અમદાવાદટોપ ન્યૂઝ

CRIME ALERT: અસામાજિક તત્ત્વોથી પરેશાન છો, નોંધી લો આ નંબર!

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે જાહેર કર્યો નાગરિકો માટે હેલ્પ લાઈન નંબર

અમદાવાદઃ અમદાવાદ સહિત રાજ્યના મહાનગરોમાં રોજેરોજ ગુનાઓમાં વધારો થઈ રહ્યો છે ત્યારે હવે અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે જાહેર જનતાને સોશિયલ મીડિયા મારફત તાકીદે મદદ કરવાનો નિર્ણય લીધો છે.

શહેરમાં કાયદા અને કાનૂનની સ્થિતિ કથળી છે. થોડા દિવસો પહેલા વસ્ત્રાલમાં લુખ્ખા તત્વોએ જાહેરમાં આતંક મચાવ્યો હતો. આ અંગેનો વીડિયો વાઇરલ થયા બાદ પોલીસ હરકતમાં આવી હતી. આતંક ફેલાવનારા તત્વોને પકડીને જાહેરમાં સરભરા કરી હતી. ઉપરાંત તેમના રહેણાંક મકાનો પર બુલડોઝર ફેરવી દીધું હતું.

અમદાવાદ પોલીસે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને લખ્યું, શહેરમાં આપનાં રહેણાકની આજુબાજુમાં, વ્યવસાય, નોકરીના સ્થળની આજુબાજુમાં કે અન્ય કોઈપણ જાહેર સ્થળોએ ભય ફેલાવનાર, દાદાગીરી કરનારા કે અન્ય કોઈ પણ પ્રકારના ગેરકાયદે કૃત્ય કરનાર અસામાજિક ઇસમો સામે ખાસ ઝુંબેશ શરૂ કરી છે.

આપણ વાંચો: અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ગેરકાયદે રહેતા 50 બાંગ્લાદેશીઓને ઝડપ્યા, 15ને ડિપોર્ટ કર્યા

જેમાં અસામાજિક તત્ત્વો પર અંકુશ લાવવા ઈનામી પ્રયોગ હાથ ધર્યો છે, જે હેઠળ પોલીસ દ્વારા એક વોટ્સએપ નંબર 63596 25365 જાહેર કરવામાં આવ્યો હતો. આ નંબરનો ઉપયોગ કરી અસામાજિક તત્ત્વોની માહિતી આપવા માટે નાગરિકોને અપીલ કરવામાં આવી હતી.

અમદાવાદમાં સક્રિય 10 ગેંગની યાદી તૈયાર

અમદાવાદમાં સક્રિય હોય તેવી 10 જેટલી ગેંગની યાદી તૈયાર કરી છે. જેમાં ઘાટલોડિયા, વાડજ, ખોખરા, અમરાઇવાડી, જુહાપુરા, નારોલ, વટવા સહિતના વિસ્તારોમાં સક્રિય હોય તેવી ગેંગનો સમાવેશ થાય છે. વેપારીઓ પાસે ખંડણી માંગવી, ડ્રગ્સના નેટવર્ક ચલાવવા, જમીન સહિતની મિલકતો હડપ કરવી, લૂંટ કરવાના ગુનામાં સંડોવાયેલી ગેંગનો સમાવેશ થાય છે.

ઉપરોક્ત વિવિધ ગેંગ વિરૂદ્ધ શહેરના અનેક પોલીસ સ્ટેશન ઉપરાંત, રાજ્યના અન્ય પોલીસ સ્ટેશનોમાં પણ ગુના નોંધાયેલા છે. ગુનાની ગંભીરતાને આધારે પોલીસ દ્વારા કેટલાંક તત્ત્વો વિરૂદ્ધ ‘ગુજસીટોક’ના ગુના પણ નોંધાઇ શકે છે.

શહેરમાં 500 કરતા વધુ શરીર સંબંધી ગુનેગારો અને 400 કરતા વધુ પ્રોહિબિશનના લિસ્ટેડ બૂટલેગરના નામની યાદી તૈયાર કરવામાં આવી હોવાનું પોલીસ બેડામાં ચર્ચાઇ રહ્યું છે. 1100 કરતા વધુ આરોપી વિરૂદ્ધ શહેર પોલીસ કડક હાથે કામગીરી કરશે, જેમાં ચોરી, લૂંટ, ડ્રગ્સ, ગેંગવોર અથવા અન્ય ગંભીર અપરાધોમાં સામેલ લોકોનો સમાવેશ થાય છે.

અમદાવાદમાં બનેલા વિવિધ બનાવો પર એક નજર

અમદાવાદ શહેરમાં એક યુવક દ્વારા ઉઘાડી તલવાર સાથે પોલીસને ધમકી આપતો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં ચકચાર મચી ગઈ હતી. હાથમાં તલવાર સાથે ધમકાવતો યુવક આ વીડિયોમાં પોલીસ દ્વારા હપ્તા ઉઘરાવવામાં આવતા હોવાની વાતનો પણ ઉલ્લેખ કરી રહ્યો હતો. આ વીડિયો દ્વારા પોલીસને સીધો પડકાર ફેંકવામાં આવ્યો હતો

આપણ વાંચો: ખ્યાતિ કાંડઃ ડાયરેક્ટર કાર્તિક પટેલને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે એરપોર્ટ પરથી ઝડપ્યો, થશે અનેક ખુલાસા

વાસણા વિસ્તારમાં રહેતા અને દૂધનો વ્યવસાય કરતાં એક વેપારીની દુકાને 12 માર્ચના રોજ સવારે રિક્ષામાં ત્રણ માથાભારે યુવકો આવ્યા હતા. તેમણે કોઇ કારણ વિના ધમકી આપીને દૂધના કેરેટ નીચે પાડીને છરીથી હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો.

શહેરના બહેરામપુરા વિસ્તારમાં રહેતા એક યુવક સાથે કોઇ અંગત કારણસર તકરાર કરીને એક માથાભારે યુવકે તેને ગળા, કમર અને આંખના ભાગે છરીના ઘા ઝીંકીને જીવલેણ હુમલો કર્યો હતો.

5 માર્ચના રોજ સાંજના સમયે સરદાર બ્રિજ સ્મશાન ગૃહ પાસે પ્રકાશ નામના એક માથાભારે શખસે ગળા, આંખ, કમર અને પીઠ પર છરીના અનેક ઘા ઝીંકીને ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. આ બનાવ બાદ 108 એમ્બ્યુલન્સમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઇ જવાયો હતો. જ્યા તબીબોએ તેની સારવાર કરી હતી. પરંતુ, તેની ડાબી આંખમા છરીનો ઘા લાગતા તેને આંખ ગુમાવવાનો વારો આવ્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button