નવા વાડજમાં અસામાજિક તત્વોનો આતંક: નજીવી બોલાચાલીમાં હિંસક હુમલો, બે હત્યાનો આરોપી ઝડપાયો

અમદાવાદ: નવા વાડજ વિસ્તારમાં આવેલા વ્યાસવાડી નજીક એક પાન પાર્લર પર બે ગ્રાહકની વચ્ચે સામાન્ય બોલાચાલીએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું. નજીવી બાબત પર શરૂ થયેલો આ ઝઘડો મારામારીમાં પરિણમ્યો હતો, જેમાં આરોપીઓએ સોડાની ખાલી બોટલનો હથિયાર તરીકે ઉપયોગ કરીને હિંસક હુમલો કર્યો હતો.
આ ઘટના બાદ વાડજ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને ચારેય આરોપીઓની ધરપકડ કરી છે. જોકે, આ ધરપકડમાં સૌથી ચોંકાવનારો ખુલાસો એ થયો છે કે, આ ગુનાનો મુખ્ય આરોપી અગાઉ બે હત્યાના કેસમાં સંડોવાયેલો છે, જેના પગલે પોલીસે સમગ્ર મામલે વધુ ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.
આ પણ વાચો : લોકોને રંજાડતા-કનડગત કરતા અસામાજિક તત્વો સામે કડક કામગીરી કરો, સ્વાગત કાર્યક્રમમાં મુખ્યપ્રધાને આપ્યો આદેશ
વાડજ પોલીસ સ્ટેશનની હદમાં વ્યાસવાડી પાસે રમેશચંદ્ર શર્માના પાન પાર્લર પર સાંજના સમયે આ ઘટના બની હતી. દુકાન પર સામાન લેવા માટે આવેલા એક ગ્રાહક અને પાછળથી આવેલા કેટલાક આરોપીઓ વચ્ચે નજીવી બાબતને લઈને બોલાચાલી શરૂ થઈ. આ સામાન્ય બોલાચાલીએ થોડી જ ક્ષણોમાં ઉગ્ર સ્વરૂપ લીધું અને ઉશ્કેરાયેલા આરોપીઓએ ત્યાં પડેલી સોડાની ખાલી બોટલો છૂટી ફેંકીને હુમલો કર્યો. આ હુમલાના કારણે એક વ્યક્તિના માથામાં ગંભીર ઈજા પહોંચી હતી, સાથે જ પાન પાર્લરના ફ્રીજ સહિત અન્ય સામાનને પણ મોટું નુકસાન થયું હતું.
ઘટનાની જાણ થતાં જ વાડજ પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તાત્કાલિક તપાસ હાથ ધરી અને આ ગુનામાં સંડોવાયેલા ચારેય આરોપીની ધરપકડ કરી લીધી છે. જોકે, પોલીસ તપાસમાં જે તથ્ય સામે આવ્યું છે, તે સનસનીખેજ છે. ચાર આરોપી પૈકી, મુખ્ય આરોપી વિજય ઉર્ફે પિયુષ વાઘેલા અગાઉ હત્યાના બે અલગ-અલગ ગુનાઓમાં સંડોવાયેલો હોવાનું ખૂલ્યું છે.
આ પણ વાચો : Surat માં અસામાજિક તત્વો બેફામ, છેલ્લા 2 વર્ષમાં દુષ્કર્મના 657 કેસ નોંધાયા
મુખ્ય આરોપી વિજય ઉર્ફે પિયુષ વાઘેલા વિરુદ્ધ નોંધાયેલા બે હત્યાના ગુનામાંથી એક સાબરમતી પોલીસ સ્ટેશનમાં અને બીજો પાટણ જિલ્લાના સમી તાલુકામાં નોંધાયેલો છે. પોલીસના મતે વિજય તાજેતરમાં જ અમદાવાદ આવ્યો હતો અને પોતાના જૂના મિત્રો સાથે હતો, ત્યારે આ મારામારીની ઘટના બની હતી.
બે હત્યાના ગંભીર ગુનાહિત ઇતિહાસ ધરાવતા આરોપીની નજીવા વિવાદના કેસમાં ધરપકડ થતાં પોલીસે હવે તેના ગુનાહિત રેકોર્ડ અને હાલની ગતિવિધિઓ અંગે વધુ ઊંડાણપૂર્વકની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.



