
નવી દિલ્હી: અમદાવાદ વિમાન દુર્ઘટનાને દોઢ મહિના જેટલો સમય થઈ ગયો છે. તમામ મૃતકોના મૃતદેહ તેમના પરિવારજનોને સોંપી દેવામાં આવ્યા છે. પરંતુ આંતરરાષ્ટ્રીય મીડિયા મારફતે તાજેતરમાં એક મોટી વાત સામે આવી છે. વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લંડનના મૃતકના પરિવારજનોને અન્ય કોઈ વ્યક્તિનો મૃતદેહ સોંપવામાં આવ્યો છે. જેને લઈને ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ જવાબ આપ્યો છે.
ડેઇલી મેલના અહેવાલથી વિવાદ
તાજેતરમાં ડેઇલી મેલ દ્વારા એક અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો. જેમાં જણાવ્યું હતું કે, લંડનના એક પરિવારને મૃતકોના અવશેષ બીજા મૃતકના અવશેષો સામે ભેગા કરેલા મળ્યા છે. પીડિત પરિવારોએ આરોપ લગાવ્યો હતો કે, દુર્ઘટના બાદ મૃતકોના ડીએનએ સરખી રીતે મેચ કરવામાં આવ્યા ન હતા. જેથી અન્ય કોઈનો મૃતદેહ યુકે પહોંચ્યો છે. અહેવાલ અનુસાર, ઘણા બ્રિટિશ નાગરિકોના મૃતદેહનો અંતિમસંસ્કાર ભારતમાં જ કરવામાં આવ્યા છે, જ્યારે 12 યાત્રીઓના મૃતદેહ બ્રિટન મોકલવામાં આવ્યા હતા.
ભારતના વિદેશ મંત્રાલયે આપ્યો જવાબ
ડેઇલી મેલના આ અહેવારને લઈને ભારતના વિદેશ મંત્રાલય દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે એક્સ પર પોસ્ટ કરીને જણાવ્યું કે, “અમે અહેવાલ જોયો છે અને જ્યારથી આ ચિંતાઓ અને મુદ્દા અમારા ધ્યાનમાં આવ્યા છે. અમે બ્રિટિશ પક્ષ સાથે મળીને કામ કરી રહ્યા છીએ. આ દુ:ખદ દુર્ઘટના બાદ સંબંધિત અધિકારીઓ દ્વારા સ્થાપિત પ્રોટોકોલ અને ટેક્નિકલ જરૂરિયાત અનુસાર પીડિતોની ઓળખ કરવામાં આવી હતી. દરેક નશ્વર અવશેષોને યોગ્ય રીતે મૃતકોની ગરિમાનું ધ્યાન રાખીને સાચવવામાં આવ્યા હતા. આ મુદ્દા સાથે સંબંધિત કોઈ પણ સમસ્યાનું સમાધાન કરવા માટે બ્રિટિશ અધિકારીઓ સાથે મળીને કામ કરી રહ્યા છીએ.

મૃતકોના પરિવારજનોએ કરી તપાસની માંગ
અમદાવાદ દુર્ઘટનામાં મૃત્યુ પામનાર લંડનના મૃતકોના પરિવારજનોના વકીલે જણાવ્યું કે, “અમદાવાદ દુર્ઘટના બાદ યાત્રીઓના મૃતદેહો કેવી રીતે શોધવામાં આવ્યા અને તેની ઓળખાણ કેવી રીતે કરવામાં આવી? એની માહિતી મેળવવાનો અમે પ્રયાસ કરી રહ્યા છીએ. પીડિત પરિવારોએ આ અંગે તપાસની માંગ કરી છે.”
વિમાનમાં સવાર હતા 53 બ્રિટિશર્સ
ઉલ્લેખનીય છે કે, 12 જૂન 2025ના રોજ અમદાવાદ એરપોર્ટ ખાતેથી લંડન જવા માટે એર ઈન્ડિયાની એઆઈ-171 નામની ફ્લાઈટ ટેક-ઓફ થઈ હતી. વિમાનમાં 169 ભારતીય, 53 બ્રિટિશ, 7 પોર્ટુગીઝ અને 1 કેનેડાનો નાગરિક યાત્રા કરી રહ્યો હતો. પરંતુ ટેક-ઓફ થયાની થોડી ક્ષણો બાદ પ્લેન ક્રેશ થયું હતું. જેમાં 260 લોકોનું મૃત્યુ નિપજ્યું હતું.