અમદાવાદ

ઇસનપુરની કેમિકલ ફેક્ટરીમાં વિકરાળ આગ: ફાયર બ્રિગેડની ૮ ગાડીઓ ઘટનાસ્થળે

અમદાવાદ: ઉનાળાની શરૂઆત પૂર્વે જ આગની ઘટનાઓએ માથું ઊંચક્યું છે. શહેરના વ્યસ્ત ગણાતા ઇસનપુર વિસ્તારમાં આજે એકાએક લાગેલી આગને કારણે સમગ્ર પંથકમાં ભયનો માહોલ ફેલાયો હતો. ઔદ્યોગિક એકમો અને રહેણાંક સોસાયટીઓની નજીક આવેલા આ વિસ્તારમાં લાગેલી આગ એટલી ભીષણ હતી કે તેના ધૂમાડાના ગોટેગોટા આકાશમાં કિલોમીટરો દૂરથી જોઈ શકાતા હતા.

સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ઇસનપુર વિસ્તારમાં આવેલી મોની હોટલની ગલીમાં સ્થિત ‘ગુરુકૃપા એસ્ટેટ’ની એક કેમિકલ ફેક્ટરીમાં અચાનક આગ ફાટી નીકળી હતી. કેમિકલનો જથ્થો હોવાને કારણે આગે થોડીજ સમયમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. સ્થાનિકોએ તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરતા ફાયર બ્રિગેડનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. સમાચાર લખતી વખતે ફાયરની 8 જેટલી ગાડીઓ દ્વારા સતત પાણીનો મારો ચલાવી આગને શાંત પાડવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

જે ફેક્ટરીમાં આગ લાગી છે તેની આસપાસ અનેક નાની-મોટી દુકાનો અને રહેણાંક મકાનો આવેલા છે. કેમિકલના કારણે આગ વધુ પ્રસરે તેવી ભીતિને પગલે લોકોમાં દોડધામ મચી ગઈ હતી. સાવચેતીના ભાગરૂપે આસપાસનો વિસ્તાર ખાલી કરાવવામાં આવ્યો હતો. સદનસીબે, હજુ સુધી આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી, જે મોટી રાહતની વાત છે. જોકે, ફેક્ટરીમાં રાખેલો લાખોની કિંમતનો માલસામાન અને મશીનરી બળીને ખાખ થઈ જવાની આશંકા સેવાઈ રહી છે.

ફાયર વિભાગની પ્રાથમિકતા અત્યારે આગ પર સંપૂર્ણ કાબૂ મેળવવાની અને તેને આસપાસની મિલકતોમાં ફેલાતી અટકાવવાની છે. જો કે આ આગ લાગવાનું કોઈ ચોક્કસ કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી. ફાયર ફાઇટિંગની કામગીરી પૂર્ણ થયા બાદ અને ‘કૂલિંગ પ્રોસેસ’ પત્યા પછી એફએસએલ (FSL) ની મદદથી આગનું ચોક્કસ કારણ જાણવા માટે તપાસ હાથ ધરવામાં આવશે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button