અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસ મુદ્દે કેન્દ્રીય મંત્રીનું મોટું નિવેદન; નવા એરપોર્ટના નિયમો અંગે કરી સ્પષ્ટતા

વિશાખાપટ્ટનમઃ અમદાવાદમાં થયેલી એર ઇન્ડિયા વિમાન દુર્ઘટના અંગે કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુએ જણાવ્યું હતું કે આ કેસની તપાસ ઘણા દેશોની ભાગીદારી સાથે સંપૂર્ણ અને ઉચ્ચ પ્રોફેશનલ રીતે પોતાની ગતિએ આગળ વધી રહી છે. અમદાવાદ એર ઇન્ડિયા વિમાન દુર્ઘટના અંગે તેમણે કહ્યું કે તમામ સંબંધિત દેશો તપાસમાં ભાગ લઈ રહ્યા છે અને અકસ્માત તપાસમાં વૈશ્વિક અને આંતરરાષ્ટ્રીય ધોરણોનું પાલન કરવું મહત્વપૂર્ણ છે. આ અમારા માટે પ્રાથમિકતા રહી છે અને અમે આ સંદર્ભમાં ખૂબ જ સારું કામ કરી રહ્યા છીએ. મંત્રાલયથી લઈને તપાસ ટીમ સુધી અમે સંસાધનોની કોઈ અછત ન રહે તે સુનિશ્ચિત કરવા માટે તમામ જરૂરી સહાય પૂરી પાડી રહ્યા છીએ.”
તેમણે કહ્યું હતું કે ‘150 કિમી હવાઈ અંતર’નો નિયમ જે તે ત્રિજ્યામાં ગ્રીનફિલ્ડ એરપોર્ટના નિર્માણ પર પ્રતિબંધ મુકે છે. પરંતુ જો હાલના એરપોર્ટની ક્ષમતા પૂર્ણ થઈ ગઈ હોય તો હવે તે લાગુ થશે નહીં. વિશાખાપટ્ટનમ પાસે ભોગપુરમ એરપોર્ટ પર એક વેલિડેશન ફ્લાઈટમાંથી ઉતર્યા બાદ મીડિયા સાથે વાત કરતા મંત્રીએ કહ્યું હતું કે નાગરિક ઉડ્ડયન મંત્રાલય રાજ્યોને વધતી માંગને પહોંચી વળવા માટે મેટ્રો શહેરોમાં બીજા એરપોર્ટ વિકસાવવા માટે પણ પ્રોત્સાહિત કરી રહ્યું છે.
આ પણ વાંચો : અમદાવાદ વિમાન દુર્ઘટનાઃ 10 ગુજરાતી પરિવારોનાં UKના આશિયાના તૂટ્યા
જેવરમાં નોઇડા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ તમામ જરૂરી લાઇસન્સિંગ મંજૂરીઓ પૂર્ણ કરવાની નજીક છે અને સરકાર આ મહિનાના અંતમાં અથવા ફેબ્રુઆરીની શરૂઆતમાં તેનું ઉદ્ઘાટન કરવાનું લક્ષ્ય ધરાવે છે. નાયડુએ કહ્યું હતું કે જ્યારે 150 કિલોમીટરના અંતરની નીતિ વાત આવે છે ત્યારે તે એક એવી નીતિ છે જે એરપોર્ટ વિકાસની શરૂઆતનું માર્ગદર્શન આપે છે. એકવાર સંપૂર્ણ ક્ષમતા પૂર્ણ થઈ ગયા બાદ આ નિયમ લાગુ પડતી નથી. રાજ્ય પાસે બીજા એરપોર્ટની વ્યવસ્થા કરવાની તક હોય છે.
તેથી આ નીતિ પ્રથમ એરપોર્ટની કાર્યકારી સ્થિરતા સુનિશ્ચિત કરે છે પરંતુ એકવાર ક્ષમતા પૂર્ણ થઈ ગયા બાદ આ બીજા એરપોર્ટના વિકાસને પ્રતિબંધિત કરતી નથી.” હાલના નિયમો અનુસાર, હાલના નાગરિક એરપોર્ટથી 150 કિલોમીટરના હવાઈ અંતરમાં કોઈ ગ્રીનફિલ્ડ એરપોર્ટની મંજૂરી નથી. જોકે, જો હાલના નાગરિક એરપોર્ટથી 150 કિલોમીટરની અંદર ગ્રીનફિલ્ડ એરપોર્ટ પ્રસ્તાવિત કરવામાં આવે છે, તો હાલના એરપોર્ટ પર તેની અસર કેસ-બાય-કેસ આધારે તપાસવામાં આવે છે.
આ પણ વાંચો : AAIB રિપોર્ટ સામે પાયલટના પિતાની સુપ્રીમ કોર્ટમાં અરજી, અમદાવાદ વિમાન દુર્ઘટનાની નિષ્પક્ષ તપાસની કરી માંગ
મંત્રીએ કહ્યું કે માત્ર વર્તમાન કામગીરી માટે જ નહીં પરંતુ ભવિષ્યની જરૂરિયાતો માટે પણ એરપોર્ટ બનાવવા માટે એક સંકલિત પ્રયાસ કરવામાં આવ્યો છે, ખાસ કરીને ટાયર-2 અને ટાયર-3 શહેરો, ટાપુ પ્રદેશો અને ઉત્તરપૂર્વીય રાજ્યોમાં.
આંકડા ટાંકીને નાયડુએ કહ્યું હતું કે ભારત જેટલી વસ્તી ધરાવતું ચીન લગભગ 4,000 વિમાન ઓપરેટ કરે છે. ભોગાપુરમ એરપોર્ટના ઉદ્ઘાટન અંગેના પ્રશ્નના જવાબમાં નાયડુએ કહ્યું કે તે મે અથવા જૂનમાં થઈ શકે છે અને આંધ્ર પ્રદેશ સરકાર આ કાર્યક્રમ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તારીખ લેવાનો પ્રયાસ કરી રહી છે.
આ પણ વાંચો : અમદાવાદ વિમાન દુર્ઘટના માટે કોણ જવાબદાર? મૃતકોના પરિવારોએ કંપનીઓ વિરુદ્ધ કેસ દાખલ કર્યો
અમરાવતી ખાતે નવા ગ્રીનફિલ્ડ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ માટેના આંધ્ર પ્રદેશના મુખ્ય પ્રધાન એન ચંદ્રબાબુ નાયડુના પ્રસ્તાવ અંગે ઉડ્ડયન મંત્રીએ કહ્યું કે તે રાજ્ય માટે વિશ્વ-સ્તરીય, ભવિષ્યવાદી અને ટેક-સેવી રાજધાની બનાવવાના મુખ્યપ્રધાનના વિઝનને પ્રતિબિંબિત કરે છે.



