નવરાત્રિ 2025: અમદાવાદમાં ગરબા આયોજન માટે 84માંથી 29 અરજીને મંજૂરી | મુંબઈ સમાચાર
અમદાવાદ

નવરાત્રિ 2025: અમદાવાદમાં ગરબા આયોજન માટે 84માંથી 29 અરજીને મંજૂરી

ગરબાના સ્થળોએ ‘શી’ ટીમ અને સુરક્ષાનો સઘન બંદોબસ્ત, હજારો પોલીસ રહેશે ખડેપગે

અમદાવાદઃ આવતીકાલથી મા જગદંબાના નવલા નોરતાનો પ્રારંભ થઈ રહ્યો છે. ગુજરાતમાં અમદાવાદમાં પણ અનેક જગ્યાએ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદ શહેરમાં પણ ગરબાનું આયોજન કરવા પોલીસની મંજૂરી લેવા માટે 84 અરજી થઈ છે. આ 84 અરજીમાંથી અમદાવાદ પોલીસ દ્વારા માત્ર 29 અરજીને મંજૂરી આપવામાં આવી છે. જોકે, આ તપાસ ચાલી રહી છે. એટલા આવતીકાલે બપોરે 12 વાગ્યા સુધીમાં અન્ય ગરબા આયોજકોને પણ મંજૂરી આપવામાં આવી શકે છે. નવરાત્રિ દરમિયાન દરેક ગરબાના સ્થળ પર પોલીસ સતત પેટ્રોલિંગ કરશે.

ગરબાસ્થળે ‘શી’ ટીમની 49 જેટલી ટીમ કાર્યરત હશે

નવરાત્રિ અંગે વિગતો આપતા ડીસીપી રિમા મુન્શીએ જણાવ્યું હતું કે, તમામ ગરબા સ્થળે શી ટીમની 49 જેટલી ટીમો કાર્યરત હશે. 28 ગરબા ક્લાસમાં ત્રણ હજાર જેટલી મહિલાઓને પોલીસ દ્વારા સુરક્ષાની તાલીમ આપવામાં આવી હતી. પોલીસ ગરબા સ્થળ શાથે એસજી હાઈવે અને સિંધુભવન રોડ પર પણ ખાસ પેટ્રોલિંગ કરશે. નવરાત્રિ દરમિયાન જો કોઈ યુવતી સાથે છેડતી કરતુ ઝડપાશે તો તેના સામે કાર્યવાહી કરાશે. આ સાથે સાથે અમદાવાદમાં નવરાત્રિ મહોત્સવ દરમિયાન ગરબા આયોજકોને ખાસ સૂચનાઓ પણ આપવામાં આવી છે.

નવરાત્રિમાં ગરબા સ્થળોએ પોલીસ તૈનાત રહેશે

અમદાવાદ શહેરમાં મોટી સંખ્યામાં લોકો ગરબા રમવા માટે જતા હોય છે. આ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે છે માટે 15 ડીસીપી, 30 એસીપી, 160 પીઆઈ, 4 હજાર હોમગાર્ડ, 5 હજાર પોલીસ કર્મી, એસઆરપીની ત્રણ કંપની અને એક સ્પેશિયલ એન્ટી ફોર્સ લો એન્ડ ઓર્ડરની ટીમ પણ બંદોબસ્તની કામગીરીમાં કાર્યરત રહેશે. પોલીસ દ્વારા અસામાજિક તત્વોને નવરાત્રિ દરમિયાન કોઈ ધમાલ કે બબાલ ના કરવા ખાસ ચેતવણી આપવામાં આવી છે.

આ પણ વાંચો : નવરાત્રિ 2025: નવ દિવસ માટે આ છે શુભ રંગ, જાણો કયા દિવસે કયા રંગના કપડાં પહેરશો?

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button