અમદાવાદ

શેઠની શિખામણ ઝાંપા લગીઃ હર્ષ સંઘવીની સૂફિયાણી વાતોને ઘોળીને પોલીસે મહિલાને ફટકારી, વીડિયો વાયરલ

અમદાવાદઃ ગુજરાત પોલીસ સામાન્ય લોકો સાથે ખરાબ વર્તન કરતી હોય તેઓ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. વીડિયો પ્રમાણે પાલડી વિસ્તારમાં પોલીસ કર્મચારીએ એક મહિલાને લાફો માર્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. પોલીસના આવા બેદરકારી ભર્યા વર્તન સામે પણ કાર્યવાહીના નામે માત્ર કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવામાં આવે છે. જો કે, પહેલા પોલીસ દ્વારા ફરિયાદ નોંધવાની ના પાડી દીધી હતી અને મહિલા સામે જ કાર્યવાહી કરવામાં આવશે તેવી ધમકી પણ આપવામાં આવી હતી. ચાલો જોઈએ શું છે આ સમગ્ર મામલો…

ગુસ્સે થયેલા પોલીસ કર્મચારીએ મહિલાને લાફો મારી દીધો

ઘટનાની વાત કરવામિાં આવે તો, પાલડી વિસ્તારમાં પોલીસ કર્મચારી દ્વારા એક મહિલાની એક્ટિવાને રોકવામાં આવે છે અને તેની પાસે લાયસન્સ માંગવામાં આવે છે. આ દરમિયાન મહિલાએ શાંત રહેવા માટે કહ્યું ત્યારે પોલીસ કર્મચારીએ પોતાનું પોલીસ આઈડી કાર્ડ બતાવ્યું હતું. મહિલાએ આ કાર્ડ જોઈને પાછું આપ્યું ત્યારે અજાણતા તે કાર્ડ નીચે પડી ગયું હતું. જેથી પોલીસ કર્મચારી ગુસ્સામાં આવ્યો અને કહ્યું કે આઈડી નીચે કેમ ફેક્યું! તે ઉપાડીને મને પાછું આપ! ત્યારે બાદ ગુસ્સે થયેલા પોલીસ કર્મચારીએ મહિલાને લાફો મારી દીધો હતો. જેના કારણે મહિલાને એક આંખમાંથી લોહી આવવા લાગ્યું, એક ભાગ સુજાઈ ગયો અને દાંત-કાનમાં પણ દર્દ શરૂ થયો હોવાનું મહિલાએ જણાવ્યું હતું.

શું પોલીસ કર્મચારી સામે પોલીસ ફરિયાદ નોંધાતી?

હવે ચોંકાવનારી વાત એ છે કે, પોલીસના આ બેદરકારીભર્યા વર્તનના કારણે 112માં ફોન કર્યો હતો. આ દરમિયાન તે પોલીસ કર્મચારીએ એવું કહ્યું કે, હું પાલડી પોલીસ સ્ટેશનમાં જ છું, મારી સામે કોઈ ફરિયાદ નહીં નોંધાય! કોઈ પોલીસ બીજા પોલીસ કર્મચારી સામે ફરિયાદ નોંધે જ નહીં! પ્રશ્ન એ પણ થાય છે કે શું કોઈ પોલીસ કર્મચારી ગુનો કરે છે તો તેના સામે પોલીસ કાર્યવાહી નથી કરતી? શું કાયદા માત્ર સામાન્ય લોકો માટે જ બનાવવામાં આવ્યાં છે. આવી સ્થિતિ હોય તો પછી લોકશાહી અને રાજાશાહીમાં શું ફરક રહ્યો? ગુજરાત પોલીસનું આ વર્તન ખૂબ જ નિંદનિય છે. છતાં પણ પોલીસ દ્વારા કાર્યવાહી કરવાની ના પાડી દેવામાં આવી હતી.

મહિલાની ફરિયાદ નોંધવાની જગ્યાએ પોલીસે ફરી ધમકી આપી

મહિલા જ્યારે પાલડી પોલીસ સ્ટેશન પહોંચી ત્યારે પાલડી પોલીસ સ્ટેશનના પીએસઆઈએ મહિલાને ધમકાવ્યા અને ફરિયાદ લેવાની ના પાડી દીધી હતી. એટલું જ નહીં પરંતુ મહિલા પીઆઈએ પણ ઉલટાનું મહિલાને ધમકી આપી કે તમારી સામે પણ ક્રોસ ફરિયાદ નોંધાશે. છતાં મહિલા અડગ રહી અને રાત્રે 11.50 વાગ્યા સુધી પોલીસ સ્ટેશનમાં રહી અને લેખિતમાં અરજી આપી હતી. આ સમગ્ર મામલે પાલડી પોલીસ સ્ટેશનના પીઆઇ એમએન પારેવડાનું કહેવું છે કે, આ મુદ્દો ટ્રાફિકનો હતો એટલા માટે ટ્રાફિક-પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવાનું કહ્યું હતું. જ્યારે ક્રોસ ફરિયાદનું કહ્યું તેનું કારણે એ છે કે, બંને વખતે ઘર્ષણ થયું હતું, જેથી સામસામે ફરિયાદ થાય તેવી સ્થિતિ નિર્માણ પામી છે.

આ ઘટના મામલે ટ્રાફિક વેસ્ટ DCP ભાવના પટેલે શું કહ્યું?

અમદાવાદની ઘટના બાદ ટ્રાફિક વેસ્ટ DCP ભાવના પટેલે જણાવ્યું કે, મહિલાએ ટ્રાફિક સિગ્નલનો ભંગ કર્યો હતો, જેથી પોલીસ તેમને રોકીને હેલ્મેટ પહેરેલું નહોતું તે મામલે પુછપરછ કરી હતી. આ દરમિયાન મહિલાએ પોલીસને ગમેતેમ બોલીને આઈડી માંગ્યું હતું. જેથી પોલીસે આઈડી પણ બતાવ્યું હતું. પણ આઈ કાર્ડ નીચે ફેકી દીધેલ અને પોલીસ જોડે ગંદી ગાળો બોલતા હતા. જે બાબતે ગુસ્સે થઈને પોલીસ કર્મચારી હાથ ઉગાર્યો હતો. આ મામલે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસ કર્મચારી (જ્યંતિભાઈ)ને પણ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યાં છે. મહત્વની વાત એ છે કે, આ ઘટનામાં ટ્રાફિક વેસ્ટ DCP ભાવના પટેલે પોલીસે કરેલી ભૂલ સ્વીકારી છે.

સંઘવીએ આપેલી સલાહને પોલીસે અભરાઈએ ચડાવી દીધી

એકબાજુ ગુજરાતના ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ પોલીસ કર્મચારીઓને લોકો સાથે સારૂ વર્તન કરવાની સહાલ આપી રહ્યાં છે. નાગરિકો સાથે પ્રેમથી વર્તન કરે એવી પોલીસને સલાહ આપવામાં આવી હતી. આ સલાહ આપ્યાને હજી 24 કલાક પણ નથી થયા અને અમદાવાદમાં એક પોલીસ કર્મચારી માહિલા સાથે મારપીટ શરૂ કરી દે છે. આ વીડિયો અત્યારે સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને લોકો આ પોલીસ કર્મચારી સામે કાર્યવાહી કરવા માટે માંગણી કરી રહ્યાં છે.

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button