અમદાવાદ પ્લેન ક્રેશ: વિદેશી અખબારના દાવા પર વિવાદ, પાઈલટ યુનિયન ભડ્ક્યું

અમદાવાદ: એર ઈન્ડિયાની બોઈંગ 787 ડ્રીમલાઈનર વિમાન 12 જૂનના શહેરના મેઘાણીનગરમાં પડી ભાગ્યું હતું. આ ભયાવહ દુર્ઘટનામાં 260 લોકોના મોત નિપજ્યા હતા. તપાસમાં જાણવા મળ્યું હતું કે આ ઘટના ફ્યૂલ સ્વીચ બંધ થઈ જવાને કારણે બની હતી. આ ઘટના પર વોલ સ્ટ્રીટ જર્નલે ચોંકાવનારો દાવો માંડ્યો છે.
એર ઈન્ડિયા ફ્લાઈટ 171, જે લંડન જઈ રહી હતી, ટેકઓફના 30 સેકન્ડમાં જ ક્રેશ થઈ. AAIBના પ્રારંભિક રિપોર્ટ મુજબ, ટેકઓફ બાદ ઈંધણ સ્વીચ એક સેકન્ડના અંતરે ‘રન’થી ‘કટઓફ’ પોઝિશનમાં ગઈ, જેનાથી એન્જિનને ઈંધણ મળવાનું બંધ થયું. વોલ સ્ટ્રીટ જર્નલના અહેવાલ પ્રમાણે કોકપિટ વૉઈસ રેકોર્ડરમાં જે પાયલટની વાતચીત રેકોર્ડ થઈ હતી તેમાં કુંદરે સભરવાલને સવાલ કર્યો હતો. જેના પર સભરવાલ શાંત સંભળાયા હતા. જ્યારે પ્રશ્ન કરતી વખતે કુંદરનો અવાજ ગભરાયેલો હતો. આ જ વાતચીત પરથી અમેરિકન અખબાર વોલ સ્ટ્રીટ જર્નલ (WSJ) એ પોતાના અહેવાલમાં જણાવ્યું છે કે વિમાનના કેપ્ટન સુમિત સભરવાલે એન્જિનને ફ્યૂલ સ્વીચ બંધ કરી હતી.
આ પણ વાંચો: એકસ્ટ્રા અફેર: અમદાવાદ પ્લેન ક્રેશ, પાઇલટ્સને બલિના બકરા બનાવાશે?
ઉલ્લેખનીય છે કે કેપ્ટન સુમિત સભરવાલ (56), જેમની પાસે 15,638 કલાકનો હવાઈ ઉડાનનો અનુભવ હતો, જ્યારે ફર્સ્ટ ઓફિસર ક્લાઈવ કુંદર (32), જેમની પાસે 3,403 કલાકનો અનુભવ હતો. તપાસમાં હજુ સ્પષ્ટ થયું નથી કે સ્વીચ કેવી રીતે બંધ થઈ. એર ઈન્ડિયા, બોઈંગ અને DGCAએ આ અંગે ટિપ્પણી કરવાનો ઈનકાર કર્યો છે. ઉલ્લેખનીય છે કે ક્રેશ સ્થળે ઈંધણ સ્વીચ ‘રન’ પોઝિશનમાં મળી હતી, અને એક એન્જિન ફરી ચાલુ થવાના સંકેત પણ મળ્યા હતા, પરંતુ ઓછી ઊંચાઈને કારણે વિમાન બચી શક્યું નહીં.
પાઈલટ યુનિયનનું નિવેદન
‘ભારતીય પાઈલટ સંગઠન ફેડરેશન ઓફ ઈન્ડિયા પાઈલટ્સ’એ પાઈલોટ પ્રતિનિધિઓને તપાસ પ્રક્રિયામાંથી બહાર રાખવાને લઈને અસંતોષ વ્યક્ત કર્યો હતો. આ ઉપરાંત મીડિયા સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે, પ્રારંભિક રિપોર્ટ સામે આવ્યો છે તે પૂર્ણ તપાસ અને નિષ્પક્ષ નથી. રિપોર્ટમાં માત્ર કોકપિટ ઓડિયોને તોડી મરોડીને પાઈલટની ક્ષમતા અને ઈરાદા પર સવાલ ઉઠાવવામાં આવ્યો છે. જે સંપૂર્ણ રીતે અયોગ્ય છે.