અમદાવાદનો હાટકેશ્વર બ્રિજ તૂટશે, મુમતપુરા ફ્લાયઓવર પર તિરાડો; જવાબદારો સામે કાર્યવાહીનો અભાવ

અમદાવાદ: મહીસાગર નદી પર બનેલો વડોદરા અને આણંદને જોડતો ગંભીરા બ્રિજનો એક ભાગ બુધવારે વહેલી સવારે ધરાશાયી (Gambhira Bridge Collapse) થયો, આ દુર્ઘટનામાં 18 લોકોએ જીવ ગુમાવ્યા. છેલ્લા ઘણા વર્ષોથી ગુજરાતમાં એક પછી એક મોટી દુર્ઘટના બની રહી છે, ત્યારે ગુજરાત સરકાર સામે ગંભીર પ્રશ્નો ઉઠી રહ્યા છે. ગંભીરા પુલ દુર્ઘટના બાદ ગુજરાતમાં જાહેર બાંધકામોની ગુણવત્તા અને રખરખાવ સામે સવાલો ઉભા થઇ રહ્યા છે. એવામાં રાજ્યના મુખ્ય શહેર અમદવાદમાં આવેલા કેટલાક પુલોની સુરક્ષા અને વહીવટીતંત્રની કાર્યવાહી સામે સવાલો ઉભા થયા છે.
હાટકેશ્વર પુલને તોડી પાડવામાં આવશે:
ગઈ કાલે ગુરુવારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ની સ્ટેન્ડિંગ કમિટીએ અમરાઈવાડી વિસ્તારમાં આવેલા હાટકેશ્વર પુલને તોડી પાડવાની મંજુરી (Hatkwshwar Bridge to be Demolished)આપી છે. આ ડીમોલીશન માટે રૂ. 3.9 કરોડનો ખર્ચ થવાનો અંદાજ છે. પાંચ વર્ષ પહેલા રૂ.34 કરોડના ખર્ચે બનેલા આ પુલની ડિઝાઈનમાં ખામીઓ હોવાનું જાણવા મળ્યું હતું, સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ પુલ થોડા સમય શરુ રાખ્યા બાદ, બંધ કરવામાં આવ્યો હતો. હવે આ બ્રીજને તોડવા માટે પણ કરોડો ખર્ચવામાં આવશે. AMCના 152 વર્ષના ઈતિહાસમાં આવા પ્રકારનું પ્રથમ ડીમોલીશન હશે.
AMCના અધિકારીના જણાવ્યા મુજબ ડીમોલીશન માટે 6 મહિના જેટલો સમય લાગશે, ડીમોલીશન માટેની લાગત પુલ બનવાનાર કોન્ટ્રાક્ટર અજય એન્જીનીયર ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમીટેડ પાસેથી વસુલવામાં આવશે. AMCએ કોન્ટ્રાક્ટર અને પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્સીને બ્લેકલિસ્ટ કરી છે. આ મામલે ચાર અધિકારીઓને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા છે અને તપાસ શરુ કરવામાં આવી છે.
અન્ય પુલના બાંધકામમાં બેદરકારી સામે કાર્યવાહીનો અભાવ:
એક અખબારી અહેવાલ મુજબ છેલ્લા દસ વર્ષમાં હાટકેશ્વર સહીત શહેરના પાંચ પુલમાં માળખાકીય અને સુરક્ષાને લગતી ખામીઓ પ્રકાશમાં આવી હતી, છતાં અન્ય મામલામાં હાટકેશ્વર બ્રીજ જેવી કાર્યવાહી કરવામાં આવી નથી.
એક અહેવાલ મુજબ વર્ષ 2015માં ખોખરા રેલ્વે ઓવર બ્રીજનો એક ભાગ તૂટી પડ્યો હતો, જેમાં એક વ્યક્તિ ઘાયલ થયો હતો, આ ઘટનાનો કોઈ સત્તાવાર તપાસ કરવામાં ન આવી. બે વર્ષ બાદ AUDAનો વકીલ સાહેબ ફ્લાયઓવર પર ઉદ્ઘાટન બાદ તરત જ ખાડા પડી ગયા હતાં, જે અંગે કોન્ટ્રાક્ટર સામે કોઈ કાર્યવાહી કરવામાં ન આવી.
વર્ષ 2021માં નિર્માણાધીન મુમતપુરા પુલનો એક ભાગ તૂટી પડ્યો હતો, આ ઘટના ચાર વર્ષ બાદ પણ કોઈ નોંધપાત્ર કાર્યવાહી કરવામાં આવી નથી. વર્ષ 2023માં AUDAએ બનાવેલા સનાથળ ફ્લાયઓવર પર ઉદ્ઘાટનના ત્રણ મહિનામાં જ ખાડા પડી ગયા હતાં, આ મામલે રીસર્ફેસિંગ કામ કરવાનો ઓર્ડર આપવામાં આવ્યો હતો પણ કોન્ટ્રાક્ટર પર કોઈ દંડ ફટકારવામાં આવ્યો ન હતો.
કોન્ટ્રાક્ટર અને જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં ન આવતા AMC અને AUDA સામે અનેક સવાલો ઉભા થયા છે. કાર્યવાહીના અભાવે આવા નબળા બાંધકામો થતા રહેશે અને લોકોના જીવ જોખમમાં મુકાઈ શકે છે.
મુમતપુરા ફ્લાયઓવર પર મોટી તિરાડો:
અમદાવાદમાં બોપલ અને શેલાને જોડતા મુમતપુરા ફ્લાયઓવર જોખમી દેખાઈ રહ્યો છે, આસપાસના રહેવાસીઓ આ બ્રીજના માળખા અંગે ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. લાંબા વિલંબ પછી મે 2023 માં વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આ પુલનું વર્ચ્યુઅલી ઉદ્ઘાટન કરવામાં આવ્યું.
તાજેતરમાં એક પ્રકાશિત થયેલા અખબારી અહેવાલ મુજબ પુલ પર ચાર મોટી તિરાડો જોવા મળી છે. આ તિરાડો નાની નથી પણ દુર્ઘટનાનું કારણ બને એવી મોટી છે. ગંભીરા પુલ ધરાશાયી થવાની ઘટના બાદ લોકો આ પુલ પરથી પસાર થતા ડરી રહ્યા છે.