અમદાવાદ પ્લેન ક્રેશ મુદ્દે હવે આ બાબતે પણ કરવામાં આવશે તપાસ, એજન્સી એલર્ટ…
તપાસ રિપોર્ટ અગિયારમી જુલાઈ સુધી રજૂ થઈ શકે

અમદાવાદ: ગત મહિને અમદાવાદમાં સર્જાયેલી વિમાન દુર્ઘટનાને કોઈ ભૂલાવી શકે તેમ નથી. આ દુર્ઘટનાને લઈને નિષ્ણાતો જુદાજુદા અનુમાનો લગાવી રહ્યા છે. સાથોસાથ કેટલાક પ્રશ્નો પણ ઊભા થયા છે. આ દુર્ઘટનાની ષડયંત્રના એન્ગલથી પણ તપાસ કરવામાં આવી રહી છે. આ તપાસ શા માટે જરૂરી છે? આવો જાણીએ.
જીપીએસ સ્પૂફિંગને કારણે થઈ શકે છે દુર્ઘટના
સાયબર હુમલાના કારણે વિમાનની નેવિગેશન સીસ્ટમમાં ખોટા સિગ્નલ મોકલવામાં આવે છે. જેને જીપીએસ સ્પૂફિંગ તરીકે ઓળખવામાં આવે છે. જીપીએસ સ્પૂફિંગના કારણે વિમાન પોતાનો રસ્તો ભૂલી શકે છે. સાથોસાથ હવામાં અથવા રન વે પર દુર્ઘટના પણ ઘટી શકે છે. ઇન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસોશિએશન પાસેથી મળતી માહિતી મુજબ 2023થી 2024 સુધીમાં જીપીએસ સ્પૂફિંગની ઘટનાઓમાં 500 ટકાનો અને સિગ્નલ જામ થવાની ઘટનામાં 175 ટકાનો વધારો થયો છે. 2024માં સમગ્ર વિશ્વમાંથી 4.3 લાખ વખત સેટેલાઈટ સિગ્નલમાં ખામી અથવા સ્પૂફિંગની ફરિયાદ આવી હતી. જે 2023માં આવેલ 2.6 લાખ ફરિયાદની સરખામણીમાં 62 ટકા વધારે છે. જોકે પ્લેન ક્રેશ મુદ્દે પ્રાથમિક અહેવાલ કદાચ અગિયારમી જુલાઈ સુધી રજૂ થઈ શકે છે. ચારથી પાંચ પાનાના આ અહેવાલમાં એર ઇન્ડિયાના દુર્ઘટના મુદ્દે શરુઆતી આંકલન રજૂ કરવામાં આવશે.
ભારતની સરહદ પર પણ જોવા મળ્યું જીપીએસ સ્પૂફિંગ
ઇન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસોશિએશનના જણાવ્યાનુસાર, વૈશ્વિક યુદ્ધોએ જીપીએસ સ્પૂફિંગને પ્રોત્સાહન આપ્યું છે. મિસ્ર, લેબનોન, કાળો સાગર અને રશિયા-એસ્ટોનિયા-લાતવિયાની સરહદ પર આવું થવું સામાન્ય છે. ભારત-પાકિસ્તાનની સરહદ પર લાહોરની આસપાસ પણ જીપીએસ સ્પૂફિંગ જોવા મળ્યું છે. જીપીએસ સ્પૂફિંગ સિવાય એવિએશન ઇન્ડસ્ટ્રીના રેન્સમવેર, અનધિકૃત પ્રવેશ અને ઓળખ ચોરી જેવા સાયબર હુમલાઓનો સામનો પણ કરવો પડી રહ્યો છે.અમેરિકાની ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશનનું કહેવું છે કે, જીપીએસ જામિંગ અથવા સ્પૂફિંગને કારણે ઘણીવાર વિમાનને રસ્તો બદલવો પડે છે અથવા ડાયવર્ટ કરવામાં આવે છે. આવી ઘટનાઓની ફરિયાદ માટે FAA દ્વારા એક વેબસાઈટ પણ બનાવવામાં આવી છે.
છેલ્લા 4 મહિનામાં 2 વખત થયું જીપીએસ સ્પૂફિંગ
ઉલ્લેખનીય છે કે, નવેમ્બર 2023થી ફેબ્રુઆરી 2025 સુધી ભારતના સરહદી વિસ્તારોમાં એમાં પણ ખાસ કરીને અમૃતસર અને જમ્મુની પાસે લગભગ 465 વખત જીપીએસ સ્પૂફિંગની ઘટના ઘટી ચૂકી છે. જૂન મહિનામાં દિલ્હી-જમ્મુની એક ઈન્ડિયા વિમાનને જીપીએસમાં ગરબડની આશંકાને લઈને દિલ્હી પરત ફરવું પડ્યું હતું. એપ્રિલ મહિનામાં પણ મ્યાનમાર પર ઑપરેશન બ્રહ્મા રિલીફ મિશન દરમિયાન ભારતીય વાયુસેનાના C-130J વિમાનને જીપીએસ સ્પૂફિંગનો સામનો કરવો પડ્યો હતો. આમ જીપીએસ સ્પૂફિંગ એક ગંભીર બાબત છે. તેના પર નિયંત્રણ જરૂરી છે. અમદાવાદ વિમાન દુર્ઘટનામાં જીપીએસ સ્પૂફિંગનું કોઈ કનેક્શન હતું કે કેમ? એ તપાસના અંતે ખબર પડશે.
જોકે પ્લેન ક્રેશ મુદ્દે પ્રાથમિક અહેવાલ કદાચ અગિયારમી જુલાઈ સુધી રજૂ થઈ શકે છે. ચારથી પાંચ પાનાના આ અહેવાલમાં એર ઇન્ડિયાના દુર્ઘટના મુદ્દે શરુઆતી આંકલન રજૂ કરવામાં આવશે.
આપણ વાંચો : અમદાવાદ વિમાન દુર્ઘટનાઃ પીડિત પરિવારો એર ઈન્ડિયા અને બોઈંગ સામે કોર્ટમાં જશે? લૉ ફર્મ સાથે શરૂ કરી વાતચીત…