T20 વર્લ્ડ કપને લઈ GMRCનો મહત્વનો નિર્ણય: મોડી રાત સુધી દોડશે મેટ્રો, જાણી લો સમય

અમદાવાદ: નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026ની ડે-નાઈટ મેચો રમાનાર છે. મેચ નિહાળવા આવતા હજારો ક્રિકેટ પ્રેમીઓને ઘરે પરત ફરવામાં મુશ્કેલી ન પડે તે માટે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC) એ એક મહત્વનો નિર્ણય લીધો છે. જે દિવસોમાં મેચ રમાશે, તે દિવસોમાં અમદાવાદ અને ગાંધીનગર વચ્ચેની મેટ્રો સેવાઓ મોડી રાત્રે 12:30 વાગ્યા સુધી કાર્યરત રહેશે. આ નિર્ણયથી સ્ટેડિયમમાં મેચ જોઈને નીકળતા લોકોને ટ્રાફિકની સમસ્યાથી મોટી રાહત મળશે.
સામાન્ય રીતે અમદાવાદ મેટ્રોનો સમય સવારે 6:20 થી રાત્રે 10:00 વાગ્યા સુધીનો હોય છે, પરંતુ મેચના દિવસોમાં (9, 11, 14, 18, 22, 26 ફેબ્રુઆરી અને સંભવિત 8 માર્ચ) વિશેષ શિડ્યુલ અમલી રહેશે. મોટેરા સ્ટેડિયમથી APMC તરફ જતી મેટ્રો રાત્રે 10:00 થી 12:30 સુધી દોડશે. તેવી જ રીતે, ઓલ્ડ હાઈકોર્ટ ઇન્ટરચેન્જથી વસ્ત્રાલ ગામ અને થલતેજ ગામ તરફની ટ્રેનો રાત્રે 12:50 સુધી ઉપલબ્ધ રહેશે. ગાંધીનગર કોરિડોર માટે મોટેરા સ્ટેડિયમથી મહાત્મા મંદિર જવા માટે રાત્રે 11:40 અને 12:10 વાગ્યે સ્પેશિયલ ટ્રેન ઉપલબ્ધ થશે.
મેચ પૂરી થયા પછી સ્ટેડિયમ પર ટિકિટ માટે લાંબી કતારો ન લાગે તે માટે GMRC એ ₹50ની ફ્લેટ રેટ ધરાવતી ‘સ્પેશિયલ પેપર ટિકિટ’ બહાર પાડી છે. આ ટિકિટનો ઉપયોગ કરીને મુસાફરો મોટેરા સ્ટેડિયમ કે સાબરમતી મેટ્રો સ્ટેશનથી અમદાવાદ અને ગાંધીનગરના કોઈપણ કાર્યરત સ્ટેશન સુધી મુસાફરી કરી શકશે. મહત્વની વાત એ છે કે રાત્રે 10:00 વાગ્યા પછી માત્ર આ સ્પેશિયલ પેપર ટિકિટ જ માન્ય ગણાશે. અન્ય કોઈ પણ એડવાન્સ QR કોડ કે ટોકન રાત્રે 10 વાગ્યા પછી એન્ટ્રી માટે ચાલશે નહીં.
મુસાફરોની સુવિધા માટે આ સ્પેશિયલ પેપર ટિકિટ વહેલી તકે ખરીદી શકાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. તમે તે જ દિવસે નિરંત ક્રોસ રોડ, એપેરલ પાર્ક, કાલુપુર, ઓલ્ડ હાઈકોર્ટ, થલતેજ, મોટેરા, સાબરમતી, રાણીપ, વાડજ, જીવરાજ પાર્ક, GNLU, ઇન્ફોસિટી અને મહાત્મા મંદિર જેવા મુખ્ય સ્ટેશનો પરથી એડવાન્સમાં ટિકિટ ખરીદી શકો છો. આ વ્યવસ્થા એટલા માટે કરવામાં આવી છે જેથી મેચ પૂરી થયા પછી મુસાફરો સીધા જ ટ્રેનમાં બેસી શકે અને સમયનો બચાવ થાય.



