અમદાવાદ

અમદાવાદીઓ પર નવા ટેક્સનો બોજ નહીં, જાણો ₹17,018 કરોડના AMC બજેટની મોટી જાહેરાતો

અમદાવાદ: રાજ્યમાં આગામી સમયમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂર્વે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર બંછાનિધિ પાનીએ વર્ષ 2026-27નું ₹17,018 કરોડનું જંગી ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું છે. આ બજેટમાં શહેરના આધુનિકીકરણ અને નાગરિકોની સુખાકારીને કેન્દ્રમાં રાખવામાં આવી છે. સૌથી મોટી રાહતની વાત એ છે કે આ વર્ષે મિલકત વેરા કે અન્ય કોઈ પણ કરવેરામાં નવો વધારો સૂચવવામાં આવ્યો નથી, જોકે અગાઉના નિયમ મુજબ વાર્ષિક 2% ઓટોમેટિક ટેક્સ વધારો યથાવત રહેશે.

ટ્રાફિક મુક્તિ માટે એલિવેટેડ કોરિડોર અને બ્રિજનું નિર્માળ

શહેરની ટ્રાફિક સમસ્યામાં સુધાર કરવા માટે બજેટમાં ₹1,000 કરોડના ખર્ચે અનેક એલિવેટેડ કોરિડોર બનાવવાની જાહેરાત કરાઈ છે. જેમાં નેહરુનગરથી શિવરંજની થઈ ઇસ્કોન સુધી અને બોપલ એસ.પી. રિંગ રોડથી ઘુમા સુધીના મહત્વના પ્રોજેક્ટ્સ સામેલ છે. ‘ફાટક મુક્ત અમદાવાદ’ અભિયાન હેઠળ ₹775 કરોડના ખર્ચે 5 નવા રેલવે ઓવરબ્રિજ (ગેરતપુર, વટવા-વિંઝોલ, પુનીતનગર, મણિનગર અને સરખેજ) તથા ₹225 કરોડના ખર્ચે 3 નવા ફ્લાય ઓવરબ્રિજ (મેમ્કો, ભક્તિ સર્કલ અને સિલ્વર સ્ટાર જંક્શન) બનાવવાની મંજૂરી અપાઈ છે. સાબરમતી નદી પર હાંસોલથી કોટેશ્વર સુધી નવો રિવર બ્રિજ અને હયાત સુભાષ બ્રિજનું નવીનીકરણ પણ કરવાની જાહેરાત કરવામાં આવી છે.

સાબરમતી રિવરફ્રન્ટ ફેઝ-2 અને 3નો કાયાકલ્પ

રિવરફ્રન્ટના વિકાસ માટે કરોડો રૂપિયાની જોગવાઈ કરાઈ છે. પશ્ચિમ કાંઠે ₹258 કરોડના ખર્ચે ટાગોર હોલ પાસે એક્ઝીબિશન કમ કન્વેન્શન સેન્ટર અને ₹100 કરોડના ખર્ચે નેહરુબ્રિજ-એલિસબ્રિજ વચ્ચે ફૂડ કોર્ટ (સેવરીઝ) બનશે. ફેઝ-3 હેઠળ ઇન્દિરા બ્રિજથી નર્મદા કેનાલ સુધીના ડેવલપમેન્ટ માટે ₹100 કરોડ ફાળવાયા છે. રિવરફ્રન્ટ પર ટ્રોપિકલ ફોરેસ્ટ (₹56 કરોડ), મ્યુઝિકલ ફાઉન્ટેન (₹50 કરોડ) અને લાંબો લિનિયર ગાર્ડન પણ આકર્ષણનું કેન્દ્ર બનશે. મુસાફરો માટે રિવરફ્રન્ટના બંને કાંઠે AMTS બસ સેવા અને ₹1 કરોડના ખર્ચે વોટર મેટ્રોનો ફિઝિબિલિટી સ્ટડી હાથ ધરાશે.

મહિલા સશક્તિકરણ અને સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર

મહિલાઓ માટે બજેટમાં ખાસ જોગવાઈ કરતા 25 નવા ‘પિંક ટોયલેટ’ (પશ્ચિમમાં 11 અને પૂર્વમાં 14) અને જોધપુર વિસ્તારમાં મહિલાઓ માટે સ્પેશિયલ જિમ બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. વર્કિંગ વુમન માટે 5 નવા ઘોડિયાઘર અને બાળકો માટે 100 નવી આંગણવાડીઓ બનશે. સ્પોર્ટ્સ ક્ષેત્રે અમદાવાદને ગ્લોબલ બનાવવા 6 મોટા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને 5 મિની સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ તૈયાર કરાશે. શહેરના 11 બ્રિજ નીચે ખાલી પડેલી જગ્યાઓમાં સ્પોર્ટ્સ ડેવલપમેન્ટ માટે ₹25 કરોડ ફાળવવામાં આવ્યા છે.

આઇકોનિક રોડ અને હેરિટેજ સંરક્ષણ

અમદાવાદના રસ્તાઓને ‘ડસ્ટ ફ્રી’ બનાવવા માટે ₹700 કરોડના ખર્ચે 200 કિમીના નવા રોડ બનશે. એસ.જી. હાઈવેને ₹600 કરોડના ખર્ચે આઇકોનિક બનાવવામાં આવશે, જ્યારે નાના ચીલોડાથી સનાથલ સુધી ₹660 કરોડના ખર્ચે નોર્થ-સાઉથ કોરિડોર વિકસાવાશે. હેરિટેજ સિટીની જાળવણી માટે પોળના પુનઃઉદ્ધાર, દરિયાપુર અને પ્રેમ દરવાજાના જંક્શન ડેવલપમેન્ટ તથા દાદા હરિની વાવ ફરતેના વિસ્તારને વિકસાવવા માટે ₹35 કરોડથી વધુની જોગવાઈ કરવામાં આવી છે. આ ઉપરાંત કાલુપુર અને HSR (હાઈ સ્પીડ રેલ) એરિયાના રિ-ડેવલપમેન્ટ પ્રોજેક્ટ્સ પણ હાથ ધરાશે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button