અમદાવાદ પ્લેન ક્રેશ: AAIBએ દુર્ઘટનાનો પ્રાથમિક રિપોર્ટ નાગરિક ઉડ્ડયન મંત્રાલયને સોંપ્યો

અમદાવાદ: 12 જૂન, 2025ના રોજ બનેલી એર ઈન્ડિયાની ફ્લાઈટ AI171ની ભયાવહ દુર્ઘટના થવા પાછળનું કારણ જાણવા માટે તપાસ યથાવત્ છે. પ્લેન ક્રેશની દુર્ઘટના મામલે ચાલી રહેલી તપાસનો પ્રાથમિક રિપોર્ટ નાગરિક ઉડ્ડયન મંત્રાલય સમક્ષ રજૂ કરવામાં આવ્યો હોવાના અહેવાલ મળ્યા છે. એરક્રાફ્ટ એક્સિડન્ટ ઈન્વેસ્ટિગેશન બ્યૂરો (AAIB)એ આ દુર્ઘટનાનો પ્રાથમિક રિપોર્ટ નાગરિક ઉડ્ડયન મંત્રાલયને સોંપ્યો છે. આ ઘટનામાં 260 લોકોએ જીવ ગુમાવ્યા હતા, જે ભારતની સૌથી ગંભીર હવાઈ દુર્ઘટનાઓમાંની એક છે.
12 જૂનના બપોરે 1:38 વાગ્યે, અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી લંડન ગેટવિક જતી એર ઈન્ડિયાની ફ્લાઈટ AI171એ ઉડાન ભરી. માત્ર 32 સેકન્ડ બાદ, બપોરે 1:39 વાગ્યે, બોઈંગ 787-8 ડ્રીમલાઈનર મેઘાણીનગર વિસ્તારમાં બી.જે. મેડિકલ કોલેજની હોસ્ટેલની ઈમારત સાથે અથડાઈને ધડાકાભેર ક્રેશ થયું. આ દુર્ઘટનામાં વિમાનમાં સવાર 241 મુસાફરો અને ક્રૂ સભ્યોના મોત થયા, જ્યારે એક બ્રિટિશ-ભારતીય મુસાફર વિશ્વાશકુમાર રમેશ આબાદ બચ્યા. જમીન પર 19 લોકોનાં પણ મોત થયા.
પ્રાથમિક રિપોર્ટમાં ફ્લાઈટની અંતિમ ક્ષણો, પાઈલટની કોકપિટ વાતચીત, વિમાનની સિસ્ટમ્સ, હવામાન અને એર ટ્રાફિક કંટ્રોલ સંચારની વિગતો સામેલ છે. બ્લેક બોક્સ, જેમાં ફ્લાઈટ ડેટા રેકોર્ડર (FDR) અને કોકપિટ વોઈસ રેકોર્ડર (CVR)નો સમાવેશ થાય છે, 13 અને 16 જૂને મળી આવ્યા હતા. આ રેકોર્ડર્સના ડેટાને ડીકોડ કરવાનું કામ દિલ્હીની AAIB લેબમાં ચાલી રહ્યું છે, જેમાં બોઈંગ, GE અને આંતરરાષ્ટ્રીય તપાસકર્તાઓની મદદ લેવામાં આવી રહી છે.
દુર્ઘટનામાં બંને એન્જિનની નિષ્ફળતા, હાઈડ્રોલિક સિસ્ટમની ખામી અને સંભવિત સબોગેજ સહિતના તમામ પાસાઓની ઝીંણવટથી તપાસ થઈ રહી છે. નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુએ જણાવ્યું કે આ રિપોર્ટ તપાસની દિશા નક્કી કરશે.
આ પણ વાંચો…અમદાવાદ પ્લેન ક્રેશના છ મૃતકોના પરિવારોએ ફરીથી અંતિમ સંસ્કાર કરવા પડશે, જાણો વિગતો…