અમદાવાદના સંવેદનશીલ વિસ્તારોમાં ‘I love muhammad’ના પોસ્ટર સાથે રેલી કાઢવામાં આવી, પોલીસ એલર્ટ

અમદાવાદ: સમગ્ર દેશમાં ‘આઈ લવ મોહમ્મદ’ પોસ્ટરને લઈને રેલીઓ કાઢવામાં આવી રહી છે, જેના પડઘા ગુજરાતમાં પણ પડ્યા છે. દાહોદ અને દહેગામમાં ‘I Love Muhammad’ના પોસ્ટરને રમખાણો થઈ ચૂક્યા છે ત્યારે હવે અમદાવાદના કેટલાક વિસ્તારોમાં પણ ‘I Love Muhammad’ના પોસ્ટર સાથે અનેક લોકો રેલીમાં જોડાતા માહોલ તંગ જોવા મળ્યો હતો. તકેદારીના ભાગરુપે સિટી પોલીસે સુરક્ષામાં વધારો કરી દીધો હતો.
મુસ્લમ સમુદાયે પોસ્ટર સાથે કાઢી રેલી
અમદાવાદના જમાલપુર ગેટથી લઈને ખમાસા સુધી મુસ્લિમ સમુદાય દ્વારા ‘I Love Muhammad’ના પોસ્ટર અને બેનર સાથે રેલી કાઢવામાં આવી હતી. જેમાં યુવાનો અને બાળકો પણ જોડાયા હતા. આ રેલી દરમિયાન કોઈ અણબનાવ ન બને તે માટે અમદાવાદ પોલીસ પણ હાજર રહી હતી. જોકે, બે દિવસ પહેલા જુહાપુરા વિસ્તારમાં પણ બાળકો અને મહિલાઓ દ્વારા આવી જ રેલી કાઢવામાં આવી હતી. તેથી પોલીસ અગાઉથી જ સતર્ક થઈ ગઈ છે.
આ પણ વાંચો: હવે યુપીમાં ચાલી પોસ્ટરવોરઃ I Love Muhammad વિરુદ્ધ I Love Mahadev
‘I Love Muhammad’ના વિવાદને લઈને કોઈ અણબનાવ ન બને તે માટે સંવેદનશીલ વિસ્તારોમાં અમદાવાદ પોલીસ દ્વારા પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે. સાથોસાથ સોશિયલ મીડિયા પર પણ દેખરેખ રાખવામાં આવી રહીં છે. જેથી કોઈ વિવાદિત પોસ્ટ વાયરલ થાય નહીં. જોકે, વિશાલા ચાર રસ્તા પર ‘I Love Muhammad’નું મોટું પોસ્ટર લાગ્યું હતું. જેને પોલીસે શાંતિપૂર્ણ રીતે હટાવાયું હતું.
‘I Love Muhammad’ વિવાદને લઈને VHPનું નિવેદન
‘I Love Muhammad’ પોસ્ટરના વકરેલા વિવાદને લઈને વિશ્વ હિન્દુ પરિષદની પ્રતિક્રિયા સામે આવી છે. VHPના મંત્રી અશોક પટેલે મીડિયાને જણાવ્યું છે કે, “અમને કોઈની શ્રદ્ધા સાથે કોઈ વાંધો નથી. લોકો ‘I Love Muhammad’ કહે તેમાં કોઈ વાંધો નથી. પરંતુ જો તેની આડમાં હિન્દુઓ પર હુમલો થાય તો આ ચિંતાનો વિષય છે. દહેગામના બહિયલ ગામે થયેલા હુમલામાં સકારે સખત કાર્યવાહી કરવી જોઈએ.”
આ પણ વાંચો: ઉત્તર પ્રદેશના બરેલીમાં આઈ લવ મોહમ્મદ મુદ્દે તણાવ, પોલીસે લાઠીચાર્જ કર્યો
ઉલ્લેખનીય છે કે, ‘I Love Muhammad’ વિવાદ સામે ગાંધીનગરમાં એક જૂથે સોશિયલ મીડિયા પર ‘I Love Mahadev’ના પોસ્ટર સાથે પોસ્ટ કરી હતી. જેને લઈને ગાંધીનગરના બહિયલ ગામમાં લઘુમતિ સમાજના ટોળાએ રાત્રે નવરાત્રિ દરમિયાન પથ્થરમારો કરીને દુકાનોમાં તોડફોડ કરી વાહનોમાં આગ ચાપી હતી.