ખાનગી શાળાઓની જોહુકમીઃ અમદાવાદમાં ચોક્કસ દુકાનેથી જ સ્વેટર ખરીદવાના દબાણ સામે એનએસયુઆઈનું વિરોધ પ્રદર્શન

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: શહેરની અનેક ખાનગી શાળાઓ દ્વારા વાલીઓને મોંઘા ભાવના યુનિફોર્મ અને સ્વેટર ચોક્કસ દુકાનેથી જ ખરીદવા માટે દબાણ કરવામાં આવતું હોવાની ફરિયાદ કરવામાં આવી હતી. જોકે, આ મામલે આજે વિદ્યાર્થી સંગઠન એનએસયુઆઈ દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીએ ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
કાર્યકરોએ કચેરી પરિસરમાં સૂત્રોચ્ચાર કરી ખાનગી શાળાઓની જોહુકમી બંધ કરાવવાની માંગ કરી હતી અને આક્ષેપ કર્યો હતો કે શાળાઓ અને વેપારીઓની મિલીભગતને કારણે વાલીઓ પર બિનજરૂરી આર્થિક બોજ વધી રહ્યો છે.
આપણ વાચો: RTE Act: હાઈ કોર્ટે ખાનગી શાળાઓને રાઈટ ટુ એજ્યુકેશન ક્વોટા પ્રવેશ મુક્તિ રદ કરી
એનએસયુઆઈના કાર્યકરોએ રજૂઆત કરતા જણાવ્યું હતું કે વાલીઓને નિર્ધારિત સ્થળેથી જ મોંઘી વસ્તુઓ ખરીદવા મજબૂર કરવામાં આવે છે અને વારંવારની રજૂઆતો છતાં શિક્ષણ વિભાગ મૌન સેવી રહ્યું છે.
આ વિરોધ પ્રદર્શનને પગલે મામલો ગરમાયો હતો. એનએસયુઆઈએ ચીમકી આપી હતી કે જો શાળાઓ સામે કડક પગલાં લેવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં આંદોલનને વધુ તેજ બનાવવામાં આવશે.
આપણ વાચો: RTE ના બીજા રાઉન્ડ હેઠળ ગુજરાતની ખાનગી શાળાઓમાં આટલા બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો
વિદ્યાર્થી સંગઠનની આ રજૂઆત બાદ અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, શિક્ષણ વિભાગ વાલીઓ અને વિદ્યાર્થીઓની સમસ્યાઓ પ્રત્યે ગંભીર છે.
પુસ્તકો કે સ્વેટર જેવી કોઈ પણ બાબતે જો વાલીઓને પરેશાન કરવામાં આવતા હશે તો તેની ચોક્કસ તપાસ કરવામાં આવશે. તેમણે ખાતરી આપી હતી કે વાલીઓની નાની ફરિયાદોને પણ ધ્યાને લઈને જવાબદાર શાળાઓ સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.



