અમદાવાદના કોટ વિસ્તારની પોળમાં ઉત્તરાયણનો ક્રેઝ: ધાબાના ભાડા આસમાને પહોંચ્યા

અમદાવાદ: ગુજરાતમાં સુરત-વડોદરા અને અમદાવાદના રહેવાસીઓનો માનીતો તહેવાર એટલે ઉતરાયણ. આ વખતે પણ જૂના વિસ્તારોની સાથે પોળમાં ઉતરાયણની ઉજવણી કરવા માટે દેશ-વિદેશમાંથી પર્યટકોનો જોરદાર ધસારો છે, ત્યારે દરવર્ષના માફક આ વર્ષે અમદાવાદમાં મોટા ભાગની પોળના ધાબા હાઉસફુલ થઈ ગયા છે, જ્યારે ભાવ પણ આસમાને પહોંચ્યા છે.
અમદાવાદમાં રાયપુર વિસ્તારમાં ઉત્તરાયણ દરમિયાન ભાવ ધાબાનો ભાવ સૌથી વધુ રહેતો હોય છે. આ પર્વમાં લોકો વહેલી સવારથી ધાબે જઈને પતંગ ચગાવતા હોય છે, પરંતુ અમદાવાદના કોટ વિસ્તારની ઉતરાયણ સૌ કોઈ માટે મહત્વની હોય છે. ખાસ કરીને પોળોમાં ધાબા અને ઘર એક બીજા સાથે કનેકટેડ હોય છે જેના કારણે વહેલી સવારથી મોડી સાંજ સુધી તમને પતંગ ચગાવતા રસિયાઓ જોવા મળે છે, જ્યારે અમુક જગ્યાએ તો મ્યુઝિકલ મોજ કરતા લોકો જોવા મળે છે. કોટ વિસ્તારમાં સૌથી વધુ રાયપુરમાં જે લોકોના મકાનો પોળમાં આવેલા છે તેઓ ધાબાના બે દિવસ માટે ભાડે આપતા હોય છે. આ બે દિવસનું ભાડું પણ પાંચ હજારથી લઈને 30 હજાર સુધીનું હોય છે.
આ પણ વાંચો : અમદાવાદીઓને ઉત્તરાયણે મજા પડી જશે, પવનની ગતિ વધીને ક્યાં પહોંચશે?
કોટ વિસ્તારના ધાબાનું ભાડું 30 હજાર સુધી પહોંચ્યું
અમદાવાદના કોટ વિસ્તારમાં રાયપુર, ઢાળની પોળ, રાયપુર ચકલાની પોળો સહિતની પોળોમાં સૌથી વધારે ધાબા પતંગ રસિયાઓને ભાડે આપવામાં આવતા હોય છે. એટલું જ નહીં પરંતુ ધાબા માટે ભાડુ એડવાન્સમાં આપવાનું હોય છે. બે દિવસના ભાડામાં તમારે તે ઘરમાં રાત્રી રોકાણ કરવું હોય તો પણ કરી શકો છો. અમદાવાદની પોળમાં ઉત્તરાયણની મજા જ કંઈક અલગ હોય છે. વિદેશમાંથી પણ અનેક લોકો આ પોળમાં પતંગ ચગાવવામાં માટે આવતા હોય છે.
ઉત્તરાયણમાં લોકો પતંગ સાથે સાથે ખાવાની પણ મોજ રહેતી હોય છે. ઉત્તરાયણ દરમિયાન લોકો સવારનો નાસ્તો, બપોરનું જમવાનું, હાઈ ટી અને સાંજનું જમવાનું પણ ધાબે રહેતું હોય છે. ઉત્તરાયણ દિવસે આવી રીતે એક દિવસ ભાડે આપવાથી સ્થાનિક લોકોમાં એક પ્રકારનું રોજગારીનું સર્જન થયું છે. એક રીતે જોવા જતા ઉત્તરાયણ દરમિયાન પતંગ ચગાવનારને અને તમામ પ્રકારની સુવિધાઓ આપવામાં આવતી રહે છે. ધાબું ભાડે આપવામાં આવે તેની સાથે જમવાના પેકેજ પણ આપવામાં આવતા હોય છે, જેથી સ્થાનિકો માટે હવે કમાણી કરવાનો એક નવો વિકલ્પ મળી ગયો છે, જ્યારે મોજમસ્તી પણ લોકો લખલૂટ કરે છે. બે દિવસ તો નાનાથી લઈ મોટાના મોંઢે એક જ હોકારો હોય છે એ લપેટ. તો થઈ જાઓ તૈયાર.



