અમદાવાદના નરોડમાં ત્રીજા માળેથી લિફ્ટ સીધી બેઝમેન્ટમાં પડી, ત્રણ લોકોને સામાન્ય ઈજા

અમદાવાદ : અમદાવાદ શહેરના નરોડા વિસ્તારમાં લિફ્ટ ત્રીજા માળેથી સીધી બેઝમેન્ટમાં પડી હતી. જોકે, સદનસીબે તમામનો આબાદ બચાવ થયો છે. આ ઘટનામાં ત્રણ લોકોને સામાન્ય ઈજાઓ થઈ છે. સ્થાનિકોએ તાત્કાલિક તમામ લોકોનું રેસ્ક્યૂ કરીને બહાર કાઢ્યા હતા.
સીધી લિફ્ટ બેઝમેન્ટમાં પડી હતી
આ અંગે મળતી માહિતી મુજબ અમદાવાદના નરોડા વિસ્તારમાં આવેલા દેવાશિષ ફ્લેટમાં ત્રીજા માળેથી લિફ્ટ સીધી બેઝમેન્ટમાં પડી હોવાની ઘટના બની હતી. લિફ્ટમાં બે બાળકો, ચાર મહિલાઓ અને એક પુરુષ એમ સાત લોકો ફસાયા હતા. સ્થાનિક લોકો તાત્કાલિક દોડી આવ્યા હતા અને લિફ્ટનો દરવાજો તોડી તમામ લોકોને બહાર કાઢ્યા હતા. સ્થાનિક લોકોએ લિફ્ટના મેન્ટેનન્સને લઈને સવાલો ઉભા કર્યા હતા. ચોથા માળેથી તેઓ નીચે આવી રહ્યા હતા ત્યારે ત્રીજા માળ બાદ બાદ અચાનક જ સીધી લિફ્ટ બેઝમેન્ટમાં પડી હતી.
તમામ લોકોને સહી સલામત બહાર કાઢી લીધા
આ ઘટનાની જાણ થતા સ્થાનિક લોકો તાત્કાલિક નીચે દોડી આવ્યા હતા. લિફ્ટનો દરવાજો થોડો ખુલ્લો હતો જેના કારણે લોકોએ દરવાજાને તોડી અને ત્રણ જ મિનિટમાં તમામ લોકોને સહી સલામત બહાર કાઢી લીધા હતા. આ ઘટનામાં કોઈ મોટી જાનહાનિ થઈ નથી, પરંતુ લિફ્ટમાં ફસાયેલી ચાર મહિલાઓ અને બાળકો ખૂબ જ ગભરાઈ ગયા હતા.
અમદાવાદ શહેરમાં લિફ્ટ બંધ થઈ જવાના કારણે લોકો ફસાયા હોવાની ઘટના વધી રહી છે. થોડા દિવસો પહેલા વસ્ત્રાપુરમાં લિફ્ટ બંધ થઈ જતા લોકોને રેસ્ક્યૂ કરી બહાર કઢાયા હતા.