
અમદાવાદઃ અમદાવાદ પ્લેન ક્રેશની દુર્ઘટનામાં કુલ 260 લોકોના મોત થયાં હતાં. વિમાનમાં બેઠેલા તમામ લોકોનું મોત થયું હતું. માત્ર એક જ મુસાફર આ દુર્ઘટનામાં બચી ગયો તો. આ વ્યક્તિનું નામ વિશ્વાસ કુમાર રમેશ છે. વિશ્વાસ કુમાર રમેશને સૌથી ભાગ્યશાલી વ્યક્તિ ગણવામાં આવી રહ્યો છે. એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટનાને એક મહિનો થઈ ગયો છે. 12 જૂનના રોજ, અમદાવાદથી લંડન ગેટવિક જતું એર ઇન્ડિયાનું બોઇંગ 787-8 વિમાન ટેકઓફ થયા પછી તરત જ મેડિકલ હોસ્ટેલ કોમ્પ્લેક્સ સાથે અથડાયું હતું. આ ભયાનક અકસ્માતમાં 241 મુસાફરો અને ક્રૂ સભ્યો સહિત 260 લોકોનાં મોત થયા હતા. આ અકસ્માતમાં ફક્ત એક જ મુસાફર બચી ગયો હતો.
રમેશ હજી તે ભયંકર આઘાતમાંથી બહાર નથી આવી શક્યો
ભારતીય મૂળના બ્રિટિશ નાગરિક 40 વર્ષીય વિશ્વાસ એકમાત્ર મુસાફર હતો જે બચી ગયો હતો. જેથી ઘણા લોકોનું એવું માનવું છે કે, 12મી જૂને અમદાવાદમાં એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટનામાં બચી ગયેલા એકમાત્ર વ્યક્તિ વિશ્વાસ કુમાર રમેશ સૌથી ભાગ્યશાળી છે, પરંતુ હાલમાં તે આ ભયંકર આઘાતમાંથી બહાર આવવા માટે સંઘર્ષ કરી રહ્યો છે. તેનું સ્વાસ્થ્ય બગડી રહ્યું છે. તેવું તેના પિતરાઈ ભાઈનું કહેવું છે.

અત્યારે રમેશ મનોચિકિત્સકની મદદ લઈ રહ્યો છે
રમેશના પિતરાઈ ભાઈએ જણાવ્યું કે, હવે તે દીવમાં રહી રહ્યો છે અને આ પીડાદાયક અનુભવમાંથી બહાર આવવા માટે મનોચિકિત્સકની મદદ લઈ રહ્યો છે. વધુમાં સનીએ જણાવ્યું કે, અકસ્માતના દ્રશ્ય, ચમત્કારિક રીતે બચી જવાનું અને તેના ભાઈના મૃત્યુનું ભયાનક ચિત્ર હજુ પણ તેને પરેશાન કરે છે. વિદેશમાં રહેતા અમારા સંબંધીઓ સહિત ઘણા લોકો અમને વિશ્વાસની સ્થિતિ જાણવા માટે ફોન કરે છે, પરંતુ તે કોઈની સાથે વાત કરતો નથી. તે હજુ પણ અકસ્માત અને તેના ભાઈના મૃત્યુના માનસિક આઘાતમાંથી બહાર આવી શક્યો નથી. હજી પણ વિશ્વાસ કુમાર રમેશને આ દ્રશ્યો સપનામાં પરેશાન કરે છે.
17મી જૂને રમેશને સિવિલમાંથી રજા આપી દેવામાં આવી હતી
વિશ્વાસ કુમાર રમેશ અડધી રાત્રે જાણી ગયા છે અને પછી તેને ઊંઘ જ નથી આવતી. અમે અત્યારે તેને મનોચિકિત્સક પાસે સારવાર માટે લઈ જઈએ છીએ. હજુ સુધી તેણે લંડન જવાનું નથી વિચાર્યું, કારણ તેની અહીં તેની સારવાર શરૂ કરવામાં આવી છે. અકસ્માત થયો તે બાદ દરેક લોકોને સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામા આવ્યાં છે. રમેશને 17મી જૂને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી હતી, અને તે જ દિવસ તેના ભાઈ અજયના મૃતદેહને પણ પરિવારને સોંપવામાં આવ્યો હતો. જેના કારણે તેની હાલત હજી પણ ખરાબ છે. આ સ્થિતિમાંથી બહાર આવતા તેને સમય પણ લાગી શકે છે.