાની વચ્ચે પોતાની કચેરીમાં આવતા મુલાકાતીઓને કચેરી ખાતે હાજર રહીને તેમની રજુઆત સાંભળવાની રહેશે.
મુલાકાતી પોતાની રજુઆત અંગે લેખિતમાં અરજી આપે તો તે અરજી સ્વીકારી તેના ઉપર જરૂરી કાયદેસરની કાર્યવાહી કરવાની રહેશે. અનિવાર્ય સંજોગોમાં કચેરીમાં તેઓ હાજર ના હોય તો તેઓની કચેરીના રીડર પો.સ.ઇ./અંગત મદદનીશએ અરજદારોને મળી અરજદારની રજુઆત સાંભળવાની રહેશે.
આપણ વાંચો: મુંબઈમાં ચાર નવા રેલવે પોલીસ સ્ટેશનોને મંજૂરી: વધતી ગુનાખોરીને નિયંત્રણમાં રાખવાનું લક્ષ્ય
4 થી 6 કરવું પડશે આ કામ
અમદાવાદ પોલીસ કમિશ્નર દ્વારા તમામ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટરને કેટલાક આદેશ કરવામાં આવ્યા છે. પોલીસ ઇન્સ્પેકટરે દરરોજ સાંજે 4થી 6 વાગ્યા સુધી પોતાના પોલીસ સ્ટેશનમાં હાજર રહીને મુલાકાત માટે આવતાં મુલાકાતીઓને મુલાકાત આપી તેઓની રજૂઆતો સાંભળવાની રહેશે.
આ ઉપરાંત પોલીસ ઈન્સ્પેક્ટરે દરરોજ સાંજે 6થી રાત્રે 9 વાગ્યા દરમિયાન પોતાના વિસ્તારમાં પેટ્રોલિંગ, વાહન ચેકીંગ, ગુન્હેગારોનું ચેકીંગ, નાસતા ફરતા આરોપીઓનું ચેકીંગ, હીસ્ટ્રીશીટરોનું ચેકીંગ જેવી કામગીરી પોલીસ સ્ટેશનથી બહાર નીકળી પોતાના વિસ્તારમાં કરવાની રહેશે. આ ઉપરાંત આ બાબતે નાયબ પોલીસ કમિશનરઓએ પોતાના તાબાના થાણા અમલદારની ઓચિંતી મુલાકાત લઇ ચેકીંગ કરવાનું રહેશે.