અમદાવાદ મેટ્રોનો નવો અવતાર: હવે 4 કલર કોડથી ઓળખાશે રૂટ, જાણો તમારી લાઈન વિશે

અમદાવાદ: શહેર અને રાજ્યના પાટનગર ગાંધીનગર વચ્ચેની મુસાફરી હવે વધુ ઝડપી અને આધુનિક બની છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સચિવાલયથી મહાત્મા મંદિર સુધીના મેટ્રો રૂટનું લોકાર્પણ કરીને નાગરિકોને મોટી ભેટ આપી છે. આ નવા વિસ્તરણ સાથે જ અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટ હવે દિલ્હી અને બેંગલુરુ જેવા મેટ્રોપોલિટન શહેરોની હરોળમાં આવી ગયો છે. નેટવર્ક મોટું થતા હવે મુસાફરોની સુવિધા માટે સમગ્ર રૂટને અલગ-અલગ કલર કોડ દ્વારા નવી ઓળખ આપવામાં આવી છે.
ચાર કલરની લાઈનમાં વહેંચાયું મેટ્રોનું નેટવર્ક
અત્યાર સુધી અમદાવાદ મેટ્રો માત્ર બે મુખ્ય લાઈનો પર કાર્યરત હતી, પરંતુ હવે તેને ચાર વિશિષ્ટ લાઈનોમાં વિભાજિત કરવામાં આવી છે. બ્લ્યુ, રેડ, યલો અને વાયોલેટ એમ ચાર કલર કોડ નક્કી કરાયા છે. આ ફેરફાર પાછળનો મુખ્ય હેતુ એ છે કે મુસાફરો સ્ટેશનો અને રૂટની ઓળખ સરળતાથી કરી શકે. હવે મુસાફરોએ આખા રૂટના નામ યાદ રાખવાને બદલે માત્ર ‘કલર લાઈન’ના આધારે પોતાની મુસાફરીનું પ્લાનિંગ કરવાનું રહેશે, જે મેટ્રો સ્ટેશનો પર લાગેલા સાઈનબોર્ડ્સ દ્વારા વધુ સરળ બનશે.
વડા પ્રધાન મોદી દ્વારા જે નવા રૂટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે, તે હવે ‘યલો લાઈન’ તરીકે ઓળખાશે. આ લાઈન મોટેરા સ્ટેડિયમથી ગાંધીનગરના મહાત્મા મંદિર સુધીની મુસાફરી કરાવશે. પ્રાથમિક અંદાજ મુજબ મોટેરાથી મહાત્મા મંદિર સુધીનું મહત્તમ ભાડું ₹ 40 આસપાસ રહેવાની શક્યતા છે. આ સાથે જ જીએનએલયુથી ગિફ્ટ સિટીને જોડતા રૂટને ‘વાયોલેટ લાઈન’ નામ અપાયું છે, જે આઈટી પ્રોફેશનલ્સ અને મુલાકાતીઓ માટે વરદાન સાબિત થશે.
કલર ઓળખ આ પ્રમાણે રહેશે
. બ્લુ લાઈન: વસ્ત્રાલ ગામથી થલતેજ ગામ (પૂર્વ-પશ્ચિમ કોરિડોર)
. રેડ લાઈન: એપીએમસી વાસણાથી મોટેરા સ્ટેડિયમ (ઉત્તર-દક્ષિણ કોરિડોર)
. યલો લાઈન: મોટેરા સ્ટેડિયમથી મહાત્મા મંદિર (ગાંધીનગર રૂટ)
. વાયોલેટ લાઈન: જીએનએલયુથી ગિફ્ટ સિટી કનેક્ટિવિટી



